• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

RCB અને DC વચ્ચે ટોચ પર પહોંચવાની હરીફાઇ

ફોર્મ ચાલી રહેલ બન્ને ટીમની ટક્કર રસપ્રદ બની રહેશે :  વિરાટ-સ્ટાર્ક આમને-સામને હશે

બેંગ્લુરુ, તા. 9: શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ગુરૂવારે મહા મુકાબલો રમાશે. આ મુકાબલા દરમિયાન તમામની નજર વિરાટ કોહલી અને મિચેલ સ્ટાર્કની ટકકર પર રહેશે. ડીસી ટીમ આઇપીએલ 18 સીઝનની અપરાજિત ટીમ છે. ત્રણ જીત નોંધાવી ચૂકી છે જ્યારે આરસીબીએ ચારમાંથી ત્રણ મેચ કબજે કર્યાં છે. બન્ને ટીમ શાનદાર દેખાવ કરી રહી છે અને હરીફ ટીમની નબળાઇ પર ચડાઇ કરીને હાવી થવામાં સફળ રહી છે. એમ. ચિંદમ્બર સ્ટેડિયમ પર આરસીબી સામે ડીસીનો વિજયક્રમ પર અટકાવવાનો પડકાર રહેશે. બીજી તરફ ડીસી સામે હોમ ગ્રાઉન્ડ પર આરસીબીની રન રફતાર અંકુશ મુકવાની ચુનૌતિ હશે. આ મેચ પણ હાઇસ્કોરીંગ બની રહે તેવી પૂરી સંભાવના છે અને પ્રથમ બેટિંગ કરનાર ટીમ 200 પ્લસ સ્કોર કરવાની કોશિશ કરશે. વિજેતા ટીમ પોઇન્ટ ટેબલ પર ટોચનું સ્થાન હાંસલ કરશે.

આરસીબીએ વર્તમાન સીઝનમાં કેકેઆર, એમઆઇ અને સીએસકે સામે જીત મેળવી છે. એકમાત્ર હાર હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત સામે મળી હતી. ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી અને કપ્તાન રજત પાટીદાર શાનદાર ફોર્મમાં છે. જો કે આક્રમક ઓપનર ફિલ સોલ્ટની બેટિંગમાં સાતત્યનો અભાવ છે. કોહલી સામે મિચેલ સ્ટાર્ક ઉપરાંત દિલ્હીના ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવની ફિરકીથી સાવધ રહી ઝડપી રન કરવાનો પડકાર હશે. આરસીબીને દેવદત્ત પડીક્કલ અને જિતેશ શર્મા પાસેથી આક્રમક ઇનિંગની આશા રહેશે. આ બન્નેએ કેકેઆર સામેના પાછલા મેચમાં શાનદાર કેમિયો ઇનિંગ રમી હતી. હેઝલવૂડ અને ભુવનેશ્વર પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરી રહ્યા છે. તેમની સામે દિલ્હીના અનુભવી બેટધર કેએલ રાહુલ પણ લગામ મુકવાની ચુનૌતિ રહેશે. જે ફોર્મમાં પુનરાગમન કરી ચૂક્યો છે. દિલ્હીની નજર ફાક ડૂ પ્લેસિસની ફિટનેસ પર હશે. જો તે ફિટ હશે તો ફરી દાવનો પ્રારંભ કરી શકે છે. કાંગારૂ યુવા બેટધર જેક ફ્રેઝર પાછલી સીઝન જેવું બેટિંગ કરી રહ્યો નથી. જો કે શાનદાર ફિલ્ડીંગ તેનો પ્લસ પોઇન્ટ છે. દિલ્હી માટે હવે સમીર રિઝવીના સ્થાને ડોમેસ્ટિક ક્રિકેટના કિંગ બેટર કરુણ નાયરને અજમવવાનો સમય આવી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક