• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ટીવી ચેનલોનું સ્વનિયમન સઘન બનાવવાની જરૂર: સુપ્રીમ કોર્ટ

ટીવી ચેનલોમાં દર્શાવાતી સામગ્રી માટે જવાબદારી નક્કી કરવાં ઉપર ભાર: કડક માર્ગદર્શિકા ઘડી કાઢવા 4 સપ્તાહનો સમય

નવીદિલ્હી, તા.18: તાજેતરમાં જ અપરાધિક મામલાઓમાં સનસનાટીભર્યા મીડિયા ટ્રાયલ સામે કઠોર અભિગમ અપનાવનાર સર્વોચ્ચ અદાલતે હવે ટીવી ચેનલો ઉપર દર્શાવાતી સામગ્રી માટે જવાબદારી           નક્કી કરવાનું દોહરાવતા આજે ચેનલોનું સ્વનિયમન તંત્ર સઘન બનાવવા માટે સુપ્રીમ કોર્ટે ન્યૂઝ બ્રોડકાસ્ટર એન્ડ ડિજિટલ એસોસિયેશન(એનબીડીએ)ને આદેશ આપ્યો છે અને આના માટે નવી માર્ગદર્શિકા જારી કરવાં વધુ ચાર સપ્તાહનો સમય પણ આપ્યો છે.

ભારતનાં પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઇ) ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા તથા જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠે આજે ન્યૂઝ બ્રોડકાસ્ટર એસો.(એનબીએ) દ્વારા બોમ્બે હાઇકોર્ટના ફેંસલાને પડકારતી અરજી ઉપર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં એનબીડીએ વતી પેશ થયેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારે નવા દિશાનિર્દેશો જારી કરવાં માટે ચાર અઠવાડિયાનો સમય માગ્યો હતો. જ્યારે કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે, સરકારે આના માટે ત્રિસ્તરીય તંત્ર તૈયાર કર્યુ છે. જેમાં પ્રથમ સ્વનિયમન છે.

ન્યૂઝ બ્રોડકાસ્ટર ફેડરેશન ઓફ ઇન્ડિયા(એનબીએફઆઇ) તરફથી કોર્ટમાં રજૂ થયેલા વકીલ મહેશ જેઠમલાણીએ જણાવ્યું હતું કે, એનબીએફઆઇને પોતાના નિયમો લાવવા માટે અનુમતિ આપવી જોઈએ. જેનાં ઉપર સીજેઆઇ ચંદ્રચૂડે કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે સ્વનિયામક તંત્રને કઠોર બનાવવું જોઈએ. આનાં માટે સૂચનો અને દિશાનિર્દેશોનું પણ સ્વાગત છે.

આ પહેલા સર્વોચ્ચ અદાલતે ટીવી ચેનલો ઉપર નજર રાખવા માટેનાં વર્તમાન વ્યવસ્થા તંત્રમાં ત્રુટિઓ દર્શાવી હતી. જેને ધ્યાને રાખતા કોર્ટે કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા માગી હતી અને કહ્યું હતું કે, માર્ગદર્શિકા વધુ પ્રભાવી બનાવવાની જરૂર છે. જો કે અદાલતે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, તે મીડિયા ઉપર કોઈ સેન્સરશીપ લગાડવા નથી માગતી.