કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ કરશે મતદાન
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.25
: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ બરાબર જામ્યો છે. રાજ્યની મહાનગરપાલિકાઓ,
નગરપાલિકાઓ અને પંચાયતો માટે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે દેશના વડાપ્રધાન
નરેન્દ્ર મોદી હોમ સ્ટેટ ગુજરાતમાં મતદાન કરવા આ વર્ષે આવી રહ્યા નથી.
સૂત્રોના
જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના વ્યસ્ત કાર્યક્રમો અને સત્તાવાર મુલાકાતોને કારણે તેઓ
પોતાના મતવિસ્તારમાં આવી શકશે નહીં. વડાપ્રધાન
મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે પોતાનો મત આપતા હોય છે જેને
લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવે છે પણ વડાપ્રધાન તેમના વ્યસ્ત શિડ્યુલના કારણે
મતદાન કરવા નથી પહોંચવાના. જો કે આ પહેલા 2021માં પણ કોરોનાના સમયગાળા દરમિયાન નરેન્દ્ર
મોદી મતદાન કરવા પહોંચ્યા ન હતા.
દરમિયાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતદાન અને મુલાકાત અંગેનો કાર્યક્રમ પણ નક્કી થઈ ગયો
છે. અમિત શાહ 26 એપ્રિલ, રવિવારના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. અમિત શાહ
અમદાવાદ એરપોર્ટથી સીધા જ પોતાના મતદાન મથકે જવા રવાના થશે. તેઓ સવારે 11 વાગ્યે નારણપુરા
વિસ્તારમાં મતદાન મથકે મત આપી લોકશાહીની ફરજ બજાવશે.
મળતી
માહિતી મુજબ, અમિત શાહ દર વખતની જેમ આ વખતે પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચશે
તેઓ નારણપુરાની સબ રજિસ્ટ્રાર ઓફિસ પાસે આવેલા મતદાન મથક પર વોટ આપશે. ગૃહમંત્રીના
આગમનને પગલે નારણપુરા વિસ્તારમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. મતદારોને કોઈ તકલીફ ન પડે અને સુરક્ષા વ્યવસ્થા
જળવાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.
રાજ્યના
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારે 10:00 વાગ્યે શીલજ પ્રાથમિક શાળાના રૂમ નં-2 ખાતે
મતદાન કરશે. જ્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સવારે 8:00 વાગ્યે ઠક્કરબાપાનગર
વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલમાં મતદાન માટે પહોંચશે. નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી સુરત ખાતે ઈચ્છાનાથ વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ સ્કૂલમાં સવારે 8:00 વાગ્યે
મતાધિકારનો ઉપયોગ કરશે.