• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

જેલ જાતિવાદથી મુક્ત

ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડની નેતૃત્વવાળી બેન્ચે જેલ સંહિતામાં કુપ્રથા સંબંધિત જોગવાઈઓને ગેરબંધારણીય ઘોષિત કરતાં જેલોમાં જાતિ આધારિત ભેદભાવની પ્રથાને સમાપ્ત કરી દીધી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને આદેશ આપતાં કહ્યું છે કે જેલોમાં કેદીઓને જાતિના આધાર પર કામ કે રહેવાની સુવિધા નહીં આપવામાં આવે. બંધારણ અંતર્ગત બધા કેદીઓને સમાન વ્યવહાર સુનિશ્ચિત કરવામાં આવવો જોઈએ. જાતિ, લિંગ કે વિકલાંગતાના આધાર પર જેલોની અંદર થતો ભેદભાવ સંપૂર્ણ રીતે ગેરકાયદે છે.

જેલોમાં જાતિ આધારિત ભેદભાવ સમાપ્ત કરવા સંબંધી સુપ્રીમ કોર્ટના ચુકાદાની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. આટલી જ પ્રશંસા એ રિપોર્ટ કે અરજીની પણ થવી જોઈએ જેના પરિણામે સદીઓથી ચાલી રહેલી આ બેશરમ કુપ્રથા પર પ્રહારનું આવશ્યક સાહસ દાખવ્યું છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટનો આ એક ઐતિહાસિક ચુકાદો છે. કેદીઓની જાતિ નોંધ કર્યા પછી તેમને જેલમાં અપાતાં કામો તેમની ‘જાતિ પ્રમાણેહોય છે. એકાદ કેદી નરાધમ ગુના માટે સજા ભોગવતો હોય અને જો તે ઉચ્ચવર્ણીય હશે તો તેને સ્વચ્છતાગૃહનાં સફાઈનાં કામ નથી આપવામાં આવતાં તેથી ઊલટું એકાદ કેદી કનિષ્ઠવર્ણીય કે નાના ગુના માટે કેદી હોય તો તેને રસોઈઘરનું કામ નથી આપવામાં આવતું, તેને સ્વચ્છતાગૃહનું જ કામ કરવું પડે છે. આનો અર્થ ભારતીય જેલ એક પ્રકારે જાતિ પ્રથાની કટ્ટર સમર્થક હોવાનું જણાય છે. એટલે જ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું મહત્ત્વ સૌએ સમજવું રહ્યું.

બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ ચુકાદાનું ત્રણ મહિનાની અંદર પોતાના જેલ નિયમોમાં સુધારા કરવાનું રહેશે. આ કેન્દ્ર સરકારની પ્રાથમિક જવાબદારી હોવી જોઈએ કે તે જેલ મેન્યુઅલ 2016માં સુધાર કરવાની સાથે જ આદર્શ જેલ અને સુધાર સેવા અધિનિયમ, 2013માં સંશોધન કરતા નોંધાયેલા જાતિ આધારિત ભેદભાવને દૂર કરે. કાચા કેદી કે દોષી કેદીઓના રજિસ્ટરમાં જાતિની કોલમ હોય છે અને જેલ અધિકારી જ નહીં, સ્વયં કેદી પણ જાતિ જોઈ વ્યવહાર કરે છે. અત: જેલમાં જાતિ આધારિત કોઈ પણ કોલમ સમાપ્ત કરવાનું યોગ્ય છે.

વાસ્તવમાં પછાત જાતિઓના નેતાઓએ પણ ભેદભાવના અંત માટે યુદ્ધ સ્તર પર સક્રિય થવું જોઈએ. સવાલ એ પણ છે કે આટલી મોટી સમસ્યા ભણી પહેલાં કોઈનું ધ્યાન કેમ ન ગયું? સવાલ એ પણ છે કે શું ભારતીય વ્યવસ્થા અને સમાજમાં હજી પણ એવાં ક્ષેત્ર છે, જ્યાં અઘોષિત રૂપથી કે સામાન્ય રૂપથી જ જાતિગત ભેદભાવની કુપ્રથા બેધડક ચાલી રહી છે? આ સંપૂર્ણ પ્રકરણ એ વાતનો સંકેત છે કે પછાત નેતાઓએ વધુ સજાગ થવાની આવશ્યક્તા છે. સરકારોએ પોતાના વતી વિસ્તૃત અધ્યયન કરવું જોઈએ કે જેલોમાં ગરીબો અને ખાસ કરીને આદિવાસીઓની શું સ્થિતિ છે? જ્યાં પણ બંધારણ અનુરૂપ સમાનતા કે માનવીયતાનો વ્યવહાર ન થતો હોય, ત્યાં જવાબદાર અધિકારો વિરુદ્ધ આકરાં પગલાં લેવાની આવશ્યક્તા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક