રાજકોટમાં બે દિવસ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પૂર્ણ થયા પછી તેની ઘણી ચર્ચા છે. તેના પરિણામો વિશે વાત થઈ રહી છે. સૌરાષ્ટ્રના આંગણે આ કોન્ફરન્સ યોજાઈ તેનો રાજીપો ઉદ્યોગકારો વ્યક્ત કરી ચુક્યા છે. હવે પ્રશ્ન જે વાતો થઈ તેના અમલીકરણનો છે. કોન્ફરન્સમાં જે વચન અપાયા છે તે રિલાયન્સ અને અદાણી ઈન્ડસ્ટ્રી દ્વારા અપાયા છે એટલે પુર્ણ તો થાય તેમાં કોઈ બીજો અભિપ્રાય હોઈ શકે નહીં પરંતુ તે સિવાય પણ મોટી સંખ્યામાં એમઓયુ થયા છે. આ ઉપરાંત જે કોઈ બાબતો વાયબ્રન્ટ સંદર્ભે છે તેની ચર્ચા થવી ઘટે.
વડાપ્રધાને
પોતાના વક્તવ્યમાં કહ્યું કે રાજકોટ, મોરબી અને જામનગરનો ત્રિકોણ જાપાન બનશે તેવી મારી
આગાહી સાચી પડી છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે આ પ્રોત્સાહન નાનું નથી પરંતુ અહીંના
ઉદ્યોગો અને ઉદ્યોગકારોની કેટલીક જરૂરત અને અપેક્ષા છે જે ભાવિ વિકાસ માટે આવશ્યક છે.
ઉદ્યોગોની સ્થાપના માટે વ્યાજબી ભાવે જમીન મળવી જરૂરી છે. આનુષંગિક માળખાકીય સુવિધાનો
સાતત્યપૂર્ણ અને પરિણામલક્ષી વિકાસ તેટલો જ આવશ્યક છે. કૌશલ્યવાળું શ્રમ બળ ઉદ્યોગોને
વધુ મજબૂત બનાવશે. સૌરાષ્ટ્રની સરકારી અને નિજી યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ માત્ર પરીક્ષાલક્ષી
બાબત બનીને રહી ગયા છે તેને બદલે તેને પરિણામલક્ષી બનાવવા પડશે એટલે કે આ સ્ટાર્ટઅપનો
ઉપયોગ ઉદ્યોગોમાં શક્ય તેટલો વધારે કરવો પડશે.
વાયબ્રન્ટ
જેવા આયોજનો વિદ્યાર્થીઓ, વિદ્યાલયો સુધી પહોંચે તો ઉદ્યોગની ઉપયોગીતાનો તેમને ખ્યાલ
આવી શકે. આવા આયોજનોમાં અભ્યાસલક્ષી અભિગમ પણ દાખલ કરવો પડે. આ ઉપરાંત ઉદ્યોગોની સ્થાપના
માટે વહીવટી પ્રક્રિયા ઝડપી બને, દરેક તબક્કે ભ્રષ્ટાચાર થતો હોવાની સ્થિતિમાંથી વેપાર
ઉદ્યોગ ક્ષેત્રને પણ મુક્તિ મળે, લઘુ ઉદ્યોગો માટે ઓછા ભાવે વસાહતો, પરિવહન, શ્રમિક
કલ્યાણ યોજનાનો ચુસ્ત અમલ જેવી ઘણી બાબતો છે જે આવા મહત્વકાંક્ષી આયોજનોની સાથે અમલી
બને તે જરૂરી છે. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અપાર શક્યતાઓના દ્વાર ખોલીને સંપૂર્ણ
થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની ક્ષમતામાં વિશ્વાસ દાખવ્યો છે હવે વહીવટી
તંત્ર, ઉદ્યોગ સહાયક સંસ્થાઓ અને ઔદ્યોગિક સંગઠનોએ આ વિશ્વાસને સાચો સાબિત કરવાનો છે.