• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

નવું વર્ષ : પ્રશ્નો, પડકારો, સંકલ્પો અને પ્રયાસો

વિક્રમ સંવતનું વધારે એક વર્ષ કાળના મહાસાગરમાં વિલીન થઈ ગયું છે. આર્થિક- વ્યાપારી વ્યવહારોમાં આપણે ઈસુના કેલેન્ડરનું અનુસરણ કરીએ છીએ કારણ કે તે વૈશ્વિક છે પરંતુ સામાજિક પરંપરા, કૌટુંબિક પ્રસંગો કે વિવિધ ઉત્સવો માટે તો આપણું તારીખિયું જ આપણને ખપમાં આવે છે. વિક્રમનું નવું વર્ષ- કારતક સુદ એકમ એટલે આપણે એકબીજાને સાલ મુબારક કહેવાનો દિવસ, વહાલ વરસાવવાનો દિવસ. આજે એવું લખવાનું મન થાય કે ગયું વર્ષ ભલે ગમે તેવું ગયું હોય, હવેનું વર્ષ અને વર્ષો તમને ગમે તેવા વિતે તેવી શુભેચ્છા.

સમય, આખરે સમય છે. સુખ- દુ:ખ, હર્ષ શોક બધું માનવજીવનમાં છે. બધાની અસર પણ છે પરંતુ સમય તો નિશ્ચલ, નિરપેક્ષ, તટસ્થ થઈને બધું નિહાળી રહ્યો છે. જે વર્ષ વિત્યું તેમાં મંગળ-અમંગળ ઘણી ઘટનાઓ બની. વિશ્વનો એક મોટો હિસ્સો યુદ્ધરત છે. સેંકડો માણસોના રક્ત વહી રહ્યાં છે. સ્વમાન, સ્વાભિમાન, શક્તિ કે ક્ષમતા તે તમામ બાબતો એક તરફ છે પરંતુ માનવીએ એટલું તો સમજવું જ રહ્યું કે આ રુડું વિશ્વ આખરે તો જીવવા માટે છે. આપણે જીવતા શીખવાનું હોય તેને બદલે જાણે મરતાં શીખી રહ્યાં છીએ તેવી વિડંબનામાં દિવસો વિતી રહ્યા છે. આશા રાખીએ આ નવાં ગુજરાતી વર્ષમાં તે વિષમતાનો અંત આવે.

અમાસના અંધકાર પછી શુક્લપક્ષનો આરંભ થઈ રહ્યો છે. વિશ્વમાં અહંકાર, અભાવ, ભૂખ, વેરનો જે અંધકાર છે તે ઓસરે અને વસુધૈવ કુટુંબકમ, જય જગતનો નાદ સર્વત્ર ગૂંજે તેવું થવું જોઈએ. નવા વર્ષે ઘણા લોકો ંસંકલ્પો લેતા હોય છે. પૂર્ણ થઈ શકે તેમ હોય તો સંકલ્પ લેવા પણ ખરા પરંતુ સંકલ્પોને બદલે પ્રયાસ પર ધ્યાન આપવામાં આવે તો સફળતા મળવાની શક્યતા વધારે છે. નવાં કપડાં, નવી વસ્તુ-ઉપકરણની સાથે વિચારો નવા થાય. જૂના વાંધા, પૂર્વગ્રહોનો અંત આવે. મકાનને રંગ કરીએ સાથે ઘરને પણ ઠીક કરેએ.વડીલોનો આદર, માતા-િપતાની સેવા, ભ્રાતૃભાવ આપણી સંસ્કૃતિ છે. વૃદ્ધાશ્રમોની સંખ્યા વધે તે સમાજ- સંસ્કારની ઉણપ છે. આપણો સંકલ્પ કે પ્રયાસ આ બધું ઓછું કરવા માટેના હોવા જોઈએ.

 સૌરાષ્ટ્ર એક સમયે દેશ-રાજ્યના અન્ય વિસ્તાર કરતાં પછાત ગણાતું તેના શહેરો આજે વિકાસની દોટમાં સમાન ગતિથી આગળ વધી રહ્યાં છે. કૃષિક્ષેત્ર માટે આ વર્ષ થોડું કપરું રહ્યું પરંતુ વિવિધ પ્રયોગો ત્યાં થઈ રહ્યા છે. શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. પ્રવાસનક્ષેત્ર પણ ધમધમી રહ્યું છે આ તમામ દિશામાં હજી ઘણો મોટો અવકાશ છે. વિક્રમ સંવતનું આ નવું વર્ષ આ તમામ સંભાવનાની પૂર્તતા કરે એવો આપણો સંકલ્પ અને પ્રયાસ હોવો જોઈએ. આ વિક્રમ વર્ષમાં સૌરાષ્ટ્રમાં એઈમ્સની સુવિધાઓ વધારે ગતિવાન બની. દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થયું. તો રાજકોટમા ંટીઆરપી ગેમઝોનની ગંભીર દુર્ઘટના બની. વર્ષ આવું સુખ-દુ:ખમાં વિત્યું. ફરી એક નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. પડકારો આવવાના છે, મુશ્કેલીઓ હશે આપણે તેનો સામનો કરવા સજ્જ  થવાનું છે. વધુ એક અરુણું પરભાત સમયની ક્ષિતિજે આવ્યું છે.

દિવાળી પર્વ હવે પૂર્ણ થશે, પરિવર્તનની અસર એમાં પણ જોવા મળી. આર્થિક રીતે સંપન્ન અને અભાવગ્રસ્ત એમ બે વર્ગનો ભેદ પણ પરખાયો. ઉત્સવ સામાજિકની સાથે આર્થિક મહત્વ ધરાવતા થયા તે ચિત્ર પણ ઉપસ્યું. પરંતુ આ બધા અવલોકન કે સંતાપ જે ગણીએ તેની વચ્ચે એક વર્ષ પૂર્ણ થયું. છેલ્લા દિવસે સૌરાષ્ટ્રમાં કેટલીક હિંસક- આકસ્મિક દુ:ખદ ઘટનાઓ પણ બની. નૂતન વર્ષના આરંભે આપણે તેમ છતાં એવી પ્રાર્થના અને શુભેચ્છા વ્યક્ત કરતા આવ્યા છીએ અને આ વર્ષે પણ કરીએ કે આગામી વર્ષ સુખદાયી, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ નિવડે. 

ઇ-પેપરના નવા શુલ્ક