નવી
દિલ્હી, તા. 13 : દેશના લોકોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે રેલવેનો કાયાપલટ ચાલી
રહ્યો છે. આ કોશિશના પરિણામે ભારતમાં વંદે ભારત જેવી ફાસ્ટ ટ્રેન ચાલી રહી છે. જે લોકોને
ઓછા સમયમાં વધારે દૂરી કાપવાનો વિકલ્પ આપે છે. રેલવે લોકોની સફરને વધારે સારી બનાવવા
હવે વંદે મેટ્રોની શરૂઆત કરી રહ્યું છે. ભારતની પહેલી વંદે મેટ્રો ગુજરાતના અમદાવાદથી
ભુજ વચ્ચે દોડશે. આ ટ્રેનને પીએમ મોદી 16મી સપ્ટેમ્બરના રોજ લીલીઝંડી બતાવશે.
ભુજ
અને અમદાવાદ વચ્ચે વંદે ભારત મેટ્રો ભુજથી રવિવારે અને અમદાવાદથી શનિવારે ઉપડશે નહી.
જેથી અઠવાડીયામાં છ દિવસ લોકો વંદે મેટ્રોમાં મુસાફરી કરી શકશે. આ ટ્રેનમાં 12 કોચ
હશે અને ટ્રેનની ક્ષમતા 3200થી વધુની છે. જેમાં 1150 પેસેન્જર બેસી શકશે અને 2058 જેટલા
મુસાફર ઉભા રહીને મુસાફરી કરી શકશે. આ માટે સિઝનલ પાસની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
વંદે મેટ્રોનું મિનિમમ ભાડુ 30 રૂપિયા હશે. 25 કિમી અંતર સુધી 30 રૂપિયા તેમજ બાદમાં
દરેક કિમી દીઠ ભાડામાં 1.20 રૂપિયાનો વધારે થશે. ટ્રેનમાં પેસેન્જરને 7 દિવસ, 15 દિવસ
અને 30 દિવસના સિઝનલ પાસની સુવિધા આપવાનમાં આવે તેવી સંભાવના છે.
વંદે
મેટ્રોને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે 200 કિમી પ્રતિકલાકની ઝડપે દોડી શકે.
જો કે તેની ગતિ 100થી 150 કિમી સુધીની રહેશે. વંદે મેટ્રો ભુજથી સવારે 5.05 વાગ્યે
રવાના થઈને અમદાવાદ સવારે 10.50 વાગ્યે પહોંચી જશે. જ્યારે અમદાવાદથી ટ્રેન સાંજે
5.30 વાગ્યે ઉપડશે અને રાત્રે 11.10 વાગ્યે ભુજ પહોંચશે.આ દરમિયાન ટ્રેન નવ સ્ટેશને
ઉભી રહેશે. ટ્રેન પાંચ કલાક અને 45 મિનિટમાં યાત્રા પુરી કરશે.