કોલકતા,
તા.7: આઇપીએલના મંગળવારે રમાનાર બપોરના મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટસ
ટીમ આમને-સામને હશે ત્યારે બે મિસ્ટ્રી સ્પિનર સુનિલ નારાયણ અને તેની સ્ટાઇલમાં બોલિંગ
કરી રહેલ દિગ્વેશ રાઠી વચ્ચે પણ મુકાબલો થશે. બન્ને ટીમ બે જીત અને બે હાર સાથે 4-4
પોઇન્ટ સાથે એકસમાન સ્થિતિમાં છે. બન્ને ટીમ માટે વર્તમાન સીઝન મિશ્રિત સફળતા સભર રહી
છે. આ મેચના પરિણામ બાદ બન્ને ટીમની પોઇન્ટ ટેબલની સ્થિતિ ઉપર-નીચે થશે. કેકેઆર પાંચમા
અને એલએસજી છઠ્ઠા નંબર પર છે. એક સારી જીતથી નેટ રન રેટ પણ સુધરશે અને મહત્વના બે અંક
પણ ગજવે થશે.
આરસીબી
અને એમઆઇ વિરૂધ્ધની ઉપરાઉપરી બે હાર પછી કેકેઆરે તેના પાછલા મેચમાં એસઆરએચ સામે સરળ
જીત મેળવી શાનદાર વાપસી કરી છે. આ દરમિયાન તેના મધ્યક્રમે પણ ઉપયોગી યોગદાન આપ્યું
હતું. ટીમનો સૌથી મોંઘો ખેલાડી વૈંકટેશ અય્યર અંત: આક્રમક પ્રદર્શન કરવામાં સફળ રહ્યો
હતો. રિંકુ સિંહે પણ રન કર્યાં હતા. યુવા અંગકૃષ રઘુવંશીએ પણ પ્રભાવિત કર્યાં હતા.
જો કે કેકેઆરની ઓપનિંગ જોડી નારાયણ અને ડિ’કોક સારી શરૂઆત આપી રહ્યા નથી. કેકેઆરને
તેના કેરેબિયન હરફનમૌલા ખેલાડી રસેલ પાસેથી વિસ્ફોટક દેખાવની આશા રહેશે. જે આ સીઝનમાં
હજુ સુધી એક્સ ફેક્ટર બની શકયો નથી. બીજી તરફ લખનઉને તેના 27 કરોડી કપ્તાન ઋષભ પંત
પાસેથી સારા દેખાવની આશા બની રહેશે.
બીજી
તરફ ઇમરાન તાહિર જેવી હેર સ્ટાઇલ, નારાયણ જેવી બોલિંગ એકશન અને કેસરિક વિલિયમ્સ જેવો
જશ્ન મનાવવાને લીધે દિગ્વેશ રાઠી આઇપીએલ-202પનો સનસની બની રહ્યો છે. તે લખનઉ માટે સતત
સારો દેખાવ કરી રહ્યો છે. મુંબઇ સામેના પાછલા મેચમાં તેણે 4 ઓવરમાં માત્ર 21 રને આપી
1 વિકેટ લીધી હતી. તે કુલ 6 વિકેટ લઇ ચૂક્યો છે. નોકબૂક સ્ટાઇલ સેલિબ્રેશન માટે તેના
પર બે વખત દંડ થઇ ચૂકયો છે. મુંબઇ સામેની 12 રનની જીતને લીધે એલએસજી ટીમ કેકેઆર સામેના
મુકાબલામાં વધુ આત્મવિશ્વાસ સાથે ઉતરશે.