રાજ્ય
કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સંબંધિત વિભાગ અકસ્માત ઝોન એવું બોર્ડ લગાવે છે. સંખ્યાબંધ
ટોલરોડ અને અન્ય માર્ગ પર વાહનની ગતિની એક સીમા નિયંત્રિત કરવામાં આવી છે પરંતુ છેલ્લા
કેટલાક સમયથી એવું લાગે છે કે જાણે આખું ગુજરાત ‘એક્સિડન્ટ ઝોન’ છે.
શહેરની અંદર અને હાઇવે પર વાહનો અથડાવાની દુર્ઘટનાઓ દરરોજ મોટી સંખ્યામાં નોંધાય છે.
યુવાન વયના લોકો કાળનો કોળિયો બને છે. સરકારના વિવિધ તંત્રો વચ્ચે સંકલિત પ્રયાસો અને
વાહનચાલકોની જાગૃતિ, સતર્કતા તથા સ્વયંશિસ્ત જ આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે. કોઈ
મહામારી, બીમારી-વાયરસ કે પછી કુદરતી હોનારત સમયે માણસ લાચાર હોય છે પરંતુ યોગ્ય આયોજન
અને પ્રયાસ થાય તો અકસ્માત જેવી ઘટનામાં ઘટાડો થઈ શકે.
સૌરાષ્ટ્રના
માળિયા હાટિના પાસે સોમવારે સવારે સર્જાયેલો ગંભીર અકસ્માત અનેક રીતે વિચાર માગી લે
તેવી ઘટના છે. બે મોટરકાર સામસામે અથડાઈ તેને લીધે થયેલી દુર્ઘટનામાં 5 વિદ્યાર્થી
સહિત કુલ સાત વ્યક્તિના તત્કાળ મૃત્યુ થઈ ગયાં. એક મોટરકાર તો રોડના ડિવાઈડર ઠેકીને
સામેની તરફ ગઈ, ધડાકા સાથે અથડાઈ પડી. સીસીટીવી કેમેરાના જે વીડિયો વાયરલ થયા છે તેમાં
બન્ને કારની અત્યંત વધારે ગતિ સ્પષ્ટ દેખાય છે. આ તો મોટો બનાવ છે. શોકજનક ઘટના છે,
પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓના મૃત્યુ આકસ્મિક થયાં છે. હાઈ-વે પર કે શહેરની
વચ્ચે આવી ઘટનાઓ સતત બનતી રહે છે.
અમદાવાદ
જેવા શહેરમાં તથ્ય પટેલ નામના સગીરની મોટરકાર 9 વ્યક્તિના જીવ લેવામાં નિમિત્ત બન્યા
પછી હિટ એન્ડ રનના અનેક કિસ્સા બન્યા. જ્યારે કોઈ આવી રીતે કાર ચલાવીને કોઈને કચડી
નાંખે ત્યારે તેમાં એક્સિડન્ટ કરતાં પણ બેદરકારીનું પ્રમાણ વધારે હોય છે. આવા કિસ્સામાં
ચાલકને ત્વરિત સજા થાય તેવી જોગવાઈ હોવી જોઈએ. આર્થિક રીતે સંપન્ન, રાજકીય રીતે પહોંચી
વળે તેવા લોકો આવા કિસ્સામાં હોય છે. હવે દિવસ પહેલાં અમદાવાદમાં જ ટ્રકની પાછળ કાર
ઘૂસી જતાં બે યુવાનના મૃત્યુ થયાં હતા. માંગરોળ પાસે ટ્રકની ઠોકરે સ્કુટર ચડી જતાં
પરિણીતાનું અપમૃત્યુ, બોટાદમાં બાઈક ચાલકનું અકસ્માતે મૃત્યુ..આવા સમાચારોથી માધ્યમો
છલકાય છે.
અકસ્માત
આખરે અકસ્માત છે તેવું સ્વીકાર્યા પછી પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રથમ
તો એ કે આર.ટી.ઓ.એ વાહન ચલાવવા માટેનું લાયસન્સ આપવાની પ્રક્રિયા અત્યંત ચુસ્ત બનાવવી
પડે. કોઇ સમાધાન આ બાબતે થવું જોઈએ નહીં. પોલીસ અને આરટીઓ જ્યારે શહેર કે હાઇ-વે પર
તપાસમાં ઉતરે ત્યારે નિયમભંગ હોય તો જરૂરી કાર્યવાહી થવી જ જોઈએ, અંગત હિતને લીધે કર્મચારી
વાહનચાલકને જવા દે તો પરિણામ માઠાં આવે. પોલીસ શહેરોમાં મધ્યમવર્ગના વાહનો ટો કરે છે
તેવી જ નિષ્ઠાથી હાઈ વે પર ભારે વાહન કે કાળા કાચવાળી મોટરકારની તપાસ કરે તો પણ અકસ્માતો
ઘટી શકે. હાઈ-વે તથા પુલના કામ શરૂ થયા પછી વર્ષો સુધી પૂર્ણ થતાં નથી તેને લીધે પરિવહન
મુશ્કેલ બન્યું છે.
છેલ્લે,
પ્રશાસન કે સરકારની જવાબદારી તો છે જ પરંતુ આખરે વાહન ચલાવનારની જાગૃતિ આવશ્યક છે.
વધારે પડતી ગતિ, નિયમોનું ઉલ્લંઘન, ઝડપથી પહોંચવાની ઘેલછા તે બધા પરિબળો પણ કામ કરે
છે. વાહન ચલાવવાનું શરૂ થાય ત્યારે માત્ર એક વિચાર પણ આવી જાય કે ઘરે કોઈ રાહ જુએ છે
તો પણ સ્થિતિમાં આંશિક તો ફેર પડે.