• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

સૌરાષ્ટ્ર બન્યું શિમલા: કરાં-ભારે પવન સાથે 2.5 ઇંચ સુધી માવઠું

મિનિ વાવાઝોડું, ભારે તબાહી: વીજપોલ અને વૃક્ષોનો સોથ વળી ગયો, કરા પડતા સોલાર સિસ્ટમને ભારે નુકસાન, અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો

અનેક જગ્યાએ વીજળી પડવાથી વીજ ટ્રાન્સફોર્મર, ફ્રીજ, ટીવી સહિતના વીજ ઉપકરણો બળી ગયા: ભીમડાદ ગામે ધોધમાર વરસાદ પડતા રિક્ષા તણાઈ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ તા.26: આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રભરના મોટાભાગના જિલ્લાઓમાં સવારમાં શિયાળાની ઠંડીના બદલે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જાણે કે ચોમાસુ જવાનું નામ ન લેતા હોય તે રીતે શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ હાલ સૌરાષ્ટ્રભરમાં જોવા મળી રહ્યો છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે જ વીજળીના કડાકા-ભડાકા સાથે કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદની શરૂઆત થયો હતો. રાજકોટ, મોરબી અને વાંકાનેર વિસ્તારમાં કરા અને ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સોરઠ વિસ્તારમાં સારો વરસાદ નોધાયો છે. જેમાં ગડુ 2.5, તાલાલા પંથક-વંથલી-લોઢવા-ભીમડાદ 2, વેરાવળ-સોમનાથ-કેશોદ-જસદણ-ચીતલ 1.5 સહિતના વિસ્તારમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભારે પવનના કારણે વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થવાના અનેક બનાવો બન્યા છે. તેમજ વીજળી વેરણ બનતા 3 લોકોના મૃત્યુ થયા છે અને અનેક પશુના મોત નીપજયા છે તેમજ વીજળી પડવાથી અનેક ધરોમાં વીજઉપકરણો બળી ગયા હતા અને વિજળી ગુલ થઇ ગઇ હતી. તેમજ ભારે પવનના કારણે ઘણા ઘરોના પતરાઓ ઉડી ગયા છે અને છત ઉપર લગાવેલી સોલાર પેનલને ભારે નુકશાન થયું છે. કરા અને ભારે પવન સાથે વરસાદના કારણે ખેતીપાકને વ્યાપક નુકશાન થયું છે. ગાજવીજ સાથે માવઠું થતાં ચણા, જીરું અને કપાસ સહિતના પાકને નુકસાન થવાનો ડર ખેડૂતોને છે. રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોમોસમી વરસાદ પડ્યો છે. કરા પડવાના કારણે રસ્તાઓ ઉપર બરફની ચાદર છવાઇ ગઇ હતી અને લોકોએ સીમલા-મનાલીનો અનુભવ માણયો હતો. માત્ર અડધા ઇંચ જેટલા વરસાદમાં જ મોટભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 

ચીતલ : સવારથી અષાઢી માહોલ સર્જાયો હતો, સમગ્ર દિવસ દરમિયાન એકથી દોઢ ઈંચ વરસાદ પડયો હતો.

વલ્લભીપુર : શહેરમાં સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે સાંજ સુધીમાં ગાજવીજ સાથે એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ગઢડા : તાલુકાના ભીમડાદ ગામે ધોધમાર બે ઈંચ વરસાદ પડયો હતો. આ કારણે એક ઓટો રીક્ષા ધસમસતા પાણીમાં તણાતી હોવાનો વિડીયો વાઈરલ થયો હતો.

જૂનાગઢ: શહેર અને જિલ્લામાં વહેલી સવારે એકાએક કમોસમી વરસાદ શરુ થયો હતો અને જિલ્લામાં સર્વાત્રિક અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. વંથલીમાં બે, કેશોદ દોઢ, વિસાવદર-માંગરોળમાં એક, મેંદરડા-ભેંસાણ-માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

કેશોદ: શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસદા વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતા. શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકોમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સુરેન્દ્રનગર:  આજે સવાર થી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમૌસમી વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં 5 મીમી, લીંબડી 3 મીમી, સાયલા 2 મીમી, વરસાદ નોંધાવા પામ્યો છે.

બોટાદ: આજે ભારે પવન અને ગાજવી સાથે માવઠાની આગાહીના પગલે શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને અંધારપટ વાતાવરણ છવાયું હતું અને એકાએક જોરદાર પવન સાથે મુશળધાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો હતો. જેમાં બોટાદમાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. ઉતાવળી અને મધુનદીમાં નવા નીર આવ્યા હતા.

વેરાવળ:  આજે સવારે પાંચેક વાગ્યાના અરસામાં ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી. જિલ્લાના વેરાવળ સોમનાથ તાલાળા સુત્રાપાડા અને ઉનામાં સવારે 6 થી 8 બે કલાક સુધી સુસવાટા મારતા ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જતા લોકો ઠુઠરી ગયા હતા. આજે સાવરે 6 થી 8 બે કલાક દરમ્યાન વેરાવળ સોમનાથમાં 35 મીમી (1.5 ઈંચ), તાલાલામાં 45 મીમી (2 ઈંચ), સુત્રાપાડામાં 15 મીમી (અડધો ઈંચ) ઉનામાં 17 મીમી (અડધો ઈંચ) વરસાદ વરસી ગયો હતો. 

ફલ્લા: વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું અને બપોરે જોરદાર ઝાપટારુપી વરસાદ વરસ્યો હતો.

મોટીમારડ: વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે પંથકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

ગડુ: દરિયાઈ પટ્ટી અને ગડુ પંથકમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા.

જામકંડોરણા: સવારથી જ વાતાવરણમાં અચાનલક પલટો આવતા ગાજવીજ અને ભારે પવન સાથે અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે બપોર બાદ વધુ અડધો ઇંચ વરસાદ વરસતા કુલ એક ઇંચ વરસાદ નોંધાયો છે.

કોડીનાર: ગાજવીજ સાથે એક કલાક આસપાસ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમરેલી: જિલ્લામાં વહેલી સવારથી ઘનઘોર વાદળો વચ્ચે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમરેલી અને ભંડારીયા અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાંભાના ગીર કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. લીલીયા પંથકમાં મીની વાવાઝોડું ફૂંકાયું હતુ. ભારે પવન અને કમોસમી માવઠાથી ભારે નુકસાન થયુ હતુ. વૃક્ષો ધરાસાયી થયા હતા.

સાવરકુંડલા: શહેર અને ગ્રામ્યના મેવાસા, ધજડી લુવારા, અમૃતવેલ સહિત પંથકમાં વહેલી સવારથી જ ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે મુખ્ય માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા તેમજ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

લખતર:  આજે વહેલી સવારે વાદળોએ આકાશ ઘેરી લેતા અંધારું છવાયું હતું. બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પણ પડ્યો હતો. જેના કારણે ગામમાં વીજળી ગુલ થઇ હતી.

જામનગર: શહેર અને જિલ્લામાં પણ સૌરાષ્ટ્રની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેમાં જામનગરમાં 5 મીમી, લાલપુરમાં 10 અને કાલાવાડમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. કોઈ નુકશાનના અહેવાલ મળ્યા નથી.

મોરબી:  જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને સવારે વાંકાનેરમાં કરાનો કમોસમી વરસાદ વરસ્યા બાદ સાડા નવેક વાગ્યાના અરસામાં મોરબી શહેરમાં પણ તોફાની પવન સાથે મોટા મોટા કરાનો વરસાદ વરસતા અનેક જગ્યાએ સોલારની પેનલો તેમજ સોલાર ટ્યુબમાં નુકશાન પહોંચવાની સાથે મોરબી પંથકમાં અનેક સિરામીક ફેક્ટરીઓના પતરા ઉડી ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. માવઠાના કારણએ સિવિલ હોસ્પિલના દરવાજામાં પાણી નિકાલના અભાવે તલાવડા ભરાયા હતા. સાંજે 4 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં એક, હળવદ અને મોરબીમાં અડધો ઇંચ કમોસમી વરસાદ નોંધાયો હતો. મોરબી અને વાંકાનેર પંથકમાં આજે ભારે પવન સાથે વરસાદને કારણે વીજતંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં હાલ વાંકાનેરના 26 અને મોરબીના 6 ગામોમાં વીજપુરવઠો ખોરવાયેલો છે. જેને પૂર્વવત કરવા ટિમો સતત કામગીરી કરી રહી છે. મોરબીના સામા કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા 5 થી 7 જેટલા વૃક્ષોને નુકસાન થવા પામ્યું છે. હળવદના સુંદરગઢ ગામે વીજળી પડતા માલધારી ભાણાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડના 5 બકરાના મોત નિપજ્યા હતા અને છ બકરા ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. મોરબીના સુપ્રીટેન્ડન્ટ એન્જીનિયર એસ.એચ. રાઠોડે જણાવ્યું કે ભારે પવન અને વરસાદને કારણે મોરબીમાં 19 વીજપોલ ડેમેજ થયા છે. કુલ 14 ગામોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જેમાંથી 8 ગામોમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. જ્યારે બાકીના 6 ગામોમાં હાલ કામગીરી ચાલી રહી છે. આવી જ રીતે વાંકાનેરમાં 14 વીજપોલ ડેમેજ થયા છે. કુલ 37 ગામોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જેમાંથી 11 ગામોમાં પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. મોરબીમાં 12 ટિમો અને વાંકાનેરમાં 6 ટિમો હાલ ફિલ્ડ ઉપર વીજપુરવઠો કરવા સતત કામગીરી કરી રહી છે. 

ગઢડા: શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ અને દિવસ દરમિયાન ધાબડીયુ વાતાવરણ રહ્યું હતુ. ગઢડા શહેરમાં એક કલાક સુધી ચાલેલી વરસાદની તોફાની ઇનિંગથી એકાદ ઈંચ જેટલા વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. 

વાંકાનેર: કરા અને ભારે પવન સાથે વરસેલા વરસાદે ભારે તબાહી સર્જી છે. શહેર તથા તાલુકામાં અસંખ્ય વૃક્ષોનો સોથ વળી ગયો હતો. તેમજ પીજીવીસીએલના પંદર વીજપોલ ધરાશાયી થયા હતા અને અનેક ટીસીમાં ભડાકા થયા હતા. અનેક જગ્યાએ ઘર ઉપર લગાડેલી સોલાર સીસ્ટમની ટયુબોને ભારે નુકશાન થયું છે.

તળાજા: શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારના સાતેક વાગ્યાથી માવઠાની અસર શરૂ થઈ હતી. ઝરમરથી શરૂ થયેલા માવઠાએ થોડી જ વારમાં હાથીયા નક્ષત્રની જેમ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

ભાવનગર: શહેરમાં આજે સાંજે એકાએક તોફાની પવન સાથે કરાનો વરસાદ તૂટી પડતાં નાશભાગ મચી જવા પામી હતી. તોફાની પવન  અને કરા  સાથેના વરસાદે શહેરના અનેક જગ્યાએ નુકસાન કર્યું હતું. શહેરમાં વૃક્ષો પડી જવાના, હોર્ડીંગ્સ ઉડી જવાના અને અગાસીની ટાંકી પડી જવાના બનાવો બનવા પામ્યા છે. રોડ પર બરફના કરાની ચાદર છવાઈ ગઈ હતી. ભાવનગરમાં 17મીમી, ઘોઘામાં 12મીમી, મહુવા 15મીમી, વલ્લભીપુર 14 મીમી વરસાદ નોંધાયો છે.

ગારીયાધાર: આજે સવારે સમગ્ર પંથકમાં સાત વાગ્યાના અરસામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદના ઝાપટાઓ વરસી પડ્યા હતા. જેના કારણે ગારીયાધાર શહેરના જાહેર માર્ગો પર વરસાદી પાણી ભીંજાયા હતા અને નેવા ધારું થવા પામી હતી. 

જસદણ: શહેર અને પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો ાવતા કમોસમી વરસાદ શરુ થયો હતો અને એકથી દોઢ ઇંચ જેટલો નોંધાયો હતો. કોઠી અને દેવપરામાં સહિતના ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડયો હતો.

જામ ખંભાળીયા: વહેલી સવારથી વરસાદી  માહોલ સર્જાયો હતો. ખંભાળીયા, કલ્યાણપુર સહિત દ્વારકા પંથકમાં છુટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા શહેરના પોસ્ટ ઓફિસ રોડ ,નગર નાકા સહિત મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.

માળીયા હાટીના: આજે વહેલી સવારમાં ચાર વાગે અને આઠ વાગે વીજળીના તડાકા ભડાકા ગર્જના સાથે વરસાદ પડ્યો હતો. આસપાસના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે.

ગોંડલ: વહેલી સવારે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા તેમજ બપોર બાદ ફરી વરસાદ વરસ્યો હતો.

મતિરાળા: વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા શિયાળામાં ચોમાસાનો પ્રારંભ થયો હોય તેવો માહોલ જામ્યો હતો. આખો દિવસમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ધ્રાંગધ્રા: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો અને વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.

બગસરા: વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો. જેને લીધે થોડીવારમાં જ શહેરના તમામ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સાંજે છ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. 

લોઢવા: આજે સવારે પાંચેક વાગ્યાના અરસામાં સુત્રાપાડા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી. જિલ્લાના સુત્રાપાડા અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કલાક સુધીમાં અડધોથી લઈને બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ હતી.

કુંકસવાડા: માળીયા હાટીનાના કુકસવાડા સહિતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

સરા: મૂળી તાલુકાના સરા, સરલા, ટીકર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

મોટા દડવા: વહેલી સવારથી એકાએક મેઘરાજા રોદ્ર રૂપ ધારણ કર્યું હોય તેમ કડાકા સાથે મેઘ ગર્જના કરી બરફના કરા સાથે જસદણના કોઠી કનેસરા, લીલાપુર, આટકોટ, ખારચિયા તેમજ મોટાદડવા સહિત બળધોઇ વિરનગર ગામે મેઘરાજાના મંડાણ થયા હતા. લીલાપુર ગામે એક ઇંચ વરસાદ પડ્યો હતો.

ધોરાજી: અચાનક સવારે કમોસમી વરસાદનો પ્રારંભ થયો હતો. જે ત્રણ કલાકમાં બરફના કરા સાથે સમગ્ર પંથકમાં અડધોથી એક ઇંચ વરસાદ નોંધાયો છે. ધીમીધારે વરસાદમાં અનેક વિસ્તારોમાં રોડમાં પાણી વહેતું થઈ ગયું હતું ભુખી ભાદર બે ડેમ નજીક આવેલી અનિલભાઈ ઠુંમરની વાડી તેમજ ઉપલેટા નેશનલ હાઈવે જે.ડી. બાલધાની વાડી પાસે ભારે બરફનો વરસાદ થયો હતો.

નવાગામ: વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે બજારોમાં પાણી ભરાયા હતા.

ટંકારા: ભારે પવન સાથે અને વિજળીના કડાકા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે વીજ થાંભલા પડી ગયાના બનાવ પણ બન્યા છે.

ચોટીલા: વાતાવરણમાં આવેલા બદલાવની અસર ચોટીલા પંથકમાં પણ થઇ છે વાદળોના ઘેરાવ અને ઠંડા પવન સાથે સવાર અને બપોર બાદ પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. થાનગઢ વિસ્તારમાં પણ માવઠાની અસર પહોંચી હતી અને સવારે સામાન્ય છાંટા અને બપોરે ચાર વાગ્યાના અરસામાં જોરદાર ઝાપટાએ ગામમાં પાણી કાઢી નાખ્યા હતા. ં સરોડી ગામે જોરદાર પવન સાથે વરસેલા વરસાદે વાવાઝોડાએ પશુ વાડાના અને ઘરના ફળીયાના છાપરાઓ ઉડાડ્યા હતા અને શેડને પણ નુકશાન કર્યું છે.

