પડતર
માગો પૂરી કરવાની માગ સાથે ગયા અઠવાડિયે શંભુ બોર્ડરથી પગપાળા દિલ્હી કૂચ માટે નીકળેલા
ખેડૂતો બેફામ બનતા સુરક્ષાવ્યવસ્થા જાળવવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો અને ટીયર ગૅસનો
ઉપયોગ કર્યો હતો. હવે ખેડૂતો વધુ આક્રમક બને એવાં એંધાણ છે તે પહેલાં રિઝર્વ બૅન્ક
અૉફ ઈન્ડિયાએ ખેડૂતોને મોંઘવારીથી રાહત આપવા માટે ગૅરન્ટી વિના બે લાખ રૂપિયા સુધીની
લોન આપવાની જાહેરાત કરી છે. હાલમાં આ મર્યાદા 1.6 લાખ રૂપિયા છે.
ખેડૂતોની
દિલ્હી કૂચની જાહેરાત વચ્ચે કેન્દ્રીય કૃષિપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રાજ્યસભામાં જણાવ્યું
કે, કેન્દ્ર સરકાર ખેડૂતોનાં તમામ વાવેતર અને પાક એમએસપીના ભાવ આપીને ખરીદશે. “કેન્દ્ર
સરકાર અગાઉથી જ ખેડૂતોને લાભકારી ભાવ ચૂકવી રહી છે. કઠોળ, ઘઉં, જુવાર, સોયાબીનને ત્રણ
વર્ષ પહેલાં જ 50 ટકા વધુ
ભાવે
ખરીદવામાં આવી રહ્યાં છે. અમે 50 ટકાથી વધુ લાભ ઉપર એમએસપી નક્કી કરીશું અને ખેડૂતોનો
પાક ખરીદશું,” એમ પણ તેમણે જણાવ્યું છે.
હવે
જોવાનું એ છે કે આ પછી ખેડૂત નેતાઓ શું વલણ લે છે. વાસ્તવમાં તેઓએ સરકાર સાથે મંત્રણાને
પ્રાધાન્યતા આપવી જોઈએ. જો તેઓ આમ નહીં કરે તો કમનસીબી હશે. ખેડૂત નેતાઓએ જે વ્યવહારિક
ન હોય અને ન તો તેને માનવી સરકાર માટે સંભવ હોય. એવી માગની જીદ છોડી દેવી જોઈએ. ખેડૂત
સંગઠન એમએસપી ખરીદ કાયદો ઘડવાની ગૅરન્ટી તથા ખેડૂતો માટે પેન્શનની પણ માગ કરી રહ્યા
છે. આ ઉપરાંત, તેઓ ઈચ્છે છે કે ભારત વિશ્વ વ્યાપાર સંગઠનમાંથી નીકળી જાય અને મુક્ત
વ્યાપાર સમજૂતીઓ પર રોક લગાવે. ખેડૂત સંગઠન તો એના પર પણ ભાર મૂકી રહ્યા છે કે સરકાર
વીજળી (સંશોધન) ખરડો રદ કરે. વાસ્તવમાં આવી માગણીઓના જવાબમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું
હતું કે, ખેડૂત સંગઠનો વાજબી માગણીઓ જ મૂકે. શક્ય છે કે ખેડૂતોની કેટલીક માગણીઓ ઉચિત
હોય પણ તેની સાથે અનુચિત માગણીઓનો આગ્રહ રાખવામાં આવે તો મંત્રણા કયા નિષ્કર્ષ પર પહોંચી
શકે?
વિપક્ષો
તો ખેડૂત સંગઠનો પડખે ઊભા રહેવા તત્પર છે અને માગણીઓ ઉચિત હોવાનું કહેવા તત્પર છે,
દિલ્હી કૂચનું સમર્થન કરી રહ્યા છે. પોતાના રાજકીય લાભ માટે ફરીથી ખેડૂતોને સરકાર વિરુદ્ધ
પ્યાદા બનાવવા માગે છે. અગાઉ પણ જોવા મળ્યું છે કે ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીમાં
કેવી અવ્યવસ્થા ફેલાઈ હતી અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવી કેટલી મુશ્કેલ હતી. સરકારે
ખેડૂતોની આવક વધારવાની સાથે કૃષિ વૃદ્ધિના પગલાં લેવાં જોઈએ, પરંતુ આ માટે સરકાર સાથે
સંઘર્ષ એ માર્ગ નથી. કૃષિ ક્ષેત્રમાં ભારેખમ રોકાણની જરૂર છે, પરંતુ તે માત્ર સરકાર
ન કરી શકે, આ માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી જરૂરી છે. દેશનાં અનેક રાજ્યોમાં ખેડૂતોની
સંખ્યા ઘણી છે, પણ તેઓએ ક્યારે પણ પોતાની માગણીઓને લઈ કોઈ આક્રમક વલણ અપનાવ્યું નથી.
દરેક વેળા પંજાબ અને હરિયાણાના ખેડૂતો જ દિલ્હી કૂચ દ્વારા સરકારને કફોડી સ્થિતિમાં
મૂકવા કેમ તત્પર હોય છે આ બાબતમાં સંશોધનની જરૂર છે?