• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

ટેરિફ બ્રેક પછી ટ્રમ્પની ટીપ : શેર ખરીદવાનો સારો સમય !

ટેરિફની ઘોષણા પછીનાં ઘટનાક્રમોએ સર્જ્યા અનેક સવાલ અને તર્કવિતર્ક : ભયાનક ધ્વસ્ત થયેલા

દુનિયાનાં બજારો ફરીથી રોકેટ

નવી દિલ્હી, તા.10: ચીન ઉપર 12પ ટકા ટેરિફનો બોમ્બ ઝીંકીને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશો ઉપર લાદેલો ઉંચો ટેરિફ 90 દિવસ માટે સ્થગિત કરવાની નાટકીય ઘોષણા કરીને દુનિયાનાં ખાસ કરીને અમેરિકા સહિત સમગ્ર વિશ્વનાં શેર બજારોને ગેલમાં લાવી દીધા છે. ટ્રમ્પની ટેરિફની ઘોષણા સાથે જે વિધ્વંસક તાકાતથી દુનિયાનાં શેર બજારો ધરાશાયી થયા હતાં એવા જ બમણાં જોરથી આજે દુનિયાનાં શેર બજારો ઉંચકાઈ ગયા છે. આ બધા વચ્ચે ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ લખીને રોકાણકારોને શેર બજારમાં ખરીદી કરવા માટે આ ઉત્તમ સમય હોવાની હાકલ પણ કરી હતી.

ટૂંકમાં ટ્રમ્પે આજે ખુલ્લેઆમ લોકોને શેરબજારમાં તેજી રહેવાનું આશ્વાસન આપીને એક પ્રકારે ખરીદીની ટીપ આપી છે. જો કે, ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ સામે અનેક સવાલો પણ ઉઠયા છે. ટ્રમ્પે દુનિયાનાં મોટાભાગનાં દેશો ઉપર ટેરિફની ઘોષણા કરી ત્યારબાદ તૂટી રહેલા બજારો વચ્ચે             એવા અહેવાલો આવ્યા હતાં કે, સંભવત: ટ્રમ્પ પ્રશાસન આ નવા ટેરિફ ઉપર થોડા દિવસો માટે બ્રેક મારી શકે છે. એ વખતે ટ્રમ્પ પ્રશાસન તરફથી આ અહેવાલને અફવા ગણાવતો રદિયો આપી દેવામાં આવ્યો હતો. જેનાં પગલે તૂટતા બજાર વધુ ધ્વસ્ત થઈ ગયા હતાં. વાસ્તવમાં એ વખતે પણ તે અહેવાલ અફવા નહોતા તે હવે 90 દિવસ માટે ટેરિફને બ્રેક મારવાની ટ્રમ્પની જાહેરાતથી સ્પષ્ટ થઈ ગયું છે.

આમ, શંકા એવી પણ ઉપજી રહી છે કે, ઈરાદાપૂર્વક આખી દુનિયાનાં બજારોને તોડી નાખ્યા બાદ હવે ફરીથી તેને રોકેટ બનાવી દેવાયા છે. જો આ ઘટનાક્રમથી કોઈ વાકેફ હોય અને તેણે તૂટતા બજારોમાં ખરીદી કરી લીધી હોય તો હવે સડસડાટ રોકેટ બનતા બજારમાં ગણતરીનાં દિવસોમાં જ અકલ્પ્ય નફો રળી લીધો હોઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે આક્રમક ઢબે ટેરિફ લાદવામાં આવ્યા અને પછી વારંવાર ટેરિફમાં પાછી પાની નહીં કરવાની દૃઢતા દેખાડીને જે નાટકીય રીતે તેનાં ઉપર રોક મૂકી દીધી તેની સામે અનેક સવાલો અને શંકા પેદા થવા સ્વાભાવિક છે. ટ્રમ્પે હવે જ્યારે રોકાણકારોને શેર ખરીદવાની સલાહ આપતી જાહેર ટીપ આપી છે ત્યારે તેમની સામે પણ સવાલો ઉઠવા સહજ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક