• બુધવાર, 17 એપ્રિલ, 2024

દેવોની ભૂમિ ઉપર વરુણદેવનું આગમન

દેવોની ભૂમિ ગણાતાં કેરળમાં એક સપ્તાહ મોડું : વાવાઝોડું-અલનીનોના અવરોધો વચ્ચે દક્ષિણમાં ભારે વરસાદ, 30મી સુધીમાં દિલ્હી પહોંચી શકે

 

 

નવી દિલ્હી, તા.8: વાવાઝોડું અને અલનીનો જેવા અવરોધોને નૈઋઍત્ય ચોમાસાએ કેરળમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. ચોમાસું એક સપ્તાહ મોડું બેઠું છે તેમ છતાં અપેક્ષા મુજબ ગતિ રહી તો ર0થી રપ જૂન સુધીમાં ગુજરાતમાં આગમન થશે. 30 જૂન સુધીમાં દિલ્હીમાં પ્રવેશી શકે છે. કેરળમાં સામાન્ય રીતે ચોમાસાનું 1 જૂન આસપાસ આગમન થાય છે.

ભારતીય હવામાન વિભાગે 8 જૂનને ગુરુવારે કેરળમાં ચોમાસાના પ્રવેશ અંગે સત્તાવાર જાહેર કર્યું હતું. કેરળમાં ચોમાસાએ 9પ ટકા જેટલો વિસ્તાર આવરી લીધો છે. કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદ શરૂ થયો છે. આઇએમડી અનુસાર પવનની ગતિ અને પરિસ્થિતિ સાનુકૂળ રહેશે તો દક્ષિણ-પશ્ચિમ ચોમાસું      દક્ષિણથી ઉત્તર તરફ ઝડપથી આગળ વધશે અને એકાદ સપ્તાહમાં ઉત્તર ભારતમાં પહોંચી શકે છે. હવામાન વિભાગે અગાઉ 4 જૂને ચોમાસું કેરળમાં પ્રવેશ કરશે તેવી આગાહી કરી હતી પરંતુ અરબ સાગરમાં બિપરજોય વાવાઝોડાના અવરોધને કારણે મોડું થયું છે. વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાય તેવી સંભાવના વચ્ચે ચોમાસાનો કેરળમાં પહોંચવાનો માર્ગ મોકળો થયો હતો. મુંબઈમાં ચોમાસાનાં આગમન બાદ ગુજરાતમાં પ્રવેશની સ્થિતિ સ્પષ્ટ થશે.

હવામાન વિભાગે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ચોમાસું અરબ સાગર, સમગ્ર લક્ષદ્વીપ, કેરળ, દક્ષિણ તમિલનાડુનો મોટો ભાગ, કોમોરિનનો બાકીનો ભાગ, મન્નારની ખાડી, દક્ષિણ પશ્ચિમ, મધ્ય તથા ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. કેરળમાં એક સપ્તાહ મોડા આગમનનો અર્થ એવો નથી કે દેશના બાકીના ભાગોમાં શરૂઆત મોડી થશે. દેશના કુલ વરસાદને કોઈ અસર નહીં થાય તેમ હવામાન વિભાગ કહે છે.

---------------

ચક્રવાતી વાવાઝોડું બન્યું ગંભીર, ચોમાસા પર અસર હળવી

નવી દિલ્હી, તા.8 : ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જાહેર કર્યું કે અરબ સાગરમાં ઉઠેલું આ વર્ષનું પહેલું ચક્રવાતી વાવાઝોડું ‘િબપોરજોય’ ઝડપથી ગંભીર ચક્રવાતમાં બદલાઈ ગયું છે. આગામી 1ર કલાકમાં તે વધુ ભીષણ બને તેવી સંભાવના છે. ખતરો હજુ ટળ્યો નથી તેમ છતાં હવામાન વિભાગે દાવો કર્યો કે ભારતમાં ચોમાસા પર તેની હળવી અસર થશે. ચક્રવાતી વાવાઝોડું ર કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહયું છે. ગુરુવારે સવારે પ:30 વાગ્યે તે ગોવાથી 890 કિમી, મુંબઈથી 1000 કિમી, પોરબંદરથી 1070 અને  કરાંચીથી 1370 કિમી દૂર હતું. વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ રહયાના અહેવાલ હતા પરંતુ આઇએમડીએ ભારત, ઓમાન, ઈરાન તથા પાકિસ્તાનમાં આ વાવાઝોડાની સંભવિત અસરો અંગે કોઈ પૂર્વાનુમાન કર્યું નથી. બંગાળની ખાડી અને અરબ સાગરમાં તેની તીવ્ર અસર જોવા મળી રહી છે.

------------

20મી સુધીમાં ચોમાસું ગુજરાતમાં પહેંચશે

આગામી પાંચ દિવસમાં પવન સાથે વરસાદની આગાહી, NDRFની ટીમ તૈયાર

(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.8 : ગુજરાતમાં 20થી 25 જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. તે સિવાય અન્યત્ર સ્થળે છુટોછવાયો વરસાદ રહી શકે છે. પવનની દિશા બદલાતા અને વાવાઝોડાની અસર હેઠળ વરસાદી માહોલ રહેશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 930 કિલોમીટર દૂર રહેલ છે. હાલમાં 130 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિમાં વધારો થઈ શકે છે ત્યારે તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. તેની સાથે રાજ્યમાં પાંચ દિવસ ભેજવાળું વાતાવરણ પણ અનુભવાઈ શકે છે. હાલના તબક્કે વાવાઝોડાનું સંકટ ઓછું થયું હોય તેમ લાગી રહ્યું છે છતાં તંત્ર એલર્ટ મોડ પર છે. હવામાન વિભાગ સરકાર સાથે સતત સંપર્કમાં છે.

વાવાઝોડાની અસર હેઠળ દેવભૂમિ દ્વારકા અને અમરેલીના તેમજ જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ઉપરાંત કચ્છમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હોવાની પણ વિગતો મળી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારી અનુસાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ ખડેપગે છે. સાથે ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી વાવાઝોડા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેની જામનગરમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે અને અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવાનો હુકમ આપી દેવાયો છે.

બીજી વડોદરામાં સંભવિત વાવાઝોડાને લઈને ઝરોદ ખાતે એનડીઆરએફની 12 તાલીમબદ્ધ ટીમને સાધનો સાથે સજ્જ કરવામાં આવી છે. તેમાં એક ટીમમાં 25 જેટલા જવાનો છે. પ્રાપ્ત વિગતો અનુસાર તંત્ર દ્વારા હુકમ મળતાં જ ગમે તે સ્થળે રવાના થવા માટે સજ્જ છે.

દરમિયાનમાં વાવાઝોડાને લઈને સ્ટેટ કંટ્રોલ રૂમ એક્ટિવ કરવામાં આવ્યો છે. તેના દ્વારા હવામાન ખાતાની આગાહી અનુસાર મોનિટરિંગ કરવામાં આવે છે. ઉપરાંત જિલ્લા કલેક્ટર અને ડીડીઓને વાવાઝોડા અંગેની એસઓપી પણ જારી કરવામાં આવી છે. આ તમામ કાર્યવાહીનું મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અમરેલીના જાફરાબાદમાં તેમજ શિયાળ બેટના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર મેરીટાઇમ બોર્ડ અને કોસ્ટ ગાર્ડને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે. દરમિયાનમાં જામનગરમાં બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તેમજ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે અને તલાટી સહિતના કર્મચારીઓને શહેર નહીં છોડવા માટે જણાવવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક