કેન્દ્ર
સરકારે બે દિવસ પહેલાં વડીલોના સ્વાસ્થ્ય વીમા બાબતના નિર્ણયને સર્વત્ર આવકાર સાંપડયો
છે. સરકારે ખરા અર્થમાં વડીલ વંદના કરી હોવાની અનુભૂતિ લોકો કરી રહ્યા છે. આયુષ્માન
ભારત યોજના પહેલેથી જ ભાજપ-એનડીએ સરકારની ઉપલબ્ધિ ગણાય છે. તેમાં પણ આ નવી જોગવાઈ આવતાં
હવે સંખ્યાબંધ લોકોને તેનો લાભ મળશે. દેશમાં શિક્ષણની જેમ જ સતત મોંઘી થઈ રહેલી સ્વાસ્થ્ય
સેવા મધ્યમવર્ગ માટે મહત્વની બાબત છે. આ સ્થિતિમાં કેન્દ્રના આ નિર્ણય માટે સ્વાભાવિક
રીતે પ્રજામાં આવકાર અને આભારની લાગણી પ્રગટે તે સમજી શકાય તેમ છે. સરકારે તો સારી
યોજના જાહેર કરી છે, તેનો સુદૃઢ, સુચારુ રીતે અમલ થાય તેના માટે લાભાર્થીઓ અને તંત્ર
બન્નેના પ્રયાસ અનિવાર્ય છે.
બુધવારે
મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા વિવિધ નિર્ણયોમાં સૌથી લોકલક્ષી નિર્ણય
આયુષ્માન ભારત યોજનાનો છે. દેશના સાડા ચાર કરોડ પરિવારોના છ કરોડ વડીલો-િસનિયર સિટીઝન્સને
તેનો લાભ મળશે. જેમની વય 70 વર્ષ કે તેથી વધારે હોય તેમને દર વર્ષે બીમારી સામે રૂ.
5 લાખનું કવચ સરકાર તરફથી મળશે એટલે કે કોઇ બીમારી થાય તો તેનો પાંચ લાખ સુધીનો ખર્ચ
કેન્દ્ર સરકાર ભોગવશે, દરદી કે તેના સગાએ એક પણ રૂપિયો આપવો પડશે નહીં. ગરીબ તો ઠીક
મધ્યમ વર્ગ માટે પણ પાંચ લાખ ઘણી મોટી રકમ છે. સારવાર, દવા કે ઓપરેશનના ગંજાવર ખર્ચ
અસર કરતા હોય છે આ સ્થિતિમાં પાંચ લાખ સુધીનો ખર્ચ સરકાર ભોગવે તો રાહત થવાની જ.
આયુષ્માન
ભારત યોજના આ રીતે સરકારની આર્થિક સહાયથી અમલી બનેલી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના
છે. યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 7.37 કરોડ નાગરિકોને હોસ્પિટલોમાં સારવાર અપાઇ
છે. 30મી જૂન 2024 સુધીમાં 34.7 કરોડ લોકોને યોજના અંતર્ગત આવરી લેવાયા છે. યોજનાની
સૌથી અગત્યની વાત એ છે કે દેશના વિભિન્ન હિસ્સામાં 29 હજાર હોસ્પિટલ્સમાં
આ આયુષ્માન કાર્ડના આધારે સારવાર મળી શકે છે અને હવે આ કાર્ડના ઉપયોગ માટે કોઈ આર્થિક-સામાજિક
દરજ્જાનો દાયરો પણ નહીં રહે. રાહતદાયક વાત એ છે કે સિત્તેર વર્ષથી ઉપરની વયની કોઈ પણ
વ્યક્તિ આયુષ્માન યોજનાનો લાભ લઈ શકશે. હૃદયરોગ, કેન્સર જેવી ગંભીર બીમારી માટે પણ
કાર્ડનો ઉપયોગ થઈ શકશે.
કેન્દ્ર સરકારની આ યોજના ખરા અર્થમાં કલ્યાણકારી
છે. તબીબી ક્ષેત્રમાં કેટલાક તત્વો દ્વારા આ કાર્ડનો દુરુપયોગ થતો હોવાની વાતો બહાર
આવી હતી. યોજના ઉમદા છે તેનો અમલ તો પ્રજાએ, ડોક્ટરોએ કરવાનો છે. સરકારનો મૂળ હેતુ
સાર્થક થાય તે રીતે આ યોજના અમલી બને તે જરૂરી છે.