• શનિવાર, 26 એપ્રિલ, 2025

આ સમસ્યાનો ઉકેલ મળવો અઘરો

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાતી સમસ્યા આપણા સુધી વહેલી પહોંચે છે, આપણી પ્રતિક્રિયાઓ પણ તેમાં ત્વરિત હોય. પ્રત્યાયનના નિષ્ણાતો જેને માહિતી વિસ્ફોટનો યુગ કહે છે તેવા આ સમયમાં વૈશ્વિક સ્તરે બનતી ઘટનાના પૃથક્કરણમાં આપણે સ્થાનિક મુદ્દા, ખરેખર ઘર આંગણાની કહેવાય તેવી સમસ્યાને વિસરી જતા હોઈએ તેવી પ્રતીતિ વારંવાર થઈ રહી છે. સુરત અને સૌરાષ્ટ્રમાં બનેલા બે બનાવ આ વાતચની પુષ્ટિ કરે છે. વડોદરા અને જામનગરમાં વિદ્યાર્થિનીઓએ કૂમળી વયે આત્મહત્યા કરી અને સૌરાષ્ટ્રના બગસરા વિસ્તારના મુંજિયાસર ગામે શાળાએ જતા બાળકોએ પોતાના હાથ ઉપર બ્લેડથી ચીરા પાડયા. ત્રણેય ઘટનાના કેન્દ્રમાં મોબાઈલ ફોન છે.

સુરતની ઘટના દુ:ખદ તો છે જ સાથે અનેક પ્રશ્નો સર્જે  છે. થોડા દિવસો પહેલાં એવું બન્યું કે 12 વર્ષની એક બાળકી ફળિયાંમાં રમી રહી હતી. તેના હાથમાં રહેલો તેની માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો. કલ્પી શકાય નહીં કે એવું શા માટે થયું હશે પરંતુ બાળકીએ આત્મહત્યા કરી લીધી. આ કારણ પોલીસે જાહેર કર્યું છે માટે તેના ઉપર જ વિચાર આગળ ચાલે. તરુણાવસ્થાએ પણ ન પહોંચેલી આ દીકરીને એટલો બધો અપરાધભાવ શા માટે થયો, એટલી સંવેદનાઓ તીવ્ર થઈ ગઈ કે તેણે સીધું આ પગલું ભર્યું, મોબાઈલ ખોવાય કે પાણીમાં પડે તો માતા-પિતા બહુ બહુ તો ઠપકો આપે. આ કિસ્સામાં એવું તે શું કે બાળકીએ સીધો આપઘાત કર્યો, શું નવી પેઢી સાવ નાની ઉંમરે નિર્દોષતા અને સહિષ્ણુતા ગુમાવી રહી છે, એક જ કિસ્સા ઉપરથી માતા-પિતાના વલણનું આકલન પણ કરી શકાય નહીં પરંતુ તેનો વિચાર તો કરવો પડે. અન્ય ઘટના જામનગરની છે અને તે પણ વિચાર માગે છે. સ્કુલે જતી વિદ્યાર્થિનીના દફતરમાંથી મોબાઈલ મળ્યા અને કોઈ શું કહેશે તેવા ડરથી તેણે પણ આત્મહત્યા કરી લીધી. કેટલાક અગત્યના મુદ્દા છે. એક તો એ કે બાળકોને-કિશોરોને મોબાઈલનું વળગણ વધારે છે તે હવે નવી વાત નથી અને તે એટલી હદે કે છૂપાવીને તે સ્કુલબેગમાં લઈ જાય છે. કે પછી વાલીના મોબાઈલથી તેઓ રમવા લાગે છે.

બીજી બાબત એ છે કે આ બાળકો એટલા બધા આળાં મનના થઈ ગયા છે કે તેમને કોઈ કંઈ કહે તેના કરતાં મોત વ્હાલું લાગવા માંડયું છે. શિક્ષકો અને માતા-પિતા શિસ્તનો વધારે પડતો આગ્રહ રાખે છે કે પછી બાળકોમાં નિર્ભિકતા ઘટી રહી છે, ત્રીજી ઘટના બગસરા પાસેના મુંજિયાસર ગામમાં બની છે અને તે અત્યંત ચિંતાજનક છે. શાળામાં ભણતા બાળકોએ પોતાના હાથમાં કાપા માર્યા છે, પ્રાથમિક તારણ એવું છે કે કોઈ વીડિયોગેઈમમાં અપાતા ટાસ્કને અનુસરીને તેમણે એવું કર્યું છે. ઘટનાની તપાસ હજી ચાલુ છે. પરંતુ ત્યાં પણ કારણમાં તો મોબાઈલ ફોન જ હોવાની શક્યતા છે.

આ સમસ્યાનો ઉકેલ નજીકમાં દેખાતો નથી. મોબાઈલ ફોન હવે અનિવાર્ય થઈ ગયા છે. અહીં સરકારની ભૂમિકા પણ ઓછી છે. સરકાર તો પોતાના હસ્તકની શાળાઓ માટે વ્યવસ્થા કરી શકે. માતા-પિતા પોતે મોબાઈલ ફોનનો ઉપયોગ સંયમિત રીતે કરે. સંતાનોને સમજાવે. સંતાનો સાથે મિત્રતા કેળવે. કૂમળી વયની દીકરી કે દીકરો આવા નજીવા કારણે જીવ આપી દે તે સ્વસ્થ સમાજના લક્ષણ નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક