• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

અતીતની અટારીએથી ભાવિનું દર્શન

સૌરાષ્ટ્રમાં આ સપ્તાહાંત ઉત્સવ છે. એક તરફ 1000 વર્ષ પૂર્વે બનેલી એક વિષમ ઘટનાનું અલગ રીતે સ્મરણ છે. બીજી તરફ ભાવિ તરફ મીટ છે, નજર છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પ્રાંતીય આવૃત્તિ રવિવારે શરૂ થઈ રહી છે, રાજકોટમાં અને સોમનાથમાં ભવ્ય સ્વાભિમાન ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. બન્નેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેવાના છે. બન્ને ઉત્સવ આમ તો એમની સૂક્ષ્મદૃષ્ટિ અને દૂરંદેશીની નિપજ છે. બે મોટી ઘટનાનું સાક્ષી સૌરાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. વાઇબ્રન્ટ તો સૌરાષ્ટ્રથી સૌ-રાષ્ટ્રનો ઉત્સવ છે. બધાની નજર ત્યાં થનારાં એમઓયુ ઉપર અને પછી તેનાં અમલીકરણ ઉપર છે.

ગુજરાતને વૈશ્વિક ઓળખ આપવાનાં આયામ-આયાસના ભાગરૂપે 2003થી અહીં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન રાજ્ય સરકારે કર્યું. દેશના અને અન્ય દેશોના પ્રતિનિધિઓ આવ્યા. થોડું રોકાણ પણ આવ્યું. ગુજરાત ક્યાં છે અને ક્યાં પહોંચવાનું છે તેનો ખ્યાલ પણ આવ્યો. આ વર્ષે વાઇબ્રન્ટ સમિટને પ્રાંતીય સ્વરૂપ આપી દેવાયું. જેનો બીજો તબક્કો તા. 11 જાન્યુઆરી ને રવિવારે રાજકોટમાં શરૂ થશે. વીજીઆરસી તરીકે ઓળખાઇ રહેલી આ સમિટમાં 1500 જેટલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ-એમઓયુ થશે. 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો હિસ્સો લેશે તેવું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. વાઇબ્રન્ટ સમિટ આ રીતે થઈ રહી છે તેનો ફાયદો એ છે કે ગુજરાતના વિવિધ પ્રાંતમાં વિકાસની, ઉદ્યોગ-વેપારના વિસ્તારની જે શક્યતાઓ પડેલી છે તેનો પરિચય વિશ્વને થશે. ઉત્તર ગુજરાતમાં આ સમિટ યોજાઈ ગઈ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં હવે યોજાશે.

સૌરાષ્ટ્રમાં વાઇબ્રન્ટ સમિટ-ઉદ્યોગ વેપારનો ઉત્સવ એવી વાત ફક્ત રાજકોટની ઔદ્યોગિક વસાહતો કે મશીનટૂલ્સ, ઓઇલ એન્જિને પૂર્ણ નથી થતી, વાત ત્યાંથી તો શરૂ થાય છે. ગુજરાતનાં સિરામિક ઉત્પાદનમાં 90 ટકા હિસ્સો ધરાવતો મોરબીનો સિરામિક ઉદ્યોગ, જામનગરનું બ્રાસ સેક્ટર, અલંગનું જહાજ ભાંગવાના યાર્ડથી લઈને જેતપુરની સાડીઓ, પોર્ટ અને લોજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ સહિતનાં ક્ષેત્રો વિકસી રહ્યાં છે. અત્યાર સુધી વિદેશી વેપાર-ઉદ્યોગકારોનાં વિમાન ગાંધીનગર - અમદાવાદ એરપોર્ટે અટકી જતાં હતાં. હવે આ બધાં જ અહીં સૌરાષ્ટ્રમાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને પોતાનું કૌશલ્ય, ક્ષમતા બતાવવાનો અવસર વધારે સારી રીતે મળશે. કુલ પાંચ દિવસ આ વાઇબ્રન્ટ સમિટ ચાલવાની છે, જેનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ કરશે.

2003માં આ પરંપરા શરૂ થઈ ત્યારે તેનો મુખ્ય ધ્વનિ હતો, ગુજરાતને રોકાણનાં અગત્યનાં મથક તરીકે પુન: સ્થાપિત કરવું. 2009માં ગુજરાત રોકાણ માટેનું સૌથી અગ્રતા ધરાવતું મથક બને તેવો વિચાર મૂળમાં હતો. 2013માં ગુજરાતને વૈશ્વિક વેપાર કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં સરકારે પગલાં ભર્યાં હતાં. 2019માં ભારતના નૂતન આકારના વિચાર સાથે સમિટ યોજાયા પછી કોરોનાએ ત્રણ વર્ષ બધું બંધ કરાવ્યું. 2024માં ગેટ વે ટુ ધ ફ્યુચર - ભાવિનું દ્વાર થીમ સાથે યોજાયા બાદ હવે આ વર્ષે આ રીજિયોનલ સમિટ આવી છે. એમઓયુ થશે, અહીં વિદેશી રોકાણકારો આવશે, તેઓ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને વેપારક્ષેત્રથી પરિચિત થશે તે બધું સાચું પરંતુ લાંબા ગાળે પરિણામ ?

સર્વત્ર એક જ ચર્ચા છે કે જે કરાર થાય તેનો અમલ પણ ઝડપથી થાય તે જરૂરી છે. જો કે, આ એક બાબતને લીધે સમગ્ર પ્રકલ્પ અને આયોજનની ગરિમા સહેજ પણ ઝાંખી પડતી નથી. સૌરાષ્ટ્રમાં આટલા ઉદ્યોગપતિઓ આવે, વિવિધ વિષયો ઉપર પરિસંવાદો યોજાય તે અગત્યનું છે. આર્થિક ફાયદો પણ થવો જ જોઈએ પરંતુ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો, વિદ્યાર્થીઓ પણ અપડેટ થશે અને આપણે ત્યાં વિશેષતા છે તેની જાણ વિશ્વને થશે.

વાઇબ્રન્ટ સમિટમાં બે દિવસમાં 40 જેટલા સેમિનારમાં કૃષિક્ષેત્ર, મત્સ્યોદ્યોગ, સિરામિક સહિતના ઉદ્યોગો વિશે ચર્ચા થવાની છે. સૌરાષ્ટ્રના આર્થિક વિકાસ અંગેની વિશેષ યોજના અંગે પણ પરિસંવાદ યોજાશે. વિવિધ કંપનીના સીઇઓની ગોળમેજી પરિષદ મળશે. આ તમામ ચર્ચાઓ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને વિશ્વ તરફ અને વૈશ્વિક પ્રવાહોને સૌરાષ્ટ્ર તરફ લાવવાનું મોટું માધ્યમ બનશે તેવી આશા નિરર્થક નથી. સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના માંધાતાઓએ આ આયોજનને આવકારીને અનેક અપેક્ષા સેવી છે. આગામી દિવસોમાં તેની પૂર્તતા થાય તેની તેઓ આશા રાખી રહ્યા છે.

વાઇબ્રન્ટની સાથે જ સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાઈ રહ્યું છે. સોમનાથ ઉપર થયેલાં આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.

આમ તો આ ભૂલી જવા જેવી ઘટના છે પરંતુ ઉજવણી તો સોમનાથની સખાતે આવેલા વીરોને પુન: સ્મરણમાં લાવવા માટે થઈ રહી છે.

સોમનાથ ભારતની ધાર્મિક ધરોહર, આધ્યાત્મિક અસ્મિતા, સાંસ્કૃતિક ગરિમાનું પ્રતીક છે. ફક્ત આક્રમણ જ નહીં સોમનાથની સાથે અનેક કથા, સત્યઘટનાઓ જોડાયેલી છે. આ બધાનાં સ્મરણ થકી પણ આખરે મહિમા તો ગુર્જર દેશનો - ગુજરાતનો થશે. બન્ને અવસર સૌરાષ્ટ્રનાં આંગણે છે, તે પણ અગત્યનું છે. બન્ને ઉત્સવથી ગુજરાતની પ્રજાને ફાયદો થાય. સ્વાભિમાન ખરેખર જાગે અને લાંબો ગાળો તે ટકે તે પણ અગત્યનું છે. એક તરફ આ અતીતની ઘટનાનું પુન: સ્મરણ છે, બીજી તરફ ભાવિ તરફની ગતિ છે. સકારાત્મક રહેવાથી, આક્રમણોનો સામનો કરીને અસ્મિતા સાચવવાથી જ આગળ વધી શકાય, કોઈની ગરિમા ખંડિત કરીને નહીં તે આ અવસરમાંથી શીખવાની બાબત છે.

ઇ-પેપરના નવા શુલ્ક