• શનિવાર, 27 જુલાઈ, 2024

પોઇચા તીર્થની નર્મદા નદીમાં 8 ભાવિક  ડૂબ્યા : એકનો બચાવ : સાતની શોધખોળ

સુરતમાં ભાગવત કથા પૂર્ણ થતાં ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો ત્રિવેણી સંગમે સ્નાન કરવા જતાં કરુણ દુર્ઘટના

પિતા, બે પુત્ર, ભત્રિજો, ભાણેજ સહિત સાત લોકોની શોધખોળ માટે વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ બોલાવાઈ

સુરત, વડોદરા, તા.14 : નવસારીના દાંડી દરિયામાં ડૂબી જવાથી ચાર લોકો અને વડોદરાની મહિસાગર નદીમાં તણાઈ જવાથી બે વ્યક્તિનાં મૃત્યુ નીપજવાની ઘટના હજુ તાજી છે ત્યાં જ આજે નર્મદા જિલ્લાના ચાણોદ તાલુકામાં આવેલાં પોઇચા તીર્થની નર્મદા નદીમાં 8 ભાવિકો ડૂબી ગયા હતા. જેમાંથી એક યુવકને બચાવી લેવાયો હતો જ્યારે પિતા, બે પુત્ર, ભાણેજ સહિત સાત લોકોની શોધખોળ માટે વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ બોલાવાઈ હતી, પણ મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો. સુરતમાં ભાગવત કથા પૂર્ણ થતાં ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો ત્રિવેણી સંગમે સ્નાન કરવા જતાં આ કરુણ દુર્ઘટના સર્જાઈ હતી.

વિગત પ્રમાણે, સુરતનાં સણીયા હેમદ ગામે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં થોડા દિવસ પહેલાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહમાં બલદાણિયા અને હડિયા પરિવારે સારી એવી કામગીરી કરી હતી. જેથી આ સપ્તાહ પૂર્ણ થયા બાદ આજે બપોરે મુખ્ય સેવક એવા મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરત સ્થાયી થયેલા ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા તેમજ સોસાયટીના અન્ય સાત નાનાં બાળકો, કિશોરો વગેરે 17 જેટલા લોકો ટેમ્પો લઈને પોઇચા તીર્થના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવા માટે ગયા હતા. આ દરમિયાન બપોરે તેઓ એકાદ કલાક ન્હાયા બાદ બહાર નીકળવાના જ હતા, ત્યાં પ્રથમ બે બાળક ઊંડાં પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ તેમને બચાવવા જતાં અન્ય છ જણા પણ ડૂબી ગયા હતા. જેથી બુમાબુમ થઈ જતાં સ્થાનિક લોકોએ તેઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ માત્ર એક મગનભાઈ નામનાં વ્યક્તિનો જ હાથ દેખાતા ખેંચીને બહાર કાઢી શક્યા હતા જ્યારે ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (ઉં.વ.45) અને તેમના બે પુત્ર આરનવ ભરતભાઈ બલદાણિયા (ઉં.વ.12) અને મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (ઉં.વ.15) તથા ભત્રિજો વ્રજ હિંમતભાઈ બલદાણિયા (ઉં.વ.11) અને ભાણેજ આર્યન રાજુભાઈ ઝીંઝાળા (ઉં.વ.7) ઉપરાંત પાડોશમાં રહેતા બે પિતરાઈ ભાઈઓ ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉં.વ.15) અને ભાવેશ વલ્લભભાઈ હડિયા (ઉં.વ.15)ની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી, તેમ રાજપીપળાના પીઆઇ આર.એસ. ડોડિયાએ જણાવ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં રાજપીપળા પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો, પણ તેમને પણ સફળતા મળી નહોતી. પરિણામે સાંજે વડોદરાથી એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. જો કે, મોડી સાંજ સુધી સ્થાનિક તરવૈયાઓ, ફાયર સ્ટાફ અને એનડીઆરએફની દ્વારા શોધખાળ ચાલુ રાખવામાં આવી હતી, પણ સાતેય હતભાગીઓનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ મામલે નર્મદા જિલ્લા એસપી પ્રશાંત શુંબેએ જણાવ્યું કે, ચાણોદનાં પોયચા પ્રવાસનધામ ખાતે આજે બપોરે સુરતથી 17 લોકો આવ્યા હતા અને નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે બાળકો-તરૂણો સહિત આઠ વ્યક્તિ ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિને તુરંત જ બચાવી લેવાઈ હતી, જ્યારે અન્ય સાત લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024