• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

કેનેડાના કરતૂત હદ વટાવે છે

કેનેડાના નાયબ વિદેશપ્રધાન ડેવિડ મોરિસે હાલમાં જ સંસદીય પેનલમાં દાવો કર્યો છે કે ભારતના ગૃહપ્રધાને કૅનેડામાં શીખ ખાલિસ્તાનીઓને નિશાન બનાવવાનો આદેશ આપ્યો હતો. કૅનેડામાં ખાલિસ્તાનીઓ સામેની કાર્યવાહી પાછળ ગૃહપ્રધાન અમિત શાહનો હાથ હોવાનો કૅનેડાના નિવેદન સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. કહેવામાં આવ્યું છે કે અમિત શાહ પરના આક્ષેપો પાયાવિહોણા અને વાહિયાત છે. કૅનેડાના અધિકારીઓ ભારતને બદનામ કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે જાણીબૂઝીને આક્ષેપો કરી રહ્યા છે. આનાથી બંને દેશોના સંબંધો પર ગંભીર અસર પડશે.

કૅનેડા અને ભારતના સતત બગડતા સંબંધો પર હાલમાં જસ્ટિન ટ્રુડો સરકારના અધિકારીઓ, સુરક્ષા અને એજન્સીઓએ એક રીતે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. વિદેશપ્રધાન ડેવિડ મોરિસના નિવેદન ઉપરાંત કૅનેડાની જાસૂસી એજન્સી કમ્યુનિકેશન સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટના તાજા અહેવાલમાં ભારતને એક રીતે દુશ્મન દેશની સૂચિમાં રાખવાનું કામ કર્યું છે. ભારતને એ પાંચ દેશોની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે, જેઓને તેઓ સાયબર ભયવાળા દેશ માને છે. પહેલીવાર કૅનેડાની આ સૂચિમાં ભારતનું નામ જોડવામાં આવ્યું છે. આ સૂચિમાં ચીન, રશિયા, ઇરાન અને ઉત્તર કોરિયાનાં નામ પણ છે. અહેવાલમાં ભારત પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાની પૃથકવાદીઓ પર નજર રાખવા માટે તે સાયબર ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી રહી છે.

આ બધા ઘટનાક્રમ પર ભારતે ફરી એકવાર કૅનેડાના નાયબ હાઈ કમિશનરને બોલાવી ટકોરતા કહેવું પડયું છે કે, જો તેમની સરકારનું બિનજવાબદાર વલણ કાયમ રહ્યું તો બન્ને દેશોના સંબંધો વધુ બગડશે. ભારતે આ ચેતવણી એ માટે આપવી પડી, કારણ કે કેટલાક દિવસો પહેલાં નાગરિક અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની એક સુનાવણીમાં ત્યાંના નાયબ વિદેશપ્રધાને એમ કહ્યું હતું કે, કૅનેડાના નાગરિકોને કહેવાતી રીતે ધમકાવવાને અને ખાલિસ્તાની અંતિમવાદીઓને નિશાન બનાવવા પાછળ ભારતના ગૃહપ્રધાનનો હાથ છે.

આ સુનાવણીમાં તેમણે એ પણ માન્ય કર્યું હતું કે તેમના દ્વારા આ વાત કૅનેડા સરકારને જણાવતા પહેલાં એક અમેરિકન અખબારને લીક કરવામાં આવી હતી. સ્પષ્ટ છે કે કૅનેડા સરકાર ભારતને બદનામ કરવાના અભિયાનમાં મશગૂલ છે અને સનસનાટી ફેલાવવામાં કપટી રીતે મીડિયાનો સહારો લઈ રહી છે. એટલું જ નહીં, કૅનેડા સરકાર પોતાને ત્યાંના ખાલિસ્તાનીઓને નિશાન બનાવવાના ભારતના હાથનો કોઈ પુરાવો આપવાનો પણ ઈનકાર કરે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી કેનેડામાં ખાલિસ્તાનીઓ હિન્દુઓને લક્ષ્ય બનાવી રહ્યા છે. મંદિર ઉપર પણ હુમલો થયો છે. હિન્દુઓને માર મરાતો હોવાના વીડિયો વિશ્વભરમાં પહોંચી રહ્યા છે. કેનેડાની સ્થાનિક પોલીસ પણ પરોક્ષ રીતે ખાલિસ્તાનીઓને સાથ આપી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સ્થિતિ નિયંત્રણ બહાર છે.

ભારતે હવે કૅનેડા વિરુદ્ધ આકરા પગલાં લેવા તૈયાર રહેવું જોઈએ. કૅનેડાની હાલની રાજકીય સ્થિતિ જોતા ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા પણ ભયમાં આવી છે. ભારતે કૅનેડાની સાથે અમેરિકાથી પણ સાવચેત રહેવું પડશે, કારણ કે તે પણ ખાલિસ્તાનીઓને ભારતની વિરુદ્ધ પ્યાદાં બનાવી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક