ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટનાં આયોજન સાથે ગતિશીલ છે. એવામાં જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝ સોમવારે 12મીએ ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આજે વૈશ્વિક શક્તિ સંતુલન ઝડપથી બદલાઈ રહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધખોર અભિગમ સાથે સ્વાર્થભરી રાજનીતિ પર ઊતરી આવ્યા છે, એવામાં જર્મની જેવા વિકસિત રાષ્ટ્ર સાથે ભારત દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માગે એ સ્વાભાવિક છે.
ભારત-જર્મની
રણનીતિક ભાગીદારીની રજત જયંતી આવી રહી છે. ફ્રેડરિક મર્ઝની પ્રથમ સત્તાવાર મુલાકાત
માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આતુર છે. શ્રી મોદી અમદાવાદમાં પ્રોટોકોલ મૂકીને પોતે
ચાન્સલરને આવકારવા જવાના છે. બંને નેતાની શિખર બેઠકમાં 25 વર્ષની ભાગીદારીના સમીક્ષા
ઉપરાંત સંરક્ષણ સહયોગ, વૈશ્વિક સુરક્ષા, વેપાર-કારોબાર, ટેક્નોલોજી પર ભાર મૂકવામાં
આવશે. તદ્ઉપરાંત ભારત અને યુરોપીય સંઘ મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ)ને આગળ વધારવાની
બાબતે હાથ પર લેવાશે એવી ધારણા છે.
જર્મની
યુરોપનો ટેક્નોલોજી સંપન્ન સમૃદ્ધ દેશ છે. બીજા દેશ વચ્ચેના ગાઢ સંબંધોને નવી ઊંચાઈ
પર લઈ જવાની દિશામાં મોદી-મર્ઝની આ બેઠક મહત્ત્વપૂર્ણ, નિર્ણાયક બની રહેશે, તેવું સમજાઈ
રહ્યું છે. દુનિયા બે દિગ્ગજ દેશના નેતાઓ વચ્ચે નિર્ધારિત બેઠકનો મુખ્ય એજન્ડા આઠ અબજ
ડોલર એટલે કે, લગભગ 66 હજાર કરોડ રૂપિયાની સબમરીન સમજૂતીનો રહેશે. આ ભારતની અત્યાર
સુધીની સૌથી મોટી સંરક્ષણ સમજૂતી બની શકે છે. પહેલીવાર સબમરીન નિર્માણ પર ટેક્નોલોજી
ટ્રાન્સફરને પણ સામેલ કરાશે.
ભારતમાં
જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને કહ્યું છે કે, ભારત જર્મની માટે એક ભરોસાપાત્ર ભાગીદાર
બની ચૂક્યું છે. ભારત અને જર્મનીની રણનીતિક ભાગીદારી શાંતિ-સુરક્ષા, વિજ્ઞાન, ટેક્નોલોજી,
સમૃદ્ધિ તેમજ જનસંપર્કના ચાર મુખ્ય સ્તંભ પર મજબૂત રીતે ઊભી છે. નાટો અને યુરોપીય સંઘની
બહાર મર્ઝની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત એ બંને દેશ વચ્ચે ઊંડી બનતી જતી દ્વિપક્ષીય ભાગીદારીનો
ભારે મજબૂત સંકેત છે.
મર્ઝને
અમદાવાદમાં આમંત્રિત કરવા એ પોતાનાં ગૃહરાજ્યમાં બોલાવી, જર્મન ચાન્સલરના ઉષ્માભર્યા
આવકારની વડાપ્રધાન શ્રી મોદીની અદ્ભુત ચેષ્ટા છે, તેવું જર્મન રાજદૂત એકરમેને કહ્યું
છે. ચાલુ મહિનામાં જ ભારત અને યુરોપીય સંઘ વચ્ચે નિર્ધારિત શિખર બેઠક પહેલાં જર્મન
ચાન્સલર ભારત પ્રવાસે છે, ત્યારે મુક્ત વેપાર કરાર પર મોહર મારવાની આ અદ્ભુત તક છે.
જર્મની પણ આ કરારનું મજબૂત સમર્થક રહ્યું છે. સંરક્ષણ, વેપાર સહિત ક્ષેત્રોમાં શાંતિ-સંપપૂર્વક
સહકાર વધારવાના ઉમદા હેતુ સાથે જર્મન ચાન્સલરની ભારત મુલાકાત મહત્ત્વપૂર્ણ બની રહેશે.