ચેમ્પિયન્સ
ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા 5 સ્પિનર સાથે ઉતરશે
મુંબઇ,
તા.12: ટીમ ઇન્ડિયાનો મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર થઇ
ગયો છે. તેના સ્થાને હર્ષિત રાણાનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત યુવા ઓપનર
યશસ્વી જયસ્વાલને પડતો મુકીને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ચેમ્પિયન્સ ટ્રોફીની
ટીમમાં સામેલ થયો છે. આથી આઈસીસીની આ ટૂર્નામેન્ટમાં ભારત પાંચ સ્પિનર સાથે ઉતરશે.
વર્ષ 2022 બાદ બુમરાહ બીજી આઇસીસી ટૂર્નામેન્ટ ગુમાવશે. આ પહેલા પીઠની ઇજાને લીધે
2022નો ટી-20 વર્લ્ડ કપ રમી શકયો ન હતો. હવે ફરી એકવાર પીઠને ઇજાને લીધે તે આઇસીસી
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી આઉટ થયો છે.
બીસીસીઆઇની
વિજ્ઞપ્તિમાં જણાવાયું છે કે લોઅર બેક ઈન્જરીને લીધે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીની હિસ્સો
બની શકશે નહીં. પસંદગી સમિતિએ તેના સ્થાને હર્ષિત રાણાને તક આપી છે જ્યારે વરુણ ચક્રવર્તીને
યશસ્વી જયસ્વાલના સ્થાને સામેલ કરાયો છે. જો કે જયસ્વાલનો નોન ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડીની
સૂચિમાં સમાવેશ કરાયો છે. તેની સાથે આ સૂચિમાં મોહમ્મદ સિરાઝ અને શિવમ દૂબેના નામ પર
છે.
બુમરાહને
ઓસ્ટ્રેલિયા પ્રવાસના આખરી ટેસ્ટ દરમિયાન પીઠના દર્દની સમસ્યા શરૂ થઇ હતી. આ ઇજામાંથી
તે હજુ સુધી બહાર આવી શક્યો નથી. બીસીસીઆઇએ બુમરાહ માટે અંતિમ સમય સુધી ઇંતઝાર કર્યો
હતો. અંતિમ ટીમ જાહેર કરવાની આઇસીસીની ડેડલાઇન 11 ફેબ્રુઆરી હતી.
ચેમ્પિયન્સ
ટ્રોફીની ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી,
શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર) ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડયા, અક્ષર પટેલ,
રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંઘ, હર્ષિત
રાણા અને વરૂણ ચક્રવર્તી.
રિઝર્વ
ખેલાડી: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દૂબે.