કોંગ્રેસની કાર્યસમિતિની અને સંઘની સમન્વય સમિતિની બેઠકમાં મહિલા અનામત માટે ઉઠેલી માગ
નવી દિલ્હી, તા.17: સંસદનાં વિશેષ સત્ર પહેલા જ મહિલા આરક્ષણની માગણીએ ફરી એકવાર જોર પકડી લીધું છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસની માગણી તો વિશેષ સત્રનાં પાંચ દિવસમાં જ આનાં માટેનો ખરડો પસાર કરાવી લેવાની છે. આનાં માટે હૈદરાબાદમાં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો છે. સત્તાધારી એનડીએ કે પછી વિપક્ષનાં ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ નથી તેવો પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ(બીઆરએસ) પણ મહિલા અને ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવવા તૈયાર છે. તો રાજદ સહિતનાં ઈન્ડિયા મોરચાનાં ઘટક પક્ષોએ પણ મહિલા અનામતની તરફદારી કરી છે. દરમિયાન ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) દ્વારા પણ આજે જ મહિલા અનામત માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સંઘે પણ શનિવારે જ એક પ્રસ્તાવમાં તમામ ક્ષેત્રોમાં મહિલા અનામત માટેનાં પ્રયાસો તેજ બનાવવાની વાત કરી હતી.
કોંગ્રેસ તરફથી આના માટે સતત માગણી ઉઠાવાઈ રહી છે. આ વિધેયક રાજ્યસભામાં તો અગાઉ પસાર પણ થઈ ચૂકેલું છે. કોંગ્રેસ કાર્યસમિતિ તરફથી આજે માગણી કરવામાં આવી હતી કે, સંસદનાં વિશેષ સત્ર દરમિયાન જ મહિલા આરક્ષણ વિધેયકને પસાર કરાવી લેવું જોઈએ. તો આરએસએસની સમન્વય સમિતિની બેઠકમાં પણ મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવી હતી. આ બેઠકનાં સમાપન બાદ સંઘનાં મનમોહન વૈદ્યે કહ્યું હતું કે, મહિલાઓને નેતૃત્વની ભૂમિકામાં હોવું જોઈએ. તમામ ક્ષેત્રોમાં મહિલાઓની સહભાગીતા વધારવા માટે સંઘપ્રેરિત સંગઠનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં સંઘનાં વડા મોહન ભાગવતથી માંડીને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ હાજર હતાં. મહામહિમ દ્રૌપદી મુર્મૂએ પણ હાલમાં જ ગુજરાત વિધાનસભાને સંબોધન દરમિયાન વિધાનગૃહોમાં મહિલાઓની હિસ્સેદારી વધારવા માટે આહ્વાન કરેલું. જેને પગલે સંસદનાં વિશેષ સત્રમાં આ ખરડો પસાર કરાવવા માટે સરકાર આગળ વધે તેવી ચર્ચા અને અટકળો શરૂ થઈ છે.