ઈમરાનને સત્તાથી રોકવા પાકિસ્તાનમાં નવાં સમીકરણો
ઈસ્લામાબાદ, તા.11 : પાકિસ્તાનમાં બિલાવલ ભુટ્ટો આગામી વડાપ્રધાન બની શકે છે. જેલમાં બંધ ઈમરાન ખાન સમર્થિત અપક્ષ ઉમેદવારો 100 જેટલી બેઠકો કબજે કરી ચૂક્યા છે અને ઈમરાન ખાનને સત્તાથી રોકવા નવાઝ શરીફ વડાપ્રધાન પદ કુરબાન કરીને નમતું જોખી શકે છે. છેલ્લી સ્થિતીએ અપક્ષોએ 100, નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનએ 74 અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીએ પ4 બેઠક જીતી છે.
રાજકીય વિશ્લેષકો અનુસાર પાકિસ્તાનમાં કોઈને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. અપક્ષ ઉમેદવારો જોરમાં છે અને ઈમરાન ખાનને કિંગ મેકર બનતા રોકવા નવાઝ શરીફ આસિફ ઝરદારી સાથે સત્તામાં ભાગીદારી કરી શકે છે. જો કે તેઓ અપક્ષ ઉમેદવારોને સાધવા પણ પ્રયાસ કરી બહુમતના આંક સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઇને સરકાર બનાવતા રોકવા તેઓ કોઈ મોટું પગલું ઉઠાવી શકે છે જેમાં વડાપ્રધાન પદે બિલાવલ ભુટ્ટોને મંજૂરી આપી સત્તામાં ભાગીદારી કરી શકે છે. જાણકારો અનુસાર નવાઝ શરીફ અને આસિફ અલી ઝરદારી વચ્ચે વાતચીત ચાલી રહી છે. બિલાવલ વડાપ્રધાન બને તો નવાઝ શરીફ રાષ્ટ્રપતિ પદ માગી શકે છે. તથા ભાઈ શાહબાઝ શરીફને પંજાબ પ્રાંતનું સુકાન સોંપી શકે છે.