• શનિવાર, 13 જુલાઈ, 2024

ઔરંગઝેબ-ટીપુ સુલ્તાન પર સોશિયલ મીડિયામાં પોસ્ટ : કોલ્હાપુરમાં હિંસા

બે સમુદાયના લોકો આમને-સામને : પોલીસનો લાઠીચાર્જ, 31 કલાક ઇન્ટરનેટ સેવા બંધ

કોલ્હાપુર, તા.7 : ઔરંગઝેબ અને ટીપુ સુલ્તાન પર સોશિયલ મીડિયા પોસ્ટ અંગે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિંસા ભડકી ઉઠી છે. બે સમુદાયના લોકો આમને સામને આવી ગયા અને હિંસક અથડામણ થતાં તણાવ વધ્યો છે. કોલ્હાપુરમાં સોશિયલ મીડિયા પોસ્ટ અંગે બે સુમદાયના લોકો વચ્ચે પથ્થરમારો અને લાઠી-ડંડાવાળી થઈ હતી. સ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આજે હિન્દુત્વવાદી સંગઠનોના વિરોધ માર્ચ દરમિયાન પોલીસને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે  લાઠીચાર્જ કરવો પડયો હતો. સોશિયલ મીડિયા પર સ્ટેટસમાં ઔરંગઝેબની પોસ્ટ મૂકવાના વિરોધમાં કેટલાક લોકો દ્વારા આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી છે. બે સમુદાયોમાં તણાવ વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને પ્રશાસને 19મી જૂન સુધી પ્રતિબંધ આદેશ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રશાસન દ્વારા વિસ્તારમાં 31 કલાક સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હિન્દુત્વવાદી સંગઠનોએ હિન્દુઓને છત્રપતિ શિવાજી ચોક ખાતે ભેગા થવાનું આહ્વાન કર્યું હતું. વિરોધ કૂચમાં જોડાવા માટે આજે સવારે નવ વાગ્યાથી જ લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. ધીરે ધીરે ભીડ વધી અને તંગદિલી સર્જાવા લાગી. આ પછી પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે પોલીસને શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો આદેશ આપ્યો છે.

કોલ્હાપુરના છત્રપતિ શિવાજી ચોકમાં ટોળા એકઠા થયા હતા. શહેરમાં રેલી યોજવાનું એલાન કરવા સાથે દોષિત યુવકની ધરપકડની માગ કરવામાં આવી હતી. પોલીસે રેલીની મંજૂરી ન આપ્યા બાદ ગંજી ગલી વિસ્તારમાં પથ્થરમારો થતાં સ્થિતિ વણસી હતી. શહેરમાં મોટાભાગની દુકાનો બંધ છે અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનો પોલીસે દાવો કર્યો હતો.

કોલ્હાપુરમાં ઊભી થયેલી તંગદિલીને લઈને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકોને શાંત રહેવાની અપીલ કરી હતી. કોલ્હાપુર પોલીસના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કર્ફ્યુ પહેલેથી જ લાદવામાં આવ્યો છે અને વાંધાજનક પોસ્ટ કરનારા બે લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે પણ વિરોધ કૂચ કરવામાં આવી રહી છે, જેના કારણે તણાવ વધવાની શક્યતા છે. કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી.

આ મુદ્દે એનસીપી પ્રમુખ શરદ પવારે આકરી પ્રતિક્રિયા આપતાં શિંદે-ફડણવીસ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઔરંગાબાદમાં ઔરંગઝેબનું પોસ્ટર ફરકાવ્યું તો કોલ્હાપુરમાં તેનો વિરોધ કેમ?

આ પ્રકરણે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, ઔરંગઝેબની મહિમા ગાનારાઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે. રાજ્યનું નામ ખરાબ કરવાની કોશિશો કરવામાં આવી રહી છે, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં આ સાંખી લેવાશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક