• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ભારતનું લક્ષ્ય શ્રેણી કબજે અને કિવિઝનું જીવંત રાખવી : રાજકોટમાં આજે બીજો વન ડે મેચ નિરંજન શાહ સ્ટેડિયમની બેટિંગ ફ્રેન્ડલી પીચ પર હાઇ સ્કોરીંગ મેચની સંભાવના

વિરાટ કોહલી અને રોહિત શર્મા રાજકોટમાં આક્રમક ઇનિંગ રમવા ઉત્સુક

ભારતીય ઇલેવનમાં ઇજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરના સ્થાને નીતિશકુમાર રેડ્ડીને તકની વકી

રાજકોટ, તા.13: રમતપ્રેમી રાજકોટના આંગણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 મેચની શ્રેણીનો બીજો વન ડે મેચ મકર સંક્રાતિ પર્વ પર બુધવારે રમાશે. વડોદરાનો મેચ જીતીને ભારતીય ટીમે 1-0ની સરસાઇ બનાવી લીધી છે. હવે શુભમન ગિલની ટીમની નજર રાજકોટમાં જીત હાંસલ કરી 2-0ની અપરાજિત સરસાઇથી શ્રેણી ગજવે કરવા પર રહેશે. બીજા વન ડેમાં તમામની નજર રોકોની રફતાર પર રહેશે. રોકો એટલે કે રોહિત અને કોહલી હાલ જબરદસ્ત ફોર્મમાં છે. કિંગ કોહલી પાછલા મેચમાં 7 રને સદી ચૂકી ગયો હતો. તેના બેટમાંથી રાજકોટમાં પણ રનનો ધોધ નીકળી શકે છે. રોહિત શર્મા પણ શાનદાર ફોર્મમાં છે. રાજકોટની સપાટ પીચ પર તેના બેટમાંથી વિદ્યુતવેગી ઇનિંગ નીકળવાની પૂરી સંભાવાના છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ ટીમનો વિજયક્રમ વડોદરામાં અટકયો હતો. વડોદરાની હાર પહેલા કિવિઝ ટીમ સળંગ 9 જીત સાથે ભારત પહોંચી હતી. હવે માઇકલ બ્રેસવેલના સુકાનીપદ હેઠળની ન્યુઝીલેન્ડ ટીમ રાજકોટમાં વિજયક્રમ પર વાપસી કરીને શ્રેણી 1-1થી જીવંત રાખવાના લક્ષ્ય સાથે નિરંજન શાહ સ્ટેડિયમમાં ઉતરશે. મેચ બુધવારે બપોરે 1-30થી શરૂ થશે.

ભારતીય ટીમની ચિંતા ખેલાડીઓની ઇજા છે. પહેલા ઋષભ પંત અને પછી વોશિંગ્ટન સુંદર ઇજાને લીધે શ્રેણી બહાર થઇ ચૂક્યા છે. તેમના સ્થાને ધ્રુવ જુરેલ અને આયુષ બદોની ભારતીય ટીમમાં સામેલ થયા છે. આયુષને પહેલીવાર ટીમ ઇન્ડિયાનો કોલ મળ્યો છે. હવે જોવાનું એ છે કે આયુષ બદોનીને ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂનો મોકો મળે છે કે નહીં ? જો કે વોશિંગ્ટન સુંદરના સ્થાને મીડીયમ પેસ ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીનો દાવો વધુ મજબૂત છે.

ભારતીય ટીમને ફરી એકવાર તેના બે સિતારા બેટધર રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે. કપ્તાન શુભમન ગિલ ભારતના દાવનો પ્રારંભ રોહિત સાથે કરશે. કોહલી ત્રીજા અને વાપસી કરનાર શ્રેયસ અય્યર ચોથા નંબર પર બેટિંગ કરશે. આ પછીના ક્રમે રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ હશે. ભારતની બેટિંગ લાઇન અપ કિવિઝના બેટિંગ ઓર્ડરથી ધણી મજબૂત અને અનુભવી છે. આથી રાજકોટની સપાટ પિચ પર ટીમ ઇન્ડિયાનું પલડું ભારે લાગી રહ્યું છે. ભારતની બોલિંગમાં સુધારાની જરૂર છે. ખાસ કરીને સ્પિન વિભાગમાં. રાજકોટના મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને અર્શદીપને તક મળવાની સંભાવના ઓછી છે. કૃષ્ણાએ વડોદરામાં 2 વિકેટ લીધી હતી.

બીજી તરફ કિવિઝ ટીમને તેના મીડલ ઓર્ડર બેટર્સ અને બોલર્સ પાસેથી સારા દેખાવની આશા રહેશે. વડોદરામાં ટીમને સારી શરૂઆત પછી સતત વિકેટો ગુમાવી હતી. જો કે અનુભવી ડેરિલ મિચેલની 88 રનની ઈનિંગથી કિવિઝ ટીમ 300ના પડકારરૂપ સ્કોર સુધી પહોંચી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક