જનતાના
સેવક ગણાતા દેશના સંસદસભ્યોના વેતનમાં 24 ટકાનો માતબર વધારો થયો તેના સ્વાભાવિક રીતે
પ્રત્યાઘાત તો પડયા છે. સામાન્ય નાગરિકોનો પ્રતિભાવ અને વિચાર અહીં સમજી શકાય પરંતુ
તેને સીધું અનુમોદન આપી શકાય નહીં. સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનનો વધારો સ્વાભાવિક
રીતે જ રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બને. પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયાથી લઈને પાનના ગલ્લા
પર થતી ચર્ચામાં વ્યક્ત થઈ રહી છે. લોકપ્રતિનિધિઓના પગારમાં થયેલા વધારાથી સામાન્ય
માણસોને કદાચ આંચકો લાગે કે નારાજગી થાય પરંતુ અન્ય કેટલીક બાબતો પણ તેમાં સાથે વિચારવાની
જરુર છે.
બે-ત્રણ
બાબત અગત્યની છે. એક તો દેશમાં બેકારીનું પ્રમાણ હજી છે. યુવાનોને નોકરી મળતી નથી,
વધતા ફૂગાવા-મોંઘવારીનો ભોગ મધ્યમ વર્ગ બની રહ્યો છે ત્યારે સાંસદોના પગાર કે પેન્શન
વધે તો લોકોને સૂક્ષ્મ ઈર્ષ્યા થાય. મહિને રૂપિયા એક લાખમાંથી હવે સીધા રૂ.1.24 લાખ
મળશે. પ્રજા એ વાતની પણ નોંધ લે છે કે કોઈ પણ વાતમાં વિરોધ કરતો વિપક્ષ ક્યારેય ભથ્થા
કે પગારની બાબતમાં અસંમત નથી હોતો. જો કે કેન્દ્ર અને વિવિધ રાજ્યોની સરકાર કર્મચારીઓ
અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાંમાં વધારો કરે છે. સવાલ નિજી ક્ષેત્રો માટેનો છે. સાંસદોનો
પગાર વધારો એ સરકાર તરફથી કે સંસદ તરફથી થતો કોઈ અપરાધ નથી, તેનો કોઈ વિરોધ કરવાની
પણ જોગવાઈ નથી. પરંતુ જ્યારે જ્યારે આવો વધારો થાય છે ત્યારે પ્રજાના મનમાં નારાજગી
શા માટે થાય છે?
આપણા
દેશમાં દાયકાઓથી, એટલે આમ તો આઝાદી મળી તે પછીના થોડા જ વર્ષોથી રાજકીયપક્ષના કાર્યકર્તાઓ,
નેતાઓ, ઉચ્ચ પદ ધરાવતા લોકોની છાપ ભ્રષ્ટ તરીકે પડી અને ઉપસી. લોકોના મનમાં એક વાત
ધીમે ધે દૃઢ થતી ગઈ કે રાજનીતિમાં જે વ્યક્તિ હોય તે ક્યારેય પ્રમાણિક રહી શકે જ નહીં.
તેને લીધે એવું થયું કે આ પગાર વધે ત્યારે એવા પ્રશ્ન થાય કે તેમને શું જરુર? ધારાસભ્યો
કે સાંસદો તો સંપત્તિવાન હોય છે. સ્વતંત્રતા મળી તે પછીના સમયમાં રાજનીતિ લોકસેવાનું
માધ્યમ હતું અને પછી તેમાં પરિવર્તન થયું તે પણ સૌ જાણે છે પરંતુ એક જ દૃષ્ટિએ બધાને
જોવા તે પણ યોગ્ય નથી.
સાંસદો-ધારાસભ્યોથી
લઈને કોર્પોરેટર્સના ભથ્થાં-પગારના વધારાને અન્ય રીતે પણ જોવો આવશ્યક છે. કોઈ સાંસદ
પોતાના વિસ્તારમાં કાર્યાલય ખોલે તેનો જ ખર્ચ જંગી હોય. ત્યાં કોઈ અરજદાર, કાર્યકર્તા
જાય એટલે તેમની આગતા-સ્વાગતાનો ખર્ચ થાય. બહારગામથી કોઈ આવ્યું હોય તો ભોજન, કોઈ સંસ્થાને
અપાતું દાન જેવા અનેક ખર્ચ હોય. દિલ્હી કે ગાંધીનગરના બંગલો કે ક્વાર્ટરમાં દરરોજ કાર્યકર્તાઓનો
મોટો સમુદાય હોય. ત્યાંનો ભોજન ખર્ચ હોય તે બધું લોકપ્રતિનિધિએ નિભાવવાનું હોય. અનેક
ધારાસભ્યો કે સાંસદોને એવું કહેતા આપણે સાંભળ્યા છે કે આટલા રૂપિયા તો ક્યારે ક્યાં
પૂર્ણ થઈ જાય તે ખબર પણ પડતી નથી એટલે આ પગાર-ભથ્થાંના વધારાનો સીધો જ વિરોધ કરવાને
બદલે આ વિચાર પણ કરવા જેવો ખરો કારણ કે લોકપ્રતિનિધિઓના ખર્ચ ઓછા હોતા નથી. પગાર-ભથ્થાનો
વિરોધ લોકો ન કરે તે માટે સાંસદોએ શું કરવું જોઈએ? તેમણે ખરેખર લોકોનો એવો વિશ્વાસ
સંપાદિત કરવો જોઈએ કે પોતે આટલાં ભથ્થા અને પગારમાં જ પોતાનો વ્યવહાર ચલાવે છે. રાજકીય
પદ માટે આથી વિશેષ કોઈ આવક તેમના માટે નથી. પ્રજાએ આખી વાતને સમજવી જોઈએ કે આ ભથ્થા
તેમને તેમના પદની જવાબદારી નિભાવવા, જનપ્રતિનિધિ તરીકે મળે છે, તેમનો જીવન વ્યવહાર
ચલાવવા માટે નહીં.