અમેરિકા
સાથે વેપારયુદ્ધ વચ્ચે ચીનની પાંચ ટકા છૂટની ઓફર
નવી
દિલ્હી, તા. 10 : ટેરિફનાં કારણે અમેરિકા અને ચીનનાં વધતાં વેપારયુદ્ધ વચ્ચે ચીનના
ઈલેક્ટ્રોનિક ઉત્પાદકો ભારતીય કંપનીઓને પાંચ ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપી રહ્યા છે. આ
ચીની દરખાસ્તનાં પગલે ભારતમાં સ્માર્ટ ફોન, ટીવી, ફ્રીઝ જેવાં સાધનો સસ્તાં થઈ શકે
છે. ભારતીય ઉત્પાદકો માંગને વધારવા ચીનના ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને આપશે. વેપારયુદ્ધનાં
પગલે ચીનથી જતો સામાન અમેરિકામાં મોંઘો થઈ જશે, જેનાં કારણે ત્યાંની બજારમાં માંગમાં
ઘટાડો આવશે. આ માંગમાં ઘટાડાનાં કારણે ચીનની ઉત્પાદક કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે,
ત્યારે ભારતની બજારને આકર્ષવા ડ્રેગન મથામણ કરી રહ્યું છે.
ચીન
પર 125 ટકા ટેરિફનો અર્થ એ થયો કે, ચીનમાં
નિર્મિત 100 ડોલરની વસ્તુ અમેરિકામાં 225 ડોલરની થઈ જશે. આવી સ્થિતિ સર્જાતાં અમેરિકાની
બજારમાં ચીનની સામાગ્રીઓની માંગ ઘટશે, જેથી સ્વાભાવિક રીતે વેચાણ ઘટી જશે. આ વેપારયુદ્ધ
ખતમ કરવાનો માર્ગ હાલ તો સરળ દેખાતો નથી. એ જ કારણ છે કે, ચીન ડિસ્કાઉન્ટના તરાપે તરી ભારતીય બજારમાં માંગ
ઊભી કરવા માગે છે.