પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી હજુ દૂર છે પણ માથા ઉપર ગાજે છે ત્યારે મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહીમાં દખલ કરીને સંવિધાન અને કેન્દ્ર સરકારને પડકારીને રાજકીય લડત શરૂ કરી છે. ચૂંટણી અંગેની વ્યૂહ - સલાહકાર કંપનીનાં કાર્યાલયો અને કંપનીના માલિકના નિવાસસ્થાને દરોડા પાડવા ગયેલા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારીઓને પડકારવા પોલીસ ફોજ લઈને મુખ્ય પ્રધાન પહોંચ્યાં અને કેટલીક ફાઇલો, લેપટોપ વગેરે ખૂંચવી લીધાં. હવે આ મામલો હાઈ કોર્ટમાં પહોંચ્યો છે પણ તે કાનૂની કરતાં રાજકીય વધુ છે.
મુખ્ય
પ્રધાન કહે છે કે આઈમેક નામની કંપનીને તૃણમૂલ કૉંગ્રેસે ચૂંટણી સંબંધિત વ્યૂહ અને ડેટા-માહિતી
માટે રોકી છે અને ઈડીએ આ બધી માહિતી જપ્ત કરી છે - ‘ચોરી લીધી છે’! ઈડીનું કહેવું છે
કે સીબીઆઇએ વર્ષ 2020માં કોલસાની સ્મગ્લિંગને ચોરીછૂપી કરવાના કેસમાં અનુપ માંઝી નામના
શખસ સામે ફરિયાદ નોંધી હતી. તે પછી ‘મની લૉન્ડરિંગ’ની માહિતી મળતાં વધુ તપાસ માટે ઈડી
દ્વારા કાર્યવાહી થઈ રહી હતી. ઈડી સાથે કેન્દ્રીય પોલીસના માત્ર છ પોલીસ હતા જ્યારે
મુખ્ય પ્રધાને સ્થાનિક પોલીસના કાફલા સાથે આવીને ફાઇલો, લેપટોપ, મોબાઇલ ફોન વગેરે ખૂંચવી
લીધાં છે.
પશ્ચિમ
બંગાળમાં ઇસ્ટર્ન કોલ ફિલ્ડસ લિ.ની કોલસાની ખાણોમાંથી અનુપ માંઝી કોલસો ચોરીને રાજ્યનાં
કારખાનાઓમાં વેચતો હતો. આ કેસની તપાસ દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી
અભિષેક બેનરજીનાં પત્ની રૂજીરા બેનરજીની પૂછપરછ અનુપ માંઝી સાથેના સંબંધ બાબત કરી હતી.
આ તપાસ અને વિવાદનું મૂળ અહીં જ હોવું જોઈએ. મમતા બેનરજીએ ઈડીની કાર્યવાહી ઉપર ‘રૅડ’
કરી - છાપો માર્યો ત્યારે એમનો જમણો હાથ ગણાતા ભત્રીજા અભિષેક બેનરજી ઘટના સ્થળે ન
હતા તે
નોંધપાત્ર
છે.
મુખ્ય
પ્રશ્ન એ છે કે કોલસાના સ્મગ્લિંગ અને મની લૉન્ડરિંગની તપાસમાં ચૂંટણીને લગતી ફાઇલો
કેવી રીતે આવી? અને મુખ્ય પ્રધાને શા માટે ખૂંચવી લીધી? ચૂંટણી સલાહકાર કંપની જાણીતા
ચૂંટણી નિષ્ણાત પ્રશાંત કિશોરે સ્થાપી હતી પણ ચૂંટણી સિવાયના ‘કામ’માં પણ તેની સલાહ-સહાય
લેવાતી હોય તે શક્ય છે. વિશેષ કરીને ચૂંટણીમાં નાણાકીય વ્યવહાર મુખ્ય હોય છે. આ સંજોગોમાં
તપાસ દરમિયાન ચૂંટણીનો સંબંધ પકડાય તે પણ સ્વાભાવિક છે અને આ કારણે જ મમતાદીદી જાતે
ઘટના સ્થળે દોડયાં, ફાઇલો ખૂંચવી લીધી અને અમિત શાહ સામે ભડક્યાં છે!
હવે
હાઈ કોર્ટમાં આ ‘તપાસ’ની વધુ વિગત પ્રકાશમાં આવવી જોઈએ અને તે પણ વિધાનસભાની ચૂંટણી
પહેલાં આવવી જોઈએ. મમતા બેનરજીએ ભૂતકાળમાં પણ કેન્દ્રીય એજન્સીઓ સામે પોલીસ ફોજ ઉતારીને
અધિકારીઓને ગુનેગારોની જેમ પકડયા હતા. હવે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીમાં દખલ કરવા
બદલ પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. પ્રશાંત કિશોરની આ કંપની તામિલનાડુમાં ડીએમકે શાસક
પરિવાર સાથે પણ જોડાયેલી છે તેથી ત્યાં પણ ઈડીની રૅડ પડે તો નવાઈ નહીં. અલબત્ત, આ કાર્યવાહીના
સમયને ચૂંટણી સાથે સંબંધ હોવાથી અન્ય વિપક્ષો સાવધાન છે!