• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

જળ સંરક્ષણની સાથે પાણીનો બચાવ જરૂરી

વિશ્વભરમાં જળસંરક્ષણ અને પર્યાવરણનાં જતનની જરૂરત દિવસોદિવસ ગંભીર સ્વરૂપ લઇ રહી છે. એક તરફ જળવાયુ પરિવર્તનના મામલે સેવાઇ  રહેલા ગુનાહિત દુર્લક્ષને લીધે મોસમના રૌદ્ર સ્વરૂપનો બિહામણો ચહેરો સતત ચિંતા જગાવી રહ્યો છે, તો બીજી તરફ માનવ જીવન માટે અનિવાર્ય એવો પીવાના પાણીનો જથ્થો દિવસોદિવસ ઘટી રહ્યો છે. વિશ્વમાં વસ્તીનાં પ્રમાણમાં ભારત હવે ચીનને પાછળ છોડીને પ્રથમ ક્રમે પહોંચ્યો છે, પણ દુનિયાની 17.78 ટકા વસ્તી ધરાવતા ભારત પાસે કુલ તાજાં પાણીનો જથ્થો વિશ્વના પ્રમાણમાં માત્ર ચાર જ ટકા છે.  

ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં દરેક નાગરિકને પીવા માટે સ્વચ્છ પાણી મળી રહે તે પડકાર સૌ કોઇ સમજે છે, પણ જળસંરક્ષણનાં કામો પર જોઇએ એટલું ધ્યાન અપાતું ન હોવાની વાસ્તવિકતા સામે આવતી રહી છે.  હાલત એવી છે કે, આઝાદીનાં 77 વર્ષ બાદ પણ દેશની ત્રીજા ભાગથી વધુ વસ્તીને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઇ શકતું નથી. ખરેખર તો પર્યાવરણના જતનની સાથોસાથ જળસંરક્ષણ પર પૂરતું ધ્યાન આપવાની તાતી જરૂરત છે.  મહાનગરો હોય કે દુર્ગમ ગ્રામીણ વિસ્તારો હોય દરેક સ્થળોએ નદી કે તળાવનાં પાણીના જથ્થા ઉપરાંત ભૂગર્ભ જળના સ્તર સતત ઘટી રહ્યાં છે.  

આમ તો છેલ્લાં થોડાં વર્ષોથી દેશમાં મોસમની બદલાઇ રહેલી તાસીરને લીધે ચોમાસાંમાં સારો વરસાદ થતો રહ્યો છે, પણ તકલીફ એ છે કે, આ વરસાદી પાણીની રેલમછેલના જતન માટે આપણી પાસે પૂરતી વ્યવસ્થા નથી. હાલત એવી થાય છે કે, ઉનાળો આવતાં સુધીમાં જળાશયો અને નદીઓના તળિયાં દેખાવા લાગે છે અને ભૂગર્ભજળનાં સ્તર વધુ નીચે ઊતરી ગયાં હોય છે. જળસંરક્ષણની ગંભીર ક્ષતિના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચિંતા ખરા અર્થમાં યોગ્ય છે, તેમણે પાણીના દુરુપયોગને રોકવા, પાણીનો ફરી ઉપયોગ થઇ શકે એવી વ્યવસ્થા ગોઠવવા તથા જળસંરક્ષણનાં કામો પર ખાસ ધ્યાન આપવા આગ્રહ કર્યો છે, પણ આ આગ્રહને અમલી બનાવાય, તે માટે જળસંરક્ષણને સરકારી નીતિઓમાં અગ્રતા મળે તેની ખાસ જરૂરત છે.  

કચ્છ અને ગુજરાતમાં જાગૃત નાગરિકો અને સ્વયંસેવી સંસ્થાઓ જળસંરક્ષણનાં કામોમાં સક્રિય રીતે રસ લઇ રહ્યા છે. એક રીતે જોઇએ, તો ચેકડેમોથી માંડીને કૂવા રિચાર્જ જેવા કામોને લોકસહયોગ સાંપડી રહ્યો છે, પણ શહેરી વિસ્તારોમાં પાણીના વેડફાટને રોકવા માટેની લોકજાગૃતિનો અભાવ સતત સામે આવતો રહ્યો છે. ખરેખર તો જળસંરક્ષણની જાગૃતિની સાથોસાથ જળબચાવની ખેવના કેળવવા માટે હવે ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. તાજતેરમાં ગુજરાતમાં નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરમાં નળનાં જોડાણ આપવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે, પણ આ નળ સુધી જળ પહોંચે અને તેનો વેડફાટ વધે નહીં તે માટે ખાસ આયોજન પર પણ ધ્યાન અપાવવાની જરૂરત છે. આમ થશે તો સારાં ચોમાસાંનો આનંદ આખાં વર્ષ દરમ્યાન માણી શકાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક