• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

ભવિષ્યનો સિતારો : પંજાબનો સદીવીર પ્રિયાંશ આર્ય

ચંદિગઢ, તા.9: આઇપીએલમાં ગઇકાલના મેચમાં સીએસકે સામે વિપરિત પરિસ્થિતિમાં ફક્ત 39 દડામાં વિસ્ફોટક સદી કરી પંજાબ કિંગ્સનો નવોદિત ડાબોડી બેટર પ્રિયાંશ આર્ય રાતોરાત તમામની આંખનો સિતારો બની ગયો છે. 24 વર્ષીય પ્રિયાંશ આર્ય આઇપીએલ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી કરનારો અનકેપ્ડ ખેલાડી છે. આઇપીએલમાં તેની આ સદી સંયુક્તરૂપે ચોથી ઝડપી સદી છે. પંજાબના વર્તમાન કોચ રીકિ પોન્ટિંગે આઇપીએલ સીઝનના પ્રારંભ અગાઉ પ્રિયાંશનું ભવિષ્ય ભાખી લીધું હતું અને એવી ભવિષ્યવાણી કરી હતી કે દિલ્હીનો આ યુવા ખેલાડી ભારતનો નવો સ્ટાર ક્રિકેટર બનશે. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને નવજોતસિંઘ સિદ્ધુ આ ખેલાડીને ટીમ ઇન્ડિયાનો ભવિષ્યનો સ્ટાર બતાવી રહ્યા છે.

રીકિ પોન્ટિંગ જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમના કોચ હતા. ત્યારે સૌરવ ગાંગુલીએ પ્રિયાંશ આર્યની પ્રતિભા વિશે બતાવ્યું હતું ત્યારે પ્રિયાંશ દિલ્હી કે અન્ય કોઇ ટીમનો હિસ્સો બની શકયો ન હતો ત્યારે પ્રિયાંશ સમસમીને બેસી રહ્યો, પણ નિરાશ થયો નહીં અને સખત મહેનત કરતો રહ્યો.

આઇપીએલ-202પના મેગા ઓકશનમાં દરેક ફ્રેંચાઈઝી તેની પાછળ સૂટકેશ લઇ ભાગતી જોવા મળી. તેની બેઝ પ્રાઇસ 30 લાખ હતી પણ બોલીઓ શરૂ થઇ ત્યારે એક પછી ફ્રેંચાઈઝી તેને ખરીદવાના પ્રયાસમાં રહી. આખરે પંજાબ કિંગ્સના કોચ પોન્ટિંગે 3.80 કરોડમાં પ્રિયાંશ આર્યને પોતાની ટીમમાં સામેલ કર્યો.

આઇપીએલના મેગા ઓકશન અગાઉ પ્રિયાંશ આર્યે દિલ્હી પ્રમીયિર લીગમાં ધમાકેદાર દેખાવ કર્યો હતો. તે સાઉથ દિલ્હી સુપરસ્ટાર ટીમ તરફથી રમ્યો હતો અને 10 ઇનિંગમાં 198.69ની સ્ટ્રાઇક રેટથી 608 રન કર્યાં હતા. પ્રિયાંશે દિલ્હી સ્ટ્રાઇકર વિરુદ્ધ એક ઓવરમાં 6 છક્કા ફટકાર્યાં હતા અને પ0 દડામાં 120 રનની આતશી ઇનિંગ રમી હતી. આથી તેની ટીમે પ વિકેટે 320 રન ખડક્યા હતા. આ પછીથી આઇપીએલની તમામ ફ્રેંચાઈઝીના રડાર પ્રિયાંશ હતો. તેણે આ લીગમાં કુલ 43 છક્કા ફટકાર્યાં હતા.  મેગા ઓકશનના ઠીક એક દિવસ અગાઉ પ્રિયાંશે 43 દડામાં 103 રનની ઇનિંગ રમી હતી. આથી પોન્ટિંગે મનોમન નકકી કરી લીધું હતું કે આ ખેલાડીને છોડવો નથી. અંતમાં 3.80 કરોડ ચૂકવી પંજાબ કિંગ્સનો હિસ્સો બનાવ્યો અને હવે તે ટીમનો એકસ ફેકટર બની ચૂક્યો છે. તેણે સીએસકે વિરૂધ્ધ 42 દડામાં 7 ચોક્કા અને 9 છક્કાથી 103 રનની ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક