• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

શ્વાન કરડે તો વળતર ચૂકવે સરકાર, સુપ્રીમની લાલ આંખ

શેરીમાં, રસ્તા ઉપર રખડતા શ્વાન બાબતે ચાલતા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોની જવાબદારી હવે નક્કી કરી છે. કોઈ નાગરિકને શ્વાન કરડે, તેનાથી જો તેનું મૃત્યુ થાય તો રાજ્ય સરકારે તેનું વળતર ચુકવવાનું રહેશે. શ્વાનપ્રેમીઓમાં તેના પ્રત્યાઘાત પડશે તે નક્કી છે. જો કે, સર્વોચ્ચ અદાલતે લાંબા સમયની ચર્ચા પછી આખરે આ વાત કરી છે. સરકારને અગાઉ પણ અનેક વખત આ મુદ્દે ટકોર કરી હોવા છતાં અપેક્ષિત પરિણામ મળ્યું નથી તેવી નારાજગી પણ સર્વોચ્ચ અદાલતે વ્યક્ત કરી છે. જીવદયા, પ્રાણી કલ્યાણ જેવા મુદાની અવગણના કરવી જોઈએ નહીં તેની સામે શહેરીકરણ, માનવીય સુવિધાઓને પણ ધ્યાને રાખવી ઘટે.

2025ના નવેમ્બર માસમાં દેશની સર્વોચ્ચ અદાલતે રઝળતા શ્વાનને શેલ્ટર હાઉસમાં પુરી દેવાનો આદેશ આપ્યો હતો તેની સામે શ્વાન પ્રેમીઓ ભડકયા હતા. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા આખરે કોર્ટે નિર્ણય ફેરવ્યો અને કહ્યું કે, આ રઝળતા શ્વાનનું વ્યંધત્વીકરણ કરી તેને પોતાના મુળ વિસ્તારમાં છોડી દેવામાં આવે. શ્વાન વસતિ નિયંત્રણ અંગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્ય સરકારને ગંભીર વલણ બતાવવા આગ્રહ કરવામાં આવ્યો હતો. જો કે, શ્વાનપ્રેમીઓ ત્યાં પણ નારાજ હતા. રઝળતા શ્વાનની સમસ્યા સાવ પાયા વગરની વાત નથી. રાત્રે નિર્જન રસ્તા ઉપરથી પસાર થતા વાહનોની પાછળ દોડતા શ્વાનને લીધે થતા અકસ્માત, બાળકો કે વૃદ્ધોને શ્વાન કરડવાની બનતી ઘટનાઓ વારંવાર સમાચારમાં ચમકતી રહે છે.

જીવદયા પ્રેમીઓ હંમેશા દલીલ કરે છે કે, રસ્તા કે શેરી ફક્ત માણસો માટે નથી શ્વાન અને ગાયોને પણ ત્યાં ફરવા દેવા જોઈએ. પ્રાણી કલ્યાણનો વિચાર ઉમદા છે પરંતુ જ્યારે નગર વ્યવસ્થાની વાત આવે ત્યારે કેટલાક મુદ્દા ઉભા થતા રહે છે. આ જ પ્રશ્ને સુપ્રીમ કોર્ટે વારંવાર સંબંધિત સત્તાધીશોને આદેશ કર્યા છે. 13 જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે કડક આદેશ રાજ્ય સરકારોને કર્યો છે અને કહ્યું છે કે, જો કોઈ બાળક કે વડીલને શ્વાન બટકું ભરે અને તેઓ ઘાયલ થાય અથવા મૃત્યુ પામે તો તેમને રાજ્ય સરકારે વળતર ચુકવવું પડશે. જસ્ટીસ વિક્રમનાથે સખત વલણ અપનાવતા એમ કહ્યું કે, શ્વાનને જાહેરમાં ખોરાક આપનારા લોકો પણ આવી ઘટના માટે જવાબદાર ગણાશે.

શ્વાન આમતેમ ભટકે અને માણસોને કરડે તે રીતે તેને છોડી મુકવા કરતા જાહેરમાં ખોરાક આપનારાઓ તેને ઘરે લઈ જાય તે યોગ્ય છે. મેનકા ગુરૂસ્વામી નામના વરીષ્ઠ વ્યક્તિએ જ્યારે રખડતા શ્વાનનો મુદ્દો ભાવુક છે તેવી દલીલ કરી તેની સામે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ ભાવુકતા માત્ર શ્વાન માટે દર્શાવવામાં આવે છે.

એક તરફ જીવદયા પ્રેમીઓની દલીલ, પ્રાણીઓ માટેનો તેમનો પ્રેમ છે. બીજી તરફ રાત અને દિવસ શ્વાનથી પરેશાન લોકો છે. કોર્ટે એવું પણ કહ્યું છે કે, શ્વાનથી ફેલાતી કેટલીક બીમારીઓની કોઈ દવા નથી. આ સ્થિતિમાં જીવદયા પ્રેમીઓની લાગણીઓને વધુ ઠેસ પહોંચવાની શક્યતા છે પરંતુ શહેરોના આધુનિકરણ, શહેરીજનો માટેની વ્યવસ્થાને ધ્યાને રાખતા સુપ્રીમ કોર્ટની વાત પણ ખોટી નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક