આરોપી
સામે કડક કાર્યવાહીની માગ : રોજ શાળાએ જતી દીકરીઓને હેરાન કરતો હોવાનો ગામલોકોનો આક્ષેપ
હળવદ,
તા.25 : હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામે ગઈકાલે સર્જાયેલી ગોઝારી ઘટનાથી સમગ્ર પંથકમાં
શોકનો માહોલ છે. ત્રિપલ સવારી કરીને બેફામ દોડાવતી બુલેટ ગેંગની અડફેટે આવી જતાં
11 વર્ષીય વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ આજે ગામની
મહિલાઓએ રોષે ભરાઈને મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરીને આરોપી સામે કડક કાર્યવાહીની ઉગ્ર
માગ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે શાળાએથી
ઘરે પરત ફરતી 4 વિદ્યાર્થિનીઓને રોમિયો ગેંગના બુલેટ ચાલકે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં
છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 11 વર્ષીય રોશનીબેન મનિષભાઈ ઠાકોરનું સ્થળ પર જ મૃત્યુ થયું
હતું જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થિની 12 વર્ષીય અંકિતાબેન દિનેશભાઈ ઠાકોર, 11 વર્ષીય
રીનાબેન મહેશભાઈ ઠાકોર અને 12 વર્ષીય જાનવીબેન સુરેશભાઈ ઠાકોરને ગંભીર ઈજાઓ થતાં તેઓને
સારવાર માટે હળવદ અને જેતપરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નિર્દોષ દીકરીનાં મૃત્યુથી આક્રોશિત બનેલી જૂના
દેવળિયાની મહિલાઓએ આજે દેવળિયાથી ચરાડવા જતા મુખ્ય માર્ગ પર બેસીને ચક્કાજામ કર્યો
હતો. મહિલાઓની સ્પષ્ટ માગ છે કે આરોપી સામે દાખલારૂપ અને કડકમાં કડક કાનૂની કાર્યવાહી
કરવામાં આવે