નિયુક્તિની પ્રક્રિયા મૂળથી જ અલગ, કાયદામાં બન્ને શ્રેણી સમાન નહીં
નવી
દિલ્હી, તા.13: કરાર આધારિત કર્મચારીઓ માટે અત્યંત મહત્ત્વનો ફેંસલો આજે સુપ્રીમ કોર્ટ
તરફથી આપવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈપણ એજન્સીનાં
માધ્યમથી કરાર આધારિત નોકરી મેળવનાર કર્મચારી સરકારી મહેકમ કે એકમોનાં નિયમિત કર્મચારીઓ
સમાન હકનો દાવો કરી શકે નહીં.
જસ્ટિસ
અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને વિપુલ પંચોલીની પીઠે પોતાનાં આ ચુકાદામાં કહ્યું હતું કે,
નિયમિત નિયુક્તિઓ પારદર્શક પ્રક્રિયાથી થાય છે અને તેમાં તમામ પાત્ર ઉમેદવારોને સમાન
તક મળે છે. જ્યારે કોઈ એજન્સી મારફત નોકરી આપવાનું તેની મરજી અને વિવેકને આધીન છોડી
દેવામાં આવે છે. તેથી કાયદા હેઠળ બન્ને શ્રેણી સદંતર અલગ બની જાય છે.
આ સાથે
જ શીર્ષ કોર્ટે 2018માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલો એક ચુકાદો રદ કરી
નાખવામાં આવ્યો હતો. હાઈકોર્ટે કોઈ ત્રાહિત પક્ષકાર(ઠેકેદાર) દ્વારા નગર નિગમ માટે
1994માં કરાર ઉપર નિયુક્ત કરેલા કર્મચારીઓને નિયમિત સરકારી કર્મચારી સમાન વેતન અને
ભથ્થા આપવા સંબંધિત વિવાદમાં ચુકાદો કર્મચારીઓની તરફેણમાં આપ્યો હતો. જેને રદ કરતાં
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો નિયમિત અને કરાર આધારિત કર્મચારી વચ્ચે કોઈ
ફર્ક નહીં હોય તો નિમણૂકની અલગ-અલગ પદ્ધતિનાં મૂળભૂત આધાર જ તેની પવિત્રતા ગુમાવી દેશે.
સર્વોચ્ચ અદાલતે આગળ કહ્યું હતું કે, કાયદો આવી કોઈ અનુમતી આપી ન શકે કારણ કે કોઈપણ
રાજ્યની ઓથોરિટી હેઠળ નોકરી એક સાર્વજનિક સંપત્તિ છે અને દેશનાં પ્રત્યેક નાગરિકને
તેનાં માટે આવેદન કરવાનો અધિકાર છે. નિયમિત નિયુક્તિમાં સુરક્ષાનાં ઉપાયો પણ એટલા માટે
જ કરવામાં આવેલા હોય છે જેથી કોઈ પક્ષપાત અવકાશ ન રહે. યોગ્યતાનાં આધારે કાયદા આધારિત
પારદર્શક પ્રક્રિયાથી જ ભર્તી કરવામાં આવે છે.