• શુક્રવાર, 26 જૂન, 2026

ભાવનગરમાં ડી.જે. સ્પીકર મુકવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી

ભાવનગર, તા.25: ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં  જાહેર રોડ પર ડી.જે. સ્પીકર મૂકવા જેવી નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી ગયા બાદ મારામારી કરી હુલ્લડ મચાવતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આંબાચોક ખાતે આવેલી ઓઝરિયા મસ્જિદ બહાર જાહેર રોડ પર ડી.જે. સ્પીકર વગાડવા માટે બપોરના અરસામાં સ્પીકરની પેટીઓ સ્ટેન્ડ ઉપર ફિટ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોનિલ વિરાણી નામના શખસે રોડ ઉપર આવેલી એક સોડાની દુકાન સામે સ્પીકરોની પેટીઓ ગોઠવી હતી. દુકાનદાર રફીક ફતાણીએ રોડ સાંકડો હોવાથી વાહનોને અડચણરૂપ ન થાય તે માટે સ્પીકરની પેટીઓ અંદર અથવા અન્ય જગ્યાએ રાખવા જણાવ્યું હતું. જો કે, મોનિલે સ્પીકરની પેટીઓ હટાવવાની ના પાડી દેતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થયો હતો.બપોરનો આ વિવાદ રાત્રે વધુ વણસ્યો હતો અને બંને પક્ષના લોકો લાકડી વડે સામસામે આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે જાહેર રોડ પર જ લોહીયાળ જંગ ખેલાયો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત મોનિલ વિરાણી અને રફીક ફતાણીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગંગાજાળિયા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પીએસઆઈ જી.આર. ધાંધલ પોતે ફરિયાદી બની બંને પક્ષના સાતેય શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક