યુક્રેનનાં
વીજમથકોને નિશાન બનાવીને મિસાઈલ અને ડ્રોનથી ભયાનક હુમલો : 91માંથી 79 મિસાઈલ તોડી
પાડયાનો યુક્રેનનો દાવો: વીજળી ગુલ થતાં 10 લાખ અંધારામાં
નવી
દિલ્હી, તા.28: યુક્રેને અમેરિકાની છૂટ મળ્યા બાદ રશિયા ઉપર આંતર મહાદ્વીપીય મિસાઈલથી
હુમલો કરી દીધા બાદ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભયાનક હદે ઉકળી ઉઠયા છે અને
બન્ને દેશ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી લડાઈ રહેલું યુદ્ધ હવે સૌથી વધુ ભયાનક બની ગયું
છે. રશિયાની સેનાએ હવે મિસાઈલ અને ડ્રોનથી યુક્રેનનાં વીજમથકોને નિશાન બનાવતો ભીષણ
હુમલો બોલાવી દીધો છે અને પુતિનનો ઈરાદો શિયાળા પહેલા યુક્રેનની ઊર્જા ઉત્પાદન ક્ષમતા
ખોરવી નાખવાનો છે. રશિયાનાં આ હુમલા પછી ઉત્તર-પશ્ચિમી રીવન ક્ષેત્રમાં આશરે પોણા ત્રણ
લાખ જેટલા ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. આશરે
10 લાખ જેટલા લોકો યુક્રેનમાં હાલ વીજવિહોણા બની ગયા છે.
રશિયાની
સેનાએ આખેઆખા યુક્રેનમાં લગભગ મોટાભાગનાં ઊર્જા મથકોને નિશાને લઈ લીધા છે. યુક્રેનનાં
ઊર્જા મંત્રી હર્મન હાલુશ્ચેંકોએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ હુમલાની જાણકારી
આપતા કહ્યું હતું કે, દેશભરમાં ઊર્જા કટોકટીનાં ભાગરૂપે વીજકાપ લાદી દેવામાં આવ્યો
છે. રશિયાનાં આ ભીષણ હુમલાનાં ધડાકાએ કીવ, ખારકીવ, રીવન, ખ્મેનીસ્કી, લત્સ્ક સહિતનાં
સંખ્યાબંધ શહેરોને કંપાવી નાખ્યા હતાં. રશિયાનાં આ પ્રચંડ હુમલામાં યુક્રેનની હવાઈ
રક્ષણ સિસ્ટમથી 91માંથી 79 મિસાઈલને તોડી પાડવામાં આવી હોવાનું કહેવાય છે. આજી રીતે
3પ ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યા હોવાનું યુક્રેનની સેનાએ જણાવ્યું હતું.
યુક્રેનનાં
રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કીએ કહ્યું હતું કે, રશિયાએ ક્લસ્ટર શત્રો વાપરીને ઊર્જા
મથકોને નિશાન બનાવ્યા છે અને આ તીવ્રતા વધારનારા હુમલાની નિંદા કરવામાં આવે છે. બીજીબાજુ
પુતિને હુંકાર કર્યો હતો કે, રશિયાની સેના હજી પણ કીવમાં નિર્ણયીકરણનાં કેન્દ્રોને
પણ નિશાન બનાવી શકે છે.
-------
યુક્રેનને
725 મિલિયન ડોલરના હથિયાર દેવાની તૈયારીમાં બાઈડન
વોશિંગ્ટન,
તા. 28 : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું પ્રશાસન યુક્રેન માટે 725 મિલિયન ડોલરનું
હથિયારનું પેકેજ તૈયારી કરી રહ્યું છે. આ અંગે બે અમેરિકી અધિકારીઓઁ જાણકારી આપતા કહ્યું
હતું કે પેકેજ મારફતે બાઈડન જાન્યુઆરીમાં પદ છોડતા પહેલા કીવમાં સરકારને મજબૂત કરવા
માગે છે. યોજનાથી પરિચિત એક અધિકારીના કહેવા પ્રમાણે બાઈડન પ્રશાસન રશિયાના સૈનિકોને
રોકવા માટે અમેરિકી સ્ટોકથી અલગ અલગ પ્રકારના એન્ટી ટેંક હથિયાર પ્રદાન કરવાની યોજના
બનાવી રહ્યા છે. જેમાં લેન્ડ માઈન્સ, ડ્રોન, સ્ટિંગર મિસાઈલ વગેરે સામેલ છે. પેકેજમાં
ક્લસ્ટર યુદ્ધ સામગ્રી પણ સામેલ હોવાની સંભાવના છે. જે સામાન્ય રીતે એચઆઈએમએઆરએસ લોન્ચર
દ્વારા છોડવામાં આવેલી ગાઈડેડ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમમાં જોવા મળે છે. અધિકારીના
કહેવા પ્રમાણે હથિયાર પેકેજ મુદ્દે ઔપચારિક જાહેરાત સોમવારે થઈ શકે છે. તેમજ બાઈડનના
હસ્તાક્ષર પહેલા તેમાં ફેરબદલ કરવામાં આવે તેવી શક્યતા છે.