• ગુરુવાર, 23 જુલાઈ, 2026

રાહુલ ગાંધીના વિરોધ પ્રદર્શન સામે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે ભાજપના ધરણા

બંને પક્ષના સૂત્રોચ્ચારથી રાજકીય માહોલ ગરમાયો

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.22 : નીટ પેપર લીક મુદ્દે દિલ્હીમાં થયેલા રાજકીય વિરોધના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. ભાજપે અમદાવાદના કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ધરણાંમાં જોડાયા હતા.

ભાજપના કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જવાબમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ કાર્યાલય બહાર એકત્ર થયા હતા અને ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતા થોડીવાર માટે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ પ્રશાસને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

ઝોન-7 સહિત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને મોટી સંખ્યામાં જવાનોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય તરફ જતા માર્ગો પર બેરિકેડ લગાવી અવરજવર નિયંત્રિત કરવામાં આવી હતી. પોલીસે ડ્રોન કેમેરાથી પણ સમગ્ર વિસ્તાર પર નજર રાખી હતી. દરમિયાન, રાજકીય ઘર્ષણને ધ્યાનમાં રાખીને ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. અહીં આશરે 400 પોલીસ જવાનો તૈનાત કરાયા છે અને 14 પોલીસ સ્ટેશનના સ્ટાફને બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક