દિલ્હી કેપિટલ્સ માટે સ્પિનર્સ અને રાજસ્થાન રોયલ્સ માટે બેટર્સ એક્સ ફેક્ટર
નવી
દિલ્હી, તા.1પ: આઇપીએલ-202પની શાનદાર શરૂઆત
કરી વિજયનો ચોક્કો લગાવ્યા પછી પોતાના મેદાનમાં પહેલી હાર સહન કરનાર દિલ્હી કેપિટલ્સ
આ નિષ્ફળતાને ભૂલીને બુધવારે રાજસ્થાન રોયલ્સ સામે જીતના ક્રમ પર વાપસીની કોશિશ કરશે.
દિલ્હીને તેના પાછલા મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ સીઝનની પહેલી હાર મળી હતી. આ હારથી
ડીસી પોઇન્ટ ટેબલ પર ટોચનું સ્થાન ગુમાવી ચૂકી છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ 6 મેચમાં
ફક્ત બે જીતથી પોઇન્ટ ટેબલ પર આઠમા સ્થાને છે. સંજૂ સેમસનની કપ્તાનીમાં આરઆર ટીમ સતત
સારો દેખાવ કરી રહી નથી.
મુંબઇ
ઇન્ડિયન્સ સામે દિલ્હી માટે ઘરેલુ ક્રિકેટના દિગ્ગજ બેટધર કરુણ નાયરે 40 દડામાં 89
રનની કલાસિક ઇનિંગ રમી હતી. એક સમયે દિલ્હીનો સ્કોર 11 ઓવરમાં 1 વિકેટે 119 રન હતો,
પણ પછી 74 રનની અંદર 9 વિકેટ ગુમાવી મેચ મુંબઇને ભેટમાં આપી દીધો હતો. ખાસ કરીને તેની
આખરી ત્રણ વિકેટ ત્રણ દડામાં રનઆઉટથી પડી હતી. જેથી મુંબઇને જીત મળી હતી. દિલ્હી પાસે
આ હારનું દુ:ખ મનાવવાનો સમય નથી, કારણ કે બે દિવસની અંદર તેને કાલે રોયલ્સ સામે ટકરાવાનું
છે.
દિલ્હી
માટે ફરી એકવાર સફળતાની કુંજી સ્પિનર બની શકે છે. પાછલા મેચમાં હાર છતાં કુલદીપ યાદવ
અને 20 વર્ષીય વિપરાજ નિગમે શાનદાર ફીરકી બોલિંગ કરી હતી. જો કે કપ્તાન અક્ષર પટેલ
તેની સ્પિન બોલિંગથી પ્રભાવ છોડી રહ્યો નથી. બેટિંગમાં પણ તે છાપ છોડી રહ્યો નથી. ગત
સીઝનમાં દિલ્હીને આક્રમક શરૂઆત આપનાર જેક ફ્રેઝર પ મેચમાં માત્ર 46 રન જ કરી શક્યો
છે.
બીજી
તરફ રાજસ્થાનની સમસ્યા પ્રદર્શનમાં નિરંતરતાનો અભાવ છે. યશસ્વી જયસ્વાલે પાછલા મેચમાં
આરસીબી વિરૂધ્ધ અર્ધસદી કરી હતી. કપ્તાન સેમસન હજુ સુધી મેચ વિનિંગ ઇનિંગ રમી શકયો
નથી. રિયાન પરાગ અને ધ્રુવ જુરેલના બેટ ખામોશ છે. સંદીપ શર્માને છોડીને આરઆરનો કોઇ
બોલર રનગતિ પર અંકુશ મુકી શક્યો નથી. દિલ્હી સામે વિજયની રાહ પર પુનરાગમન કરવા માટે
રાજસ્થાન રોયલ્સે સંઘભાવનાથી દેખાવ કરવો પડશે.