મહેશભાઈની
દારૂની ટેવ અને પ્રેમસંબંધથી પરિવાર નારાજ ; જમીન પ્રેમિકાને આપી દેશે તેવી આશંકાએ
હત્યાનો આરોપ, છ પરિવારજનો ઝડપાયા
વઢવાણ,
તા.7 : ચુડા તાલુકાનાં કોરડા ગામે મહેશભાઈ ઉર્ફે ડફલી લાખાભાઈ રોજાસરાના ગળાફાંસાના
શંકાસ્પદ બનાવનો ચુડા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી હત્યાનો ચોંકાવનારો
ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમાં મહેશભાઈની હત્યા કર્યા બાદ ઘટનાને આત્મહત્યા તરીકે
દર્શાવવા માટે દોરડું બાંધી નાટક રચાયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે મૃતકના
પરિવારના છ સભ્યની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે.
પોલીસની
પ્રાથમિક તપાસ મુજબ મહેશભાઈને દારૂ પીવાની ટેવ હતી અને નશાની હાલતમાં તેઓ પરિવારજનો
સાથે ઝઘડો કરી ગાળો આપતા હોવાની માહિતી મળી હતી. ઉપરાંત રાજકોટ ખાતે રહેતી અન્ય જ્ઞાતિની
મહિલા સાથે તેમના પ્રેમસંબંધથી પરિવારજનો નારાજ હતા. મહેશભાઈ પોતાના ભાગની ખેતીની જમીન
પ્રેમિકાને આપી દેશે તેવી પરિવારને આશંકા હતી, જેના કારણે વિવાદ વધુ ગંભીર બન્યો હોવાનું
પોલીસનું કહેવું છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ ભેગા મળી મહેશભાઈને
ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેમને રૂમમાં લઈ જઈ ગળું દબાવી હત્યા કરી હતી.
હત્યા બાદ ગળે દોરડું બાંધી રૂમની છતના નકુચા સાથે લટકાવી આત્મહત્યાનું દૃશ્ય ઊભું
કરાયું હતું. પરિવારજનોએ આસપાસના લોકોને મહેશભાઈએ ગળાફાંસો ખાધો હોવાનું જણાવ્યું હતું.
લાશને તે જ દિવસે અગ્નિ સંસ્કાર કરી પોલીસને જાણ ન કરાઈ હોવાનો પણ ખુલાસો થયો છે. ચોક્કસ
બાતમીના આધારે એલસીબી અને ચુડા પોલીસે પરિવારના શંકાસ્પદ સભ્યોની પૂછપરછ કરી હતી. પોલીસે
સુરેશભાઈ રોજાસરા, ઘનશ્યામભાઈ રોજાસરા, નિલેશભાઈ રોજાસરા, મધુબેન રોજાસરા, સુરતીબેન
રોજાસરા અને હેતલબેન રોજાસરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.