ચેન્નાઇ જીતનો ક્રમ જાળવી રાખવા માગશે, હૈદરાબાદ સામે પુનરાગમનનો પડકાર
હૈદરાબાદ,
તા.17: શનિવારની રાત્રે બે વિરોધાભાસી સ્વભાવની ટીમ આમને-સામને હશે. આથી ફટાફટ ક્રિકેટનો
આ મુકાબલો દિલચશ્પ બની રહે તેવી પૂરી સંભાવના છે. એક તરફ હશે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ.
જેનો સ્વભાવ પહેલા દડાથી જ હલ્લાબોલ કરીને હરીફ ટીમ પર આક્રમક અંદાજમાં તૂટી પડવું.
બીજી તરફ હશે ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ. જેનો સ્વભાવ શાંત છે અને તે હરીફ ટીમ પર ઠંડા
કલેજે ત્રાટકે છે. સીએસકેએ હારની હેટ્રિક પછી ઉપરાઉપરી બે જીત સાથે રફતાર પકડી લીધી
છે જ્યારે સનરાઇઝર્સનો દેખાવ સતત ઉપર-નીચે થઇ રહ્યો છે. તેના માટે સીઝનનો પ્રારંભ રોલરકોસ્ટર
રાઇડ જેવો બની રહ્યો છે. પ મેચમાં 2 જીતથી 4 અંક છે અને પોઇન્ટ ટેબલ પર 4 નંબર પર છે.
બીજી 4 ટીમ આટલા જ અંક સાથે તેનો પીછો કરી રહી છે. જેમાં સીએસકે પણ સામેલ છે.
સીએસકેની
ચિંતા કપ્તાન ઋતુરાજ ગાયકવાડનું ખરાબ બેટિંગ ફોર્મ છે. જો કે પ્રારંભની નિષ્ફળતા સંજૂ
સેમસનની બેટિંગ નિખરી છે. તેને યુવા બેટર આયુષ મ્હાત્રે બખૂબી સાથ આપી રહ્યો છે. સરફરાઝ
ખાને ટૂકડા ટૂકડામાં સારો દેખાવ કર્યો છે. ડેવાલ્ડ બ્રાવિસ માટે હવે મેચ વિનિંગ ઈનિંગ
રમવાનો સમય આવી ગયો છે. શિવમ દૂબે પણ આ જ સ્થિતિમાં છે. ધોની ટીમ સાથે હૈદરાબાદ પહોંચ્યો
છે, પણ તે સનરાઇઝર્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે કે નહીં તે સ્થિતિ સ્પષ્ટ નથી.
સનરાઇઝર્સની
જુગલ જોડી હેડ-અભિષેક હજુ સુધી જમાવટ કરી શક્યા નથી. કલાસેને ટીમ તરફથી સર્વાધિક
224 રન કર્યાં છે અને ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર કોહલી પછી બીજા નંબર પર છે. હૈદરાબાદની
પિચ સપાટ છે. આથી સનરાઇઝર્સના બેટર્સ પાસે આક્રમક ઈનિંગ રમવાના મોકા બની રહેશે. સીએસકે
પણ ઘર બહાર સારો દેખાવ કરી જીત માટે એડી ચોટીનું જોર લગાવશે. તેમની સામે હૈદરાબાદના
બે નવા બોલર પ્રફૂલ્લ હિંગે અને સાકિબ હુસેનનો તોડ કાઢવાનો પડકાર બની રહેશે.