રાજકોટ, તા.13 (ફૂલછાબ ન્યૂઝ) : સૌરાષ્ટ્ર પ્રદેશને દેશના સૌથી મોટા મલ્ટી સેક્ટર મેન્ચુફેક્ચારિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવવાની જાહેરાત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રજૂ થયેલા સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાનમાં થઇ હતી. આ પ્લાન હેઠળ સૌરાષ્ટ્રને સાત મોટાં પ્રોજેક્ટ મળી શકશે.
સૌરાષ્ટ્રને
દેશના સૌથી મોટા બહુ-ક્ષેત્રીય નિકાસ ઉત્પાદન હબમાંથી એક બનાવવામાં આવશે. એ ઉપરાંત
સૌરાષ્ટ્ર ડિફેન્સ ઇનોવેશન અને મેન્યુફેક્ચારિંગ ક્લસ્ટર,રાજકોટ ખાતે મેગા ફૂડ પાર્ક
અને એગ્રો ક્લસ્ટર, પ્રાદેશિક એરોસિટી અને એમ.આઈ.સી.ઈ. સેન્ટર, ભારતનો સૌથી મોટો ઈકો
ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઉત્તર ગુજરાતમાં ઓ.ઈ.એમ. માટેનો સૌથી મોટો અૉટો પાર્ટ્સ હબ અને
એન્જિનિયારિંગ તથા ટેકનોલોજી ક્ષેત્રો માટેનો નોલેજ ક્લસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો
છે.
પોર્ટ્સ
અને ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારે પ્રેઝેન્ટેશનમાં જણાવ્યું હતું કે,
સૌરાષ્ટ્રનો જીડીપી નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 3.8 લાખ કરોડ હતો અને વર્ષ 2046-47
સુધીમાં તેમાં 15 ગણો વધારો કરીને રૂ. 57.6 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. જેમાં
મેન્યુફેક્ચારિંગ ક્ષેત્ર મુખ્ય રહેશે. નોન-મેટાલિક મિનરલ્સ (સિરામિક્સ), ફૂડ પ્રોસાસિંગ,
એન્જિનિયારિંગ ગુડ્સ તથા પર્યટન જેવા ક્ષેત્રો પર ભાર મૂકાશે.
ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી ઈફ્રાસ્ટ્રક્ચર,
સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ, ઊર્જા વગેરે ક્ષેત્રો સંબંધિત
70થી વધુ ઈફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આયોજનના તબક્કે છે. આ તમામ માટે 2047 સુધી અંદાજે
રૂ. 11 લાખ કરોડ જેટલા મૂડીરોકાણની જરૂર પડશે. તેમાંથી આશરે 20 ટકા જરૂરિયાત ગુજરાત
સરકારના ભંડોળ દ્વારા પૂર્ણ થવાની ધારણા છે, જ્યારે બાકીના 80 ટકા રોકાણ ખાનગી ક્ષેત્ર
(PPP), મલ્ટી લેટરલ
સહાય, કેન્દ્ર સરકારના અનુદાન વગેરે જેવા અન્ય ભંડોળ સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર
મજબૂત ઔદ્યોગિક પાયો ધરાવે છે. અહીં પ્રસ્તાવિત મલ્ટી સેક્ટર મેન્યુફેક્ચારિંગ અને
એક્સપોર્ટ ઝોન ભારતનો સૌથી મોટો ઝોન હશે. જેમાં પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથેના ઔદ્યોગિક
પાર્ક, વેરહાઉસ, ટેસ્ટિંગ સેન્ટર અને ગ્રીન એનર્જી ઝોન જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત,
આધુનિક ઉત્પાદન ક્ષેત્રને ટેકો આપવા માટે સ્કિલ ડેવલપમેન્ટ હબ અને રિસર્ચ સેન્ટર પણ
બનાવવામાં આવશે.