હજુ
થોડા સમય પહેલાં જુસ્સાદાર પ્રદર્શન સાથે 20 ઓવરની ટી-20 સ્પર્ધામાં વિશ્વવિજેતા બનેલી
ભારતની ટીમને શ્રીલંકાના પ્રવાસમાં એક દિવસીય મેચોની શ્રેણીમાં કારમી હાર ખમવી પડી
એ ક્રિકેટપ્રેમીઓને કઠે એ સ્વાભાવિક છે. આમ તો કોઇપણ રમતમાં હાર-જીત એક સિક્કાની બે
બાજુ હોય છે, પરંતુ જીતવા માટે કોઇ પ્રયત્નો જ ન થાય, ઉપરાઉપરી નિસ્તેજ દેખાવ કરીને
પ્રતિસ્પર્ધી ટીમને તાસક પર વિજયની ભેટ ધરી દેવી એ અસ્વીકાર્ય બાબત છે.
શ્રીલંકાનો
પ્રવાસ ગૌતમ ગંભીરના પ્રશિક્ષણમાં પહેલી મોટી કસોટી હતી. ભારતે ટી-ટવેન્ટીની શ્રેણી
માટે બી-ટીમને મેદાનમાં ઉતારી. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ત્રણે મેચ જીતીને સપાટો
બોલાવ્યો. એ પછી વન-ડે શ્રેણીમાં રોહિત શર્મા, વિરાટ કોહલીની વાપસી થઇ. બુમરાહને બાદ
કરતાં તમામ મુખ્ય ખેલાડીઓની ઉપસ્થિતિ હોય ત્યારે ટીમની તાકાત વધી જવી જોઇએ. પણ બન્યું
સાવ ઊલટું. સ્પિનરો અને બેટિંગમાં કેપ્ટન રોહિત શર્માને બાદ કરતાં કોઇ ઝળકી શક્યું
નહીં એનું મોટું નુકસાન થયું. પ્રથમ વન-ડે ટાઇ થઇ એમાં અંતિમ 15 દડામાં ટીમ ઇન્ડિયા
એક રન નહોતી લઇ શકી. બીજી મેચમાં જેફરી-અસલંકાની સ્પિન જાળમાં ભારતની ધરખમ બેટિંગ હરોળ
ધરાશાયી થઇ. અંતિમ વન-ડેમાં સારાં પ્રદર્શનની આશાથી વિપરીત ભારત 248ના લક્ષ્ય સામે
138 રનમાં સમેટાઇ ગયું. ભારતની આ કારમી હાર છે કેમ કે 1997 પછી ટીમ ઇન્ડિયા શ્રીલંકા
સામે કદી દ્વિપક્ષીય શ્રેણી હારી નહોતી. 27 વર્ષ જૂનો ગૌરવવંતો રેકોર્ડ કલંકિત કરવાની
ટીલી રોહિત શર્માના નેતૃત્વને લાગી.
નોંધનીય
વાત એ છે કે, શ્રીલંકન ક્રિકેટ સંક્રાંતિકાળમાંથી પસાર થઇ?રહ્યું છે. તેની ટીમ અનુભવમાં
ઘણી પાછળ છે. ઘરઆંગણે જીતવા માટે ધીમી પીચ તૈયાર કરી જેનો તેના ગોલંદાજોએ ફાયદો ઉઠાવ્યો.
વન-ડે
મેચોની પ્રેક્ટિસ મહત્ત્વની છે. કેમ કે, આવતા વર્ષના પ્રારંભે ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની
છે. એ પહેલાં એકદિવસીય મેચોમાં ખેલાડીઓને અજમાવીને ટીમનું સંયોજન ઘડવું પડશે. ચેમ્પિયન્સ
ટ્રોફીનું મુખ્ય યજમાન પાકિસ્તાન છે. ભારત કોઇ સંજોગોમાં તેની ટીમને પાકિસ્તાન નહીં
મોકલે એ સંજોગોમાં વૈકલ્પિક આયોજન ઘડાશે તો ભારતે શ્રીલંકા અથવા યુએઈમાં રમવું પડશે.
ટીમ ઈન્ડિયા એકાદ મહિનાના બ્રેક પછી ઘરઆંગણે 19મી સપ્ટેમ્બરથી બાંગલાદેશ સામે બે ટેસ્ટ
અને ત્રણ ટી-ટ્વેન્ટી શ્રેણી રમશે. એ પછી ન્યૂઝીલેન્ડ ત્રણ ટેસ્ટ રમવા ભારત આવશે.