• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

સંસદમાં હોબાળાને પ્રાથમિકતા

સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે અદાણી સામે અમેરિકામાં, મણિપુર તેમ જ સંભલમાં હિંસા અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષી સાંસદો દ્વારા બન્ને ગૃહોમાં હોબાળો મચાવવામાં આવ્યો અને બન્ને ગૃહની કામગીરી અવરોધવામાં આવી. આને કારણે લોકસભા અને રાજ્યસભામાંના સ્પીકરને સંસદનાં બન્ને ગૃહની કામગીરી બુધવાર સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી.

સંસદનું કોઈપણ સત્ર હોય, તેની શરૂઆત હોબાળાથી જ થાય એવી જાણે એક પરંપરા થઈ ગઈ છે. જે અયોગ્ય, બિનસંસદીય છે. વિપક્ષ જે હોબાળો મચાવે છે તેની તૈયારીરૂપે સંસદ સત્રથી પહેલાં વિપક્ષ કેટલાક મુદ્દાઓને લઈ સવાલ કરે છે અને પછી સંસદ સત્રની શરૂઆતથી જ મુદ્દો હોબાળો અને સભાત્યાગનું કારણ પણ બને છે. લોકતંત્ર પર કેટલાક એવા ડાઘ લાગ્યા છે જે ઈચ્છીએ તો પણ દૂર કરી શકાતા નથી. સૌથી મોટું ઉદાહરણ તો દેશની સંસદ છે જ્યાં ફક્ત હોબાળો-ધાંધલધમાલ મચાવવી જ કેટલાક પક્ષોનું ધ્યેય બની ગયું છે. સોમવારથી શરૂ થયેલું સત્ર જે રીતે હોબાળાથી શરૂ થયું તે જોતાં લાગે છે કે આખું સત્ર હોબાળાને હવાલે જ ન થઈ જાય.

દુનિયાની સૌથી અમીર હસ્તી એલન મસ્કે ભલે દુનિયામાં સૌથી મોટા લોકતાંત્રિક દેશ તરીકે ભારતની પ્રશંસા કરી હોય, આપણા લોકતંત્ર પર અનેક સવાલ પણ કર્યા છે. હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર કેટલાક પક્ષોએ ઈવીએમની વિશ્વસનીયતા પર ફરી સવાલ કરીને લોકતાંત્રિક પ્રણાલીને આરોપીના કઠેડામાં ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. બૅલેટ પેપરથી ફરી ચૂંટણી કરવાની શિવસેનાએ માગણી કરી છે. દુનિયા આપણા લોકતંત્રની પ્રશંસા કરે છે, ત્યારે રાજકીય ફાયદા માટે ઈવીએમ પર સવાલ ઉઠાવવો ક્યાંની સમજદારી છે? આવા સવાલોથી અને શંકાથી આપણું લોકતંત્ર નબળું પડે છે તેની ચિંતા કોને છે?

શું સંસદની કાર્યવાહી નહીં ચલાવવાથી લોકતંત્ર શક્તિશાળી બનશે? આ સવાલનો જવાબ બીજા કોઈએ નહીં, પરંતુ આપણા રાજકીય પક્ષોએ જ શોધવો પડશે. અદાણી સમૂહ પર મુકાયેલા આરોપ ગંભીર છે પણ તેના માટે સરકારને ઘેરવાના બીજા માર્ગ પણ છે. સંસદમાં આવા મુદ્દા પર ચર્ચાને અવકાશ છે પણ એના માટે હોબાળો મચાવવાની જરૂર નથી.

દેશ આજે બેરોજગારી, મોંઘવારી અને બીજી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. શું સંસદના સમયનો ઉપયોગ આ મુદ્દાઓ પર ચર્ચા માટે ન થવો જોઈએ? સંસદનાં બન્ને ગૃહમાં છેલ્લા કેટલાક સમયથી કામ ઓછું અને હોબાળો અધિક થઈ રહ્યો છે. જનતા પોતાના પ્રતિનિધિથી અપેક્ષા કરે છે કે ગૃહમાં તેઓ પોતાના વિચાર અને દેશ માટે વિકાસની ચર્ચા કરે. ભારતના લોકતંત્રની પ્રશંસા બીજા દેશ કરે છે તો આ પ્રશંસા સરકારની જ નહીં, સમગ્ર દેશની થાય છે. વિપક્ષ હોબાળો કરીને સંસદને બાધિત કરી શકે છે, પરંતુ તેઓ આમ કરીને જનતાનું ધ્યાન પોતાના પ્રતિ આકર્ષિત ન કરી શકે. જનતા હોબાળો નહીં પણ રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દા પર સરકારનો જવાબ માગે છે. સંસદમાં હોબાળો મચાવવાની આદત પર વિપક્ષે વિચાર કરવો જોઈએ. વિપક્ષોએ રચનાત્મક રીતોથી વિરોધ વ્યક્ત કરવો જોઈએ નહીં કે હોબાળો અને સભાત્યાગથી. સત્તા અને વિપક્ષ વચ્ચેની કટુતા વધે એ લોકતંત્ર માટે શુભ સંકેત નથી, પરંતુ આ કટુતા ત્યારે જ દૂર થઈ શકે જ્યારે બન્ને પક્ષ એકબીજાનો આદર કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક