વડા
પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 70 વર્ષ અને તેનાથી મોટી વયના નાગરિકોને તેઓની આવકની મર્યાદા
વિના હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ ‘આયુષ્યમાન ભારત’ હેઠળ આવરી લેવાની જાહેરાત કરી છે. હવે
આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આ યોજનામાં સૂચિબદ્ધ કરાયેલી હૉસ્પિટલોમાં
વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની નિ:શુલ્ક સેવા અપાશે. જોકે, આ યોજનામાં પશ્ચિમ બંગાળ
અને દિલ્હી નહીં જોડાયા હોવાથી તે રાજ્યોના વરિષ્ઠ નાગરિકોને આ લાભ નહીં મળે.
મોદી
સરકારના જનકલ્યાણકારી કાર્યમાં સ્વાસ્થ્ય મોટો મુદ્દો છે. સામાન્ય રીતે કહેવાતું હોય
છે કે જો સરકાર શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધા સુનિશ્ચિત કરી આપે તો દેશનો વિકાસ ઝડપથી
થશે. બીમારી જાતિ, ધર્મ અને અમીરી-ગરીબી જોઈને નથી આવતી. સૌને શિક્ષણ અને સારા સ્વાસ્થ્યની
જરૂર હોય છે. સ્વાસ્થ્ય સેવા રાજ્ય સરકારની જવાબદારી છે, પરંતુ રાજ્ય સરકારોની સ્વાસ્થ્ય
પ્રાથમિક્તા નહીં હોવાથી આ ક્ષેત્રની સ્થિતિ ખરાબ રહી છે.
કેન્દ્રમાં
વડા પ્રધાન મોદીની સરકાર આવ્યા પછી સ્વાસ્થ્ય પર અધિક ફોકસ શરૂ થયું છે. મોદીના પ્રથમ
કાર્યકાળ દરમિયાન 2018માં સરકારે ગરીબોને સારવાર પ્રદાન કરવા માટે આયુષ્યમાન ભારત યોજના
શરૂ કરી હતી. યોજના અંતર્ગત માત્ર લાભાર્થીને સારવાર માટે અધિકૃત અને સરકારી તેમ જ
ખાનગી હૉસ્પિટલોમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર સુવિધા આપવામાં આવી. મોદી સરકારે
જનઔષધિ કેન્દ્ર શરૂ કરી નફાખોરી અને વધુ ભાવ લેવાની પ્રવૃત્તિ પર લગામ તાણી, તેનાથી
પણ લોકોને ફાયદો થયો. સરકાર છેલ્લાં દશ વર્ષથી આમ લોકોને રસ્તા, સુલભ અને બહેતરીન સારવાર
ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોમાં છે. જનઔષધિ કેન્દ્રો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સસ્તી
દવાઓના કારણે ગરીબ અને મધ્યમ વર્ગને 30 હજાર કરોડ રૂપિયા અને સ્ટેન્ટ અને ઘૂંટણના ઈમ્પ્લાન્ટ
જેવાં ઉપકરણોની કિંમત ઘટવાથી 80 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. ઈ-સંજીવની પ્લૅટફૉર્મથી
30 કરોડ લોકોને નિષ્ણાત ડૉક્ટરોની સારવાર સુવિધા આપવામાં આવી છે. દેશભરમાં બે લાખથી
અધિક આયુષ્યમાન મંદિર સ્થાપિત કરવામાં આવ્યાં છે, જેનાથી જલદી ઈલાજ શક્ય થયો છે.
હવે
યોજનાથી છ કરોડથી વધુ વરિષ્ઠ નાગરિકોને સારવારમાં રાહત મળશે. આ સ્વાસ્થ્ય યોજનાઓ શાનદાર
છે, પણ તે કાર્યરત થવામાં ઘણા પ્રશ્નો છે. સરકારી હૉસ્પિટલો ઓછી છે. આમાંથી અધિકાંશનું
માળખું જર્જર છે, કેટલીક સારી હૉસ્પિટલો છે, તો તેના પર દર્દીઓનો ભારે ધસારો હોય છે.
ડૉક્ટરો, નર્સ તથા ઉપચાર ઉપકરણ વગેરેની ઊણપ છે.