મેચ બપોરે 4-30થી શરૂ થશે
હરારે, તા.22ઃ ઝિમ્બાબ્વે વિરુદ્ધ ગુરુવારથી શરૂ થતી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં
વિજયક્રમ પર વાપસી કરવાનો શ્રેયસ અય્યરની ટીમ પાસે સોનેરી મોકો છે. શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ સળંગ 6 ટી-20 મેચ ગુમાવી ચૂકી છે. ઝિમ્બાબ્વે સામે ભારતનો શ્રેણી વિજય અપેક્ષિત છે, પણ જો હાર મળશે તો કપ્તાન અય્યર સહિતના અનેક ખેલાડીના ભવિષ્ય અદ્ધરતાલ થઇ છે. ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણી
દરમિયાન 1પ વર્ષીય ચમત્કારિક બેટર વૈભવ સૂર્યવંશીના દેખાવ પર નજર રહેશે. જેનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ ઈંગ્લેન્ડમાં ફલોપ રહ્યું હતું.
બીસીસીઆઇએ ઝિમ્બાબ્વે પ્રવાસમાં હેડ કોચ ગૌતમ ગંભીરને વિશ્રામ આપીને વીવીએસ લક્ષ્મણને જવાબદારી સોંપી છે. જેનો સ્વભાવ ગંભીરથી એકદમ અલગ છે. ગંભીરની તુલનામાં લક્ષ્મણ ઇલેવનમાં પ્રયોગના પક્ષમાં નથી. આ શ્રેણીમાં સંજૂ સેમસન સામેલ નથી. આથી ત્રણેય મેચમાં અભિષેક શર્મા સાથે વૈભવ સૂર્યવંશી ઓપનિંગ કરી શકે છે. હરારે સ્પોર્ટસ કલબના મેદાન પર અભિષેકે ડેબ્યૂ કર્યું હતું અને બીજા મેચમાં જ સદી કરી હતી જ્યારે આ જ મેદાન પર ગત ફેબ્રુઆરીમાં અન્ડર-19 વર્લ્ડ
કપમાં વૈભવે આતશી સદી ફટકારી હતી.
આ શ્રેણીમાં ભારતે મયંક યાદવ અને અશોક શર્મા જેવા નવા ઝડપી બોલરને અજમાવ્યા છે. રિંકુ સિંહની પણ વાપસી થઇ છે. ભારત સામે મોટો પડકાર ઓલરાઉન્ડરનો છે. શિવમ દૂબે, સૂર્યાંશ શેડગે અને હર્ષ દૂબે ટીમમાં સામેલ છે. આ ત્રણમાંથી કોઇ બે ખેલાડીને ઇલેવનમાં તક મળી શકે છે. ટી-20 શ્રેણીના
ત્રણેય મેચ ભારતીય સમય અનુસાર બપોરે 4-30થી શરૂ થશે.