ફાયારિંગની
ઘટનામાં સામેલ 13 શખસની અટકાયત
ખંભાળીયા,તા.15: કલ્યાણપુરના નાવદ્રા ગામે જમીન વિવાદને લઈને ફાયારિંગ
કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં બે ગોળી ધરબી
દેવાતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નાવદ્રા
ગામના લખમણ કરમૂર નામના વ્યક્તિ પર જમીન વિવાદને લઈને ફાયારિંગ કરાતા તેમના પગમાં
2 ગોળી વાગી હતી. ફાયરીંગમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા લખમણભાઇને લોહીલુહાણ હાલતમાં
તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર લોહીયાળ ઘટનાનો
અને ઇજાગ્રસ્ત યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં લાંબા ગામના દેવસી ચેતરીયા નામના શખસ
દ્વારા ફાયારિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને
ધ્યાને લઈને કલ્યાણપુર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને આ ફાયારિંગની ઘટનામાં
સામેલ 13 જેટલા લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ ફાયારિંગથી સ્થાનિકોમાં
ભયનો માહોલ ફેલાયો છે. બીજી તરફ પોલીસ હાલ આ ગુનામાં સંડોવાયેલા તમામ શખસો સામે કડક
કાર્યવાહી કરવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.