- સામ પિત્રોડા અને સુમન દુબે સહિતનાં નેતાઓને પણ આરોપી તરીકે દર્શાવાયા: દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કરતો કોંગ્રેસ
નવી
દિલ્હી, તા.1પ: નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડ્રિંગનાં કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે
આજે કોંગ્રેસનાં શીર્ષ નેતા સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી
સહિત અનેક અન્ય નેતાઓ સામે આરોપનામું દાખલ કરી દીધું છે. આ ચાર્જશીટમાં વરિષ્ઠ કોંગ્રેસ
નેતા સામ પિત્રોડા અને સુમન દુબેને પણ આરોપી દર્શાવાયા છે. આ ચાર્જશીટ પછી કોંગ્રેસે
કાર્યવાહીના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યુ છે.
આ ચાર્જશીટ
9 એપ્રિલે વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને વિશેષ ન્યાયધીશ વિશાલ ગોગને તેને
સંજ્ઞાનનાં બિંદુઓ ઉપર પારખી હતી. અદાલતે આની આગામી સુનાવણી માટે 2પમી એપ્રિલની તારીખ
નક્કી કરી છે. જજે પોતાનાં આદેશમાં કહ્યું છે કે, પ્રસ્તુત ફરિયાદને સંજ્ઞાનનાં પરિબળો
ઉપર વિચારણા માટે 2પમી એપ્રિલે લેવાશે. તે દિવસે વિશેષ વકીલ અને તપાસ અધિકારીએ કેસની
ડાયરી પણ કોર્ટમાં રજૂ કરવી પડશે. જેથી તેની ચકાસણી પણ કોર્ટ કરી શકે.
આ કેસમાં
આરોપ છે કે, યંગ ઈન્ડિયન પ્રા.લિ. મારફત ગાંધી પરિવારે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(એજેએલ)ની
કરોડો રૂપિયાની મિલકતોને છેતરપિંડીથી પચાવી પાડી હતી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી યંગ
ઈન્ડિયનમાં 38-38 ટકાની હિસ્સેદારી ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, એજેએલ એટલે નેશનલ હેરાલ્ડ
પ્રસિદ્ધ કરતી કંપની છે.
ઈડીએ
તાજેતરમાં જ આ કેસ અંતર્ગત 661 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી
છે. દિલ્હી, મુંબઈ અને લખનઉમાં સ્થિત આ પ્રોપર્ટીને કબજામાં લેવા માટે સંબંધિત રજીસ્ટ્રારને
નોટિસો પણ જારી થઈ ચૂકી છે. ખાસ કરીને દિલ્હીનાં બહાદુર શાહ ઝફર માર્ગ સ્થિત હેરાલ્ડ
હાઉસ માટે કાર્યવાહી તેજ બની છે. મુંબઈનાં બાંદ્રા ઈસ્ટમાં સ્થિત હેરાલ્ડ હાઉસનાં સાતમા
અને નવમા માળે જે કાર્યાલયને જિંદલ સાઉટ વેસ્ટ પ્રોજેક્ટ લિ. ભાડે ચલાવે છે તેને પણ
નોટિસ પાઠવીને ભાડું હવેથી ઈડીને આપવા કહી દેવાયું છે.
આ કેસનાં
મૂળ 2014માં એ ખાનગી કેસ સાથે જોડાયેલા છે જેને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પટિયાલા
હાઉસ કોર્ટમાં દાખલ કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે, ગાંધી પરિવાર અને તેનાં કરીબીઓએ
માત્ર 50 લાખ રૂપિયા આપીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની કંપની એજેએલ ઉપર કબજો
કરી લીધો છે. ઈડીએ નવેમ્બર 2023માં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત અને 90.2 કરોડ રૂપિયાનાં
શેર અસ્થાયી રૂપે ટાંચમાં લેવાયા હતાં.