રાજકોટમાં યોજાયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ’ સૌરાષ્ટ્ર-કચ્છના વિકાસની દિશામાં મક્કમ, વેગવાન પગલું સાબિત થવાની શકયતા તેવું કહેવું અતિરેક ભર્યું નથી. બે દિવસમાં અહીં 5492 એમઓયુ થકી 5.78 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવ આવ્યાની સત્તાવાર જાહેરાત થઈ છે. આંકડાને આધાર માનીએ તો સૌરાષ્ટ્ર માટે આકાશ નહીં પરંતુ હવે અંતરીક્ષ જ મર્યાદા છે. ચર્ચા એવી થતી હોય કે જે વેપાર સમજૂજી કરાર થાય તેમાંથી કેટલું સાકાર થશે? કેટલી યોજનાઓ કાગળ ઉપરથી વાસ્તવમાં આવશે? ઉદ્યોગ ક્ષેત્રે સૌરાષ્ટ્રની આવતીકાલ અને આવતીકાલના સૌરાષ્ટ્રનું ઉદ્યોગક્ષેત્ર આ કોન્ફરન્સ પછી ઘણા બદલાઇ જશે તેવી આશા સેવી શકાય તેમ છે. કોન્ફરન્સને સરકારી આયોજન કે રાજકીય દૃષ્ટિથી જોવાને બદલે તેને સમગ્રતયા જોવાની જરૂર છે. રાજકોટની ધરતી ઉપર 2026ની શરૂઆતમાં એક નોંધપાત્ર ઘટનાએ આકાર લીધો તેવું ચોક્કસ કહી શકાશે.
અત્યાર
સુધી એવી છાપ જગતમાં છે કે ગુજરાતમાં નોંધપાત્ર અને મોટા ગજાના ઉદ્યોગ તો મધ્ય-ગુજરાત
અને દક્ષિણ ગુજરાતમાં જ છે. આમાં કંઈ ખોટું પણ નથી પરંતુ આ મોટા ઉદ્યોગોને સૌરાષ્ટ્રના
નાના ગણાતા ઉદ્યોગોએ મોટા કર્યા છે તેવું વાઈબ્રન્ટ કોન્ફરન્સના વિવિધ ડોમ જોતાં જાણી
શકાય. ઓટો પાર્ટ્સ, મશીનટુલ્સ, સીએનસી જેવા
ઉદ્યોગોથી સૌરાષ્ટ્ર ધબકે છે. અહીંના ઉદ્યોગકારોના કૌશલ્ય, પ્રતિબદ્ધતામાં કોઈ ખોટ
નથી. ખૂટે છે તો માર્કેટિંગ- પ્રચાર. જેને વૈશ્વિક ફલક કે મંચ કહેવાય તે આ ઉદ્યોગોને
ઓછા અને મોડા મળ્યા. આ કોન્ફરન્સથી હવે તે શક્ય બન્યું છે.
રીન્યુએબલ
એનર્જી આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ હરિત ઉર્જા, બંદર ઓલિમ્પિકના આયોજનમાં ભાગીદારી સહિતની
બાબતોની ચર્ચા થઈ. આ તમામ ક્ષેત્રે વિકાસ થશે. સૌરાષ્ટ્રમાં આમૂલ પરિવર્તન આવશે તેવી
આશા જાગી છે.
વીજીઆરસી-
વાયબ્રન્ટ ગુજરાત રીજિયોનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાઈ તેની તાત્કાલિક ઉપલબ્ધિઓ પણ ઓછી
નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં તેનું ઉદ્ઘાટન કર્યું તેથી સમગ્ર આયોજનની ઊંચાઈ
અને વ્યાપ બન્ને વધી ગયા. દેશના પ્રથમ પંક્તિના ઉદ્યોગગૃહોના ફક્ત પ્રતિનિધિઓ જ નહીં
તેના વડા- મુખ્ય વ્યક્તિઓ આ નિમિત્તે રાજકોટમાં આવ્યા તેમણે કેટલાક કલાક અહીં ગાળ્યા.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અહીં ઉપસ્થિત રહ્યા, સૌને પ્રભાવિત કરતું વક્તવ્ય
તેમણે આપ્યું તેમાં કહ્યું કે રાજકોટ તેના નામ અનુસાર કિંગ સિટી છે. ગુજરાત રિલાયન્સ
માટે શરીર, હૃદય અને આત્મા છે. કુલ સાત લાખ કરોડ રૂપિયાના રોકાણની તેમણે તૈયારી દર્શાવી.
વિરાટ અને વિશિષ્ટ યોજનાઓ વિશે ટૂંકમાં વિગત આપી.
અદાણી
પોર્ટના એમ.ડી. કરણ અદાણીએ પણ ભારત-ગુજરાતના વિકાસથી અદાણી ગ્રુપ ઓફ કંપનીઝનો વિકાસ
અલગ નથી તેમ કહીને પોતાની પ્રતિબદ્ધતાની વાત કરી. દેશના 40 ટકા કાર્ગોનું પરિવહન બંદરો
થકી થાય છે ત્યારે બંદરના વિકાસ માટે પોતાની કંપની શું કરી રહી છે તે કહીને કચ્છને
પરિવર્તનનું મોટું માધ્યમ ગણાવ્યું. 1.5 લાખ કરોડના રોકાણની જાહેરાત તેમણે પણ કરી.
