• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

બેન્કિંગ : આમૂલ સુધારા જરૂરી

લોકસભાએ તાજેતરમાં પસાર કરેલો બેન્કિગ સુધારા ખરડો ગ્રાહક સેવાઓ સુધારવામાં અને બેંકોનું કામકાજ સુરેખ બનાવીને તેમની કાર્યદક્ષતા વધારવામાં ઉપયોગી થશે. બેન્કના ખાતાધારકો હવે એકને બદલે ચાર નોમિનીઓ નીમી શકશે. અત્યારે એક જ નોમિની નીમવાની છૂટ હોવાથી વારસોમાં વિવાદ થાય છે. ઘણાં પતિપત્નીઓ એકમેકને નોમિની બનાવે છે અને ક્યારેક કોઈ દુર્ઘટનામાં તે બંને એક સાથે અવસાન પામે તો વારસદારોને ખાતાની રકમ મેળવવામાં પારાવાર મુશ્કેલી પડે છે. હવે બેન્ક ડિપોઝિટનો વારસો આપવાનું અને મેળવવાનું સ્પષ્ટ અને સરળ બનશે. નધણિયાતાં ખાતાંની સંખ્યા અને તેમાં અટવાઈ ગયેલી રકમમાં ઘટાડો થશે. બેન્કોને તેમના ઓડિટરોની ફી નક્કી કરવાની છૂટ અપાઈ હોવાથી સરકારી બેંકોના ઓડિટીંગની ગુણવત્તા સુધરવાની આશા રાખી શકાય.

આ સુધારા આવકારપાત્ર છે, પરંતુ તે ભારતીય બેન્કિગના મૂળ પડકારને સ્પર્શતા નથી. ભારતમાં વેપારધંધા અને ઉદ્યોગોને મળતું બેન્ક ધિરાણ ઘણું ઓછું છે અને તેમાં પણ જેને એની સૌથી વધુ જરૂર છે એવા નાના ધંધાર્થીઓ માટે તે વધુ અઘરું અને મોંઘુ છે. ભારતીય બેંકોનું વેપારી ધિરાણ દેશની રાષ્ટ્રીય આવકના આશરે 50 ટકા છે. મોટા ભાગના વિકસિત દેશો અને ચીનમાં આ પ્રમાણ દેશની રાષ્ટ્રીય આવક કરતાં વધારે હોય છે. અમેરિકા આમાં અપવાદ છે. પરંતુ તેની બોન્ડ માર્કેટ એટલી વિકસિત છે કે કંપનીઓ બેન્કોને બદલે વ્યક્તિગત રોકાણકારો તેમ જ નાણાકીય સંસ્થાઓ પાસેથી મૂડી એકત્ર કરી શકે છે. જન્ક અથવા ભંગાર  બોન્ડના પણ લેવાલ મળી આવે છે. 

ભારતમાં બેન્ક ધિરાણના સમગ્ર માળખાને ઉપરતળે કરવાની જરૂર છે. મોટી કંપનીઓ, ખાસ કરીને પ્રોજેક્ટ ફાઇનાન્સ માટે બેન્કો પાસેથી લોન લેવાને બદલે બજારમાંથી બોન્ડ મારફત નાણાં એકત્ર કરે તે ઇચ્છનીય ગણાય. બેન્કો એમએસએમઈ ક્ષેત્રનાં મોટાં એકમોને સીધી લોન આપે અને નાનાં એકમોને લોન આપતી એનબીએફસીનાં બોન્ડમાં રોકાણ કરે તો આ અતિશય મહત્ત્વના ક્ષેત્રની ધિરાણની સમસ્યા હળવી બને અને તેમના વિકાસમાં વેગ આવે. બેન્કો મોટી કંપનીઓ કરતાં નાના એકમો પસેથી વધુ વ્યાજ લઇ શકશે એટલે તેમના નફા પણ સુધરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક