સબરીમાલા સહિતના ધર્મસ્થળો માટે થયેલી અરજી કે ચાલી રહેલા ભિન્નમત અંગે સર્વોચ્ચ અદાલતે આંખ ખોલતો અભિપ્રાય આપ્યો છે. કોર્ટે કહ્યું કે દરેક ધાર્મિક પ્રથાને પડકારવી યોગ્ય નથી અને તેમાં પણ આવી તમામ બાબતો માટે સીધા જ કોર્ટમાં જવું તો સ્હેજ પણ આવકાર્ય નથી. ધાર્મિક રીવાજ કે પરંપરા-પ્રથાને લોકો સીધા જ કોર્ટમાં પડકારવાનું શરૂ કરશે તો તેની અસર સમાજ ઉપર પડશે. કોર્ટે ઊંડી અને વજુદવાળી ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આમ વારંવાર ધાર્મિક પ્રથાને કોર્ટના ઊંબરે પડકારવાથી ધર્મ અને સભ્યતાના વિઘટનની શક્યતા વધી જાય છે.
ચીફ
જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી નવ જજની બેન્ચ પૈકીના એક ન્યાયાધીશ નાગરત્ને કહ્યું
કે આપણા દેશમાં ધર્મ સમાજ સાથે ઊંડે ઊંડે જોડાયેલો છે. દરેક વ્યક્તિ દરેક ધાર્મિક પ્રથા
ઉપર અવાજ ઉઠાવશે તો સમાજ ઉપર તેની અસર પડશે. સબરીમાલા સંદર્ભે કહ્યું કે ધાર્મિક બાબતોમાં
અદાલતોનો હસ્તક્ષેપ ઓછો હોવો જોઈએ. આ ધર્મસ્થળ સંદર્ભે લાંબા સમયથી વિવાદ ચાલે છે હવે
તો દાઉદી વ્હોરા સમુદાય સંદર્ભે થયેલી અરજીનો પણ આમાં સમાવેશ છે. ન્યાયાધીશ એમ સુંદરેશનું
કહેવાનું પણ એવું જ છે કે જો આવા વિવાદો ચાલુ રહેશે તો વ્યક્તિ દરેક બાબતે સવાલ ઉઠાવશે.
ન્યાયાધીશોની
વાત તો તેમની રીતે સાચી છે. ધર્મ કે સમાજ ઉપર અસર પડે તેવી તેમની ચિંતા પણ અસ્થાને
નથી. પરંતુ આ મુદ્દાને કેન્દ્ર સરકાર અને કોર્ટ સિવાયના પરિપ્રેક્ષ્યની બહાર, કાનૂની
દાયરાથી અલગ-ઉપર પણ વિચારીએ તો કેટલીક બાબતો હવે ચિંતન અને નિષ્કર્ષ માગી લે છે. આધુનિકતા,
બૌદ્ધિકતા (રેશનાલિઝમ)નો વિરોધ નથી પરંતુ આપણી માનસકિતા પણ એવી શા માટે કે જ્યાં જવું
બાધ્ય હોય, ધર્મપરંપરા અનુસાર યોગ્ય ન હોય ત્યાં જ જવાની જીદ કરવી, આ ભક્તિ છે કે કંઈ
સાબિત કરવાની હોડ? કોઈ ધર્મસ્થળ, કોઈ વિશેષ જગ્યાએ બહેનોએ ન જવું તેવો રીવાજ હશે તો
તેની પાછળ જૂના કોઈ કારણ હશે. દેશમાં અનેક મંદિરો છે. સ્થળ છે. જ્યાં પરંપરાગત રીતે
નથી જઈ શકાતું ત્યાં જ જવું તેવું શું કામ? આજે આપણને જે બાબત જૂની- જર્જરિત લાગે તે
નિયત થઈ ત્યારે યોગ્ય જ હશે. બધી વાતમાં વિરોધ, વિવાદ યોગ્ય નથી. ક્યાંક ક્યારેક સમજણપૂર્વક
પણ વર્તવું જોઈએ.