વેલસ્પન ગ્રુપના બી.એ. ગોએન્કાએ પણ ગુજરાત-કચ્છને
ઉદ્યોગક્ષેત્રે અગત્યનું મથક ગણાવ્યું. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં, ઉદ્યોગ ક્ષેત્રના
આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ વચ્ચે રાજકોટના પરાક્રમસિંહ જાડેજાએ જે વાત કરી તે સૌરાષ્ટ્રના
ઉદ્યોગ જગતનું પ્રતિનિધિત્વ હતું. તાત્પર્ય એ છે કે સૌરાષ્ટ્ર ઉદ્યોગક્ષેત્રે નથી તો
પછાત કે નથી ત્યાં શક્યતાની ખોટ તેવું આ અગ્રીમ ઉદ્યોગપતિઓએ કહ્યું જેને એક રીતે પ્રમાણપત્ર
માની શકાય.
વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા ઉપરથી પોતે જ કહેલા શબ્દોનું સ્મરણ કરીને કહ્યું કે રાષ્ટ્રની
જેમ સૌરાષ્ટ્રમાં પણ રોકાણ માટે ‘યહી સમય હૈ, સહી સમય હૈ.’ વાયબ્રન્ટની આખી યાત્રા તેમણે વક્તવ્યમાં વર્ણવીને
કહ્યું કે હવે આ સમીટ આધુનિક ભારતની યાત્રા છે. વાયબ્રન્ટ ગુજરાત ફક્ત રોકાણનો વિષય
નથી રહ્યો હવે આ વૈશ્વિક ભાગીદારી, વૈશ્વિક વિકાસ તથા આંતરરાષ્ટ્રીય સહયોગનો મોટો મંચ
છે. વાયબ્રન્ટ ગુજરાતને વડાપ્રધાને સર્વસમાવેશકતા (ઈન્કલુઝન)નું પ્રતીક સૌરાષ્ટ્રની
ધરતી ઉપરથી કહી એક અર્થ એવો તારવી શકાય કે વીસ વર્ષમાં વાયબ્રન્ટની દસ આવૃત્તિનું પરિણામપત્રક
રાજકોટમાં જાહેર થયું. બે દાયકામાં આ યાત્રા
વૈશ્વિક ઓળખ બની તેવું તેમણે કહ્યું.
જે
સૌરાષ્ટ્ર ઉદ્યોગ ક્ષેત્રે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે તેવી વાત હતી તેના માટે વડાપ્રધાને
કહ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છ એ ક્ષેત્ર છે જે શીખવે છે કે પડકારો ગમે તેટલા મોટા હોય તો
પણ મહેનત કરીએ તો સફળતા મળે. આ સદીના આરંભે કચ્છે મોટો ભૂકંપ ઝેલ્યો. સૌરાષ્ટ્રમાં
વારંવાર દુષ્કાળ પડતો પરંતુ આ પ્રદેશે પરિશ્રમથી પોતાનું ભાગ્ય બદલ્યું છે. આ સૌરાષ્ટ્રને
મળેલું પ્રમાણપત્ર છે. વડાપ્રધાનના વાયબ્રન્ટ કોન્ફરન્સના પ્રવચનમાં અગત્યની વાત એ રહી કે તેમણે સૌરાષ્ટ્રને અવસરોનું જ નહી
પરંતુ આત્મનિર્ભર ભારતની વિભાવનાને ગતિ આપનારું ક્ષેત્ર કહ્યું. ઓછી કિંમતે થતાં ઉત્પાદન
કે સ્થાપાતા ઉદ્યોગથી શરૂ કરીને હવે હાઈ ટેક્નોલોજીની વેલ્યૂચેઈનને આ ક્ષેત્ર સહયોગ
કરે છે તેવા ઉદ્ગાર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોની પીઠ થાબડનારા હતા.
ભારતમાં
અત્યારે કેન્દ્ર સરકાર રીફોર્મ, ટ્રાન્સફોર્મ અને પરફોર્મની ફોર્મ્યુલા ઉપર કામ કરી
રહી છે. આ રિફોર્મ એક્સપ્રેસ અટકવાની નથી. આનો સીધો અર્થ એ છે કે રાષ્ટ્રના વિકાસ માટેનો
સ્પષ્ટ નકશો તેમની પાસે છે અને તે નકશામાં સૌરાષ્ટ્ર-કચ્છ હવે ઝીણા નહીં પરંતુ બોલ્ડ
અક્ષરે દેખાઈ રહ્યું છે. જે ‘એમઓયુ’ થયાં છે
તેને સાકાર થતાં સમય શકય તેટલો ઓછો લાગે તો સારું, પરંતુ આજે તો એટલું કહી શકાય કે
સૌરાષ્ટ્રના ઉદ્યોગક્ષેત્રને અને ઉદ્યોગોમાં સૌરાષ્ટ્ર ક્ષેત્રને નોંધપાત્ર સ્થાન-માન
મળ્યું છે જેનું નિમિત્ત આ વાયબ્રન્ટ ગુજરાત
રીજીયોનલ કોન્ફરન્સ છે. હવે જરૂર છે પૂરતી માળખાંકીય સુવિધાની સરળીકરણની, પરિવહન અને
ટેકનોલોજીના ઝડપી પરિવર્તનની.