ડોળાસા: વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને વાતાવરણ ચોમાસા જેવું બની ગયું હતું. બપોરના સાડા અગિયાર વાગ્યે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. જે બાર વાગ્યા સુધી ચાલુ હતો અને મિતિયાજ ગામમાં રોડ ઉપર પાણી ભરાયાં હતાં. આ આ દરમીયાન 15 મી.મી.વરસાદ થયો હતો.

કોટડાસાંગાણી: આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારેથી એકાએક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ ફરી જોરદાર ઝાપટું પડી જતા એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો.

ઉમરાળા: વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાઢ ધુમ્મસ અને વાદળો છવાયાં હતાં અને સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. બપોરના બે સુધીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. વીજળીના એક જોરદાર કડાકા સાથે સવારથી વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો.

તાલાલા: વિસ્તારમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદ તાલાલા શહેરમાં દોઢ ઇંચ તથા ગ્રામ્ય વિસ્તાર ધાવા ગીર, બોરવાવ ગીર, લુશાળા ગીર, સાંગોદ્રા ગીર, ચિત્રાવડ ગીર, માધુપુર ગીર, ધણેજ(બાકુલા), આંબળાશ ગીર, ઘુંસિયા ગીર, આંકોલવાડી ગીર સહિતના તાલાલા પંથકના મોટાભાગના ગામોમાં દોઢથી બે ઇંચ વરસાદ પડ્યો હોવાનાં સમાચાર મળી રહ્યા છે. આજના ભારે વરસાદથી અનેક ગામોમાં નદી-વોંકળામાં પાણી વહેતા થઈ ગયા હતા.  ધાવા ગીર ગામે વીજળી પડી હતી. વીજળી પડવાથી ગામના નવાપરા, દુર્ગા ચોક તથા ખોડીયાર ચોકમાં બે થી ત્રણ વીજ ટ્રાન્સફોર્મર સહિત અનેક પરિવારોના ફ્રીજ, ટીવી સહિતના વિજ ઉપકરણો બળી ગયા છે. વીજળી પડવાના કારણે એક મકાનની છત ઉપરનો રવેશ પડી ગયો છે.

મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કરોડોનું નુકસાન

આજે વહેલી સવારથી ગાજવીજ અને ભારે પવન સાથે બરફ વર્ષા શરૂ થઇ હતી. જેના કારણે રાહદારીઓ અને વાહનચલકોમાં નાસભાગ મચી ગઇ હતી. ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડ.ના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલે જણાવ્યું હતું કે જેતપરડા રોડ તથા ઢુવા રોડ પર આવેલા અસંખ્ય સિરામીક યુનિટોમાં મોટાપાયે કરોડોનું નુકશાન થયું છે. કમોસમી વરસાદ વચ્ચે નવ વાગ્યા બાદ તોફાની પવન સાથે મોટા મોટા કરા પડતા વાંકાનેરના લુણસર રોડ ઉપર વઘાસિયા ટોલનાકા પાસે આવેલ ક્યુરેક્સ સિરામિક, મલ્ટીસ્ટોન સિરામિક, સ્નોબ સેનેટરીવેર્સ, આઇકોન સિરામિક સહિતની ફેકટરીઓના શેડ ચારણી જેવા બની ગયા હતા અને સાથે જ તૈયાર માલ અને પ્લાન્ટની મશીનરીને નુકશાન જતા હાલમાં દસેક જેટલી ફેક્ટરીઓમાં શટ ડાઉન કરવું પડ્યું હોવાનું ક્યુરેક્સ સિરામિકના સંચાલક ભવિકભાઈ પટેલે જણાવ્યું હતું. દરમિયાન મોરબી સીરામીક એસોસિએશન દ્વારા પણ કમોસમી કરા સાથે વરસેલા વરસાદને કારણે થયેલ નુક્શાનીનો અંદાજ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું હતું.

 

 

 

Budget 2024 LIVE

Crime

કોર્ટ કેસ ચાલુ હોવાથી જેલમાં જવું ન પડે માટે વૃદ્ધ વેપારીએ ચીલઝડપ થયાનું રચ્યું’તું તરકટ આર્થિક ભીંસ અને જેલમાં જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતા વેપારીએ ખેલ કર્યો’તો February 23, Fri, 2024