1933થી
અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં એટલે કે 91 વર્ષમાં પહેલીવાર ભારતે ઘરઆંગણે ત્રણ
કે વધુ મૅચોની શ્રેણીમાં વ્હાઇટ-વૉશની નાલેશી સહન કરવાની આવી છે. ન્યૂ ઝીલૅન્ડની ટીમથી
ભારતને 3-0 શરમજનક હાર ઝીલવી પડી, એ જ ટીમ ભારત આવતા પહેલાં શ્રીલંકા સામે 2-0થી હારી
હતી. કિવીઝ ટીમ સૌથી વિશ્વસનીય બૅટ્સમૅન કેન વિલિયમસન વિના રમી રહી હતી, જેને ઈજાના
કારણે ટીમની બહાર બેસવું પડયું હતું. ટીમ ઇન્ડિયા અનુભવી અને સંપૂર્ણ શક્તિથી રમનારી
ટીમની ઇમેજ સાથે પોતાની ભૂમિ પર ઊતરી હતી, પણ આખી શ્રેણીમાં આ ટીમની કચાશ, તૈયારીની
કમી, વિકેટ પર ટકી રહી ટીમને જીતની રાહ પર લઈ જવાની બૅટ્સમૅનોની ઊણપ જણાઈ આવી. ઘરઆંગણે
શેર ગણાતી ટીમ સાવ ઢેર થઈ ગઈ.
વાનખેડે
સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટમાં પચીસ રનથી મળેલી હાર યાદ અપાવે છે કે રમતમાં કોઈ ટીમનો
દબદબો કાયમી હોતો નથી. શ્રેણીમાં 2-0થી પાછળ રહેવા પછી, ભારતીયોને એક વધુ જીત નોંધાવી
સન્માન બચાવવાની તક હતી, પણ એ પણ સરી ગઈ. ટોચના બૅટ્સમૅનો તો સદંતર નિષ્ફળ રહ્યા, પણ
જેમના પર ભાવિ મદાર છે એ થનગનતા યુવા ખેલાડીઓ પણ અણીના સમયે પાણીમાં બેસી ગયા. ટાર્ગેટ
માત્ર 147 રન હતો, પણ આ પીચ પર રિષભ પંત (64)ને છોડીને સંપૂર્ણ બૅટિંગક્રમ પત્તાંના
મહેલની માફક
ઢળી
પડયો.
વર્ષોથી
ભારતના ક્રિકેટ સ્ટેડિયમોમાં સ્પીનરોને યારી આપે એવી પીચો તૈયાર કરવામાં આવે છે. ન્યૂ
ઝીલૅન્ડ સામેની બધી મૅચોમાં આવી જ પીચો તૈયાર કરાઈ હતી, પણ આવી પીચો પર બૅટિંગ કેવી
રીતે કરવી એની આવડત આપણા બૅટ્સમૅનોમાં જરાય નથી, એવું આખી શ્રેણી દરમિયાન જોવા મળ્યું.
આવી પીચ બનાવી વિદેશી ટીમનો શિકાર કરનારી આપણી ટીમ ખુદ શિકાર બની ગઈ. પ્રથમ બે ટેસ્ટમાં
હાર પછી ત્રીજી ટેસ્ટ જિતાડવામાં આપણે કયાં પાછળ પડયા તેનાં અનેક કારણો છે પણ આવી સ્થિતિમાં
પ્રથમ વેળા ટીમના કોચ ગૌતમ ગંભીરની કોચિંગ શૈલી અને વ્યૂહરચના પર પણ પ્રશ્ન ઊભા થાય
છે.
ટી-20
વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ટીમે જે પ્રતિષ્ઠા અને પ્રશંસા અર્જિત કરી હતી તે આ દેખાવથી
ધૂળમાં મેળવી દીધી છે. ન્યૂ ઝીલૅન્ડ ટીમ સામે ભારતે ઘરઆંગણે આત્મસમર્પણ કર્યું હોય
એવી સ્થિતિ સર્જાઈ છે. હવે અૉસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ટીમ પર જીતની આશા પર
પ્રશ્નાર્થ લાગ્યો છે. આ પરાજયથી વર્લ્ડ ટેસ્ટ
ચૅમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારત સામે અૉસ્ટ્રેલિયાને 4-0થી હરાવવાનો
હિમાલય છે. અૉસ્ટ્રેલિયાનો પ્રવાસ આમ પણ વિશ્વની દરેક ટીમ માટે મુશ્કેલ હોય છે. ઘરઆંગણે
નિષ્ફળ રહેલા વરિષ્ઠ ખેલાડીઓ પર લટકતી તલવાર વચ્ચે આ પ્રવાસ પર આપણી કેવી વલે થશે એની
ચિંતા સાથે બીસીસીઆઈએ લાંબા ગાળાનું ચિંતન શરૂ કરવું પડશે.