• બુધવાર, 13 મે, 2026

સુરત : માંડવીના કાંકરાપાર ડેમમાં 4 યુવકના ડૂબી જવાથી મૃત્યુ ડેમમાં ડૂબેલા ભાઈને બચાવવા અન્ય ત્રણ પણ પાણીમાં ગરકાવ થયા

(ફૂલછાબ ન્યુઝ)

સુરત, તા. 12 : સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાંકરાપાર ડેમના કિનારે પશુઓને પાણી પીવડાવવા ગયેલો 22 વર્ષીય યુવક પાણીમાં ડૂબી જતાં તેને બચાવવા માટે યુવકનો સગો ભાઈ અને બીજા બે પિતરાઈ ભાઈ પણ પાણીમાં કૂદી પડયા હતા પરંતુ એકબીજાને બચાવવાની મથામણમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ચારેય ભાઈઓનાં મૃત્યુ નીપજતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે વાંકલા ગામમાં એક જ પરિવારના ચાર પિતરાઈ ભાઈનાં મૃત્યુને પગલે શોકની લાગણી ફરી વળી છે.

બનાવની વિગત એવી છે કે માંડવીનાં વાંકલા ગામના સરકણી ફળિયામાં રહેતા કૌશિકભાઇ જીતેન્દ્રભાઇ ચૌધરી(ઉં.22) ગત રોજ સવારે વાંકલા ગામની સીમમાં આવેલા કાકરાપાર ડેમ તરફ તેના ઢોર ચરાવવા માટે ગયો હતો. તે વેળાએ કાકરાપાર ડેમની પશ્ચિમ તરફે, ડેમની નીચેના ભાગે આવેલા તાપી નદીનાં ઊંડા પાણીમાં કૌશિક અચાનક ડૂબી જતાં આજરોજ વહેલી તેને શોધવા માટે તેનો ભાઇ સાહિલભાઇ જીતેન્દ્રભાઇ ચૌધરી (ઉં.23), પ્રવીણભાઇ બાલુભાઇ ચૌધરી(ઉં.31) અને ગણેશભાઈ નાનસિંગભાઇ ચૌધરી(ઉં.45) પણ કાકરાપાર ડેમની પશ્ચિમ તરફે ડેમની પાછળના ભાગે આવેલા તાપી નદીના ઊંડા પાણીમાં ઉતર્યા હતા પરંતુ એકબીજાને બચાવવાની મથામણમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેઓ પણ આ ઊંડા પાણીમાં ડૂબી જતાં ચારેય ભાઈઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં. 

ઘટનાની જાણ થતા જ માંડવી પોલીસ મથકના પીઆઈ જયેશ વળવી અને માંડવી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ગત સાંજે અંધારું અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી હતી પરંતુ આજે વહેલી સવારથી ફરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાના અને ફાયરના તરવૈયાઓની કલાકોની જહેમત બાદ ચારેય યